Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ રેવડી વહેંચી: મફત વીજળી, લૉન માફીના વાયદા,...

  કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ રેવડી વહેંચી: મફત વીજળી, લૉન માફીના વાયદા, લોકોએ પૂછ્યું- કોંગ્રેસની સરકાર છે ત્યાં કેમ નથી કરતા?

  ગુજરાત આવીને રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની વિધિવત શરૂઆત કરી, જાતજાતના વાયદાઓ કર્યા.

  - Advertisement -

  પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની વિધિવત શરૂઆત કરી છે. આજે તેઓ અમદાવાદ આવ્યા હતા, જ્યાં એક સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ આવતાવેંત રેવડીઓ વહેંચવાની શરૂ કરી દીધી હતી અને અનેક વાયદા આપ્યા છે. તેમજ ભાજપ સરકાર પર પણ જુદા-જુદા આક્ષેપો લગાવ્યા હતા. 

  રાહુલ ગાંધીએ કોંગ્રેસની સરકાર બને તો વીજળી મફત કરવાથી લઈને ખેડૂતોની લૉન માફ કરવાના અને કોરોનામાં માર્યા ગયેલા લોકોને વળતર આપવાના વાયદા કર્યા હતા. તેમણે ભાજપ પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, તેમની સરકારે પાંચ વર્ષમાં ગુજરાત માટે કશું કર્યું નથી અને અહીંની જનતા પર આક્રમણ થયું છે અને જે લોકતંત્ર પર આક્રમણ સમાન છે. 

  રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવે છે. પરંતુ સરદાર પટેલ ખેડૂતોના હિતની વાત કરતા હતા, જ્યારે ભાજપ તેમનું જ અપમાન કરે છે. કોંગ્રેસે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યાં હોવાનું કહીને કહ્યું હતું કે, ગુજરાતમાં પણ જો તેમની સરકાર બને તો ખેફૂટોનું 3 લાખનું દેવું માફ કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ લાખ લોકોનાં મોત થયાં હોવા છતાં સરકારે તેમના પરિવારોને વળતર આપ્યું નથી. તેમની સરકાર આવશે તો દરેક પરિવારને ચાર લાખ વળતર મળશે. 

  - Advertisement -

  રાહુલ ગાંધીએ પણ કેજરીવાલના રસ્તે ચાલીને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, ખેડૂતોનાં વીજબિલ માફ કરવાની પણ વાત કહી હતી. આ ઉપરાંત, યુવાનોને દસ લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટ સિસ્ટમ ખતમ કરવાની અને બેરોજગાર યુવાનોને ત્રણ હજાર ભથ્થું આપવાનું પણ એલાન કર્યું હતું. તેમજ ત્રણ હજાર અંગ્રેજી માધ્યમોની શાળાઓ શરૂ કરીને છોકરીઓને મફત શિક્ષણ આપવાની પણ તેમણે વાત કરી હતી. 

  રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો બનાવવાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લાં 27 વર્ષમાં ભ્રષ્ટાચાર થયો હહે તેની તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત, દૂધ ઉત્પાદકોને લિટર દૂધે 5 રૂપિયા સબસિડી આપવાની અને ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની પણ જાહેરાતો કરી હતી. 

  રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. મુન્દ્રા બંદરેથી ડ્રગ્સ લાવવામાં આવે છતાં ગુજરાતની સરકાર કશું જ પગલાં લેતી નથી. આ ગુજરાત મોડેલ છે. જોકે, રાહુલ ગાંધીના દાવાથી વિપરીત સત્ય એ છે કે ગુજરાતમાંથી છેલ્લા છ મહિનામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને ઘણા ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

  આ ઉપરાંત, રાહુલ ગાંધીના વાયદાઓ સોશિયલ મીડિયા પર પ્રસરતાં લોકોએ એ પણ પૂછ્યું હતું કે જ્યાં તેમની પાર્ટીની સરકાર છે ત્યાં તેમણે આમાંનું શું કર્યું છે અને મફત વીજળી અને ગેસ સિલિન્ડર આપવાની શરૂઆત ત્યાંથી કેમ કરવામાં આવતી નથી? કેટલાક લોકોએ મફત રેવડીની વાતો પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં