Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાતસંસ્કૃતના પ્રખર વિદ્વાન અને નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું...

  સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

  મંગળવારે સવારે 9 કલાકે ડાહ્યાલાલ શાસ્ત્રીએ 97 વર્ષની વયે દેહત્યાગ કર્યો. આ પહેલાં ગત 3 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનાં ધર્મપત્ની મંગળાબાનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મંગળાબાના અવસાન બાદ તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હતું.

  - Advertisement -

  સંસ્કૃત ભાષા પર પ્રખરતા મેળવીને સનાતન સંસ્કૃતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી રામશરણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (10 ઓકટોબર, 2023) તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડાહ્યાલાલ શાસ્ત્રીને વર્ષ 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના અવસાન વિશે જાણકારી મળ્યા બાદ પીએમ મોદીએ પણ X પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું.

  અહેવાલો અનુસાર, મંગળવારે સવારે 9 કલાકે ડાહ્યાલાલ શાસ્ત્રીએ 97 વર્ષની વયે દેહત્યાગ કર્યો. આ પહેલાં ગત 3 સપ્ટેમ્બર 2023ના રોજ તેમનાં ધર્મપત્ની મંગળાબાનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મંગળાબાના અવસાન બાદ તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું હતું.

  PM મોદીએ શોક વ્યક્ત કર્યો

  ડાહ્યાલાલ શાસ્ત્રીનું અવસાન થયું હોવાના સમાચાર જાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક પ્રકટ કર્યો છે. પોતાના આધિકારિક X હેન્ડલ પરથી ગુજરાતી ભાષામાં શોકસંદેશ પાઠવતાં લખ્યું હતું કે, “નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના. ૐ શાંતિ…!”

  - Advertisement -

  કોણ હતા પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી?

  ડાહ્યાલાલ શાસ્ત્રીનો જન્મ 1926ની સાલમાં 26 જાન્યુઆરીના રોજ મહેસાણા જીલ્લામાં આવેલા વસઈ-ડાભલા ગામમાં કરુણાશંકર પંચોલીના ત્યાં થયો હતો. ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા ડાહ્યાલાલે સંસ્કૃત ભાષા પર પ્રખરતા પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આખા દેશમાં નામના મેળવી હતી. જ્ઞાનપિપાસુ ડાહ્યાલાલે અમદાવાદ તેમજ વારાણસીમાં રહીને સંસ્કૃતનો અભ્યાસ કરીને વ્યાકરણાચર્ય, સાહિત્યાચાર્ય તેમજ હિંદી ભાષામાં વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી. ડાહ્યાલાલે પોતે મેળવેલું જ્ઞાન પોતાના પૂરતું ન રાખીને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવા પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. બાળકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ અને વ્યાપ વધે તે માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરીને અંતિમ શ્વાસ સુધી સંસ્કૃત ભાષાનું જતન કરતા રહ્યા.

  સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના પોતાના યજ્ઞ સાથે-સાથે ડાહ્યાલાલ સનાતન સંસ્કૃતિ માટે પણ આજીવન સમર્પિત રહ્યા. તેઓ વિશ્વ હિંદુ પરિષદના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ તેમજ પરિષદના ગુજરાત પ્રદેશના સંઘ રક્ષક તરીકે સેવા આપતા રહ્યા. આ સિવાય પણ તેઓ સ્વાધ્યાય મંડળ (કિલ્લા પારડી)ના અધ્યક્ષ સ્થાને સેવા આપી રહ્યા હતા. તેઓ ગુજરાત સંસ્કૃત પાઠશાળાના આચાર્ય ઉપરાંત માર્ગદર્શક પણ રહ્યા. ‘સંસ્કૃત રક્ષા, એ જ રાષ્ટ્ર રક્ષા’ને જીવન મંત્ર બનાવીને તેમણે નિવૃત્તિ બાદ નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કારધામની સ્થાપના કરી પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી સંસ્કૃત ભાષાના જતન માટે સેવાયજ્ઞ ચાલુ રાખ્યો. આ સંસ્કારધામમાં સંસ્કૃત મહાવિદ્યાલય, ગૌશાળા, વેદ વિદ્યા ભવન, અંગ્રેજી વિદ્યા ભવન અને યોગ કેન્દ્ર ભવનમાં તેમણે અનેક વિદ્યાર્થીઓ થકી સંસ્કૃત ભાષા અને સનાતન સંસ્કૃતિને આગલી પેઢીને અર્પણ કરી છે.

  વર્ષ 2016મા ડાહ્યાલાલ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016ના ગણતંત્ર દિવસ પૂર્વે ડાહ્યાલાલ શાસ્ત્રીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરી હતી. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા ડાહ્યાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત તેમને ગુજરાતના સ્થાપના દિને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે તેમને ગુજરાત રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં