Thursday, April 25, 2024
More
  હોમપેજગુજરાત‘આજે દેવકાર્ય પણ થાય છે અને દેશકાર્ય પણ’: મહેસાણામાં PM મોદીએ ₹13,000...

  ‘આજે દેવકાર્ય પણ થાય છે અને દેશકાર્ય પણ’: મહેસાણામાં PM મોદીએ ₹13,000 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં

  PM મોદીએ કહ્યું કે, શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (22 ફેબ્રુઆરી, 2024) ગુજરાતની યાત્રાએ હતા. અહીં તેમણે અમૂલનાં 50 વર્ષ પૂર્ણ થવા પર અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો ત્યારબાદ નવસારી અને મહેસાણામાં પણ કાર્યક્રમોમાં સામેલ થઈને હજારો કરોડનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં. આ સિવાય PM મોદીએ મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ હાજરી આપી.

  અહીં તેમણે ₹13,000 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. અહીં તેમણે સંબોધન પણ કર્યું. PM મોદીએ કહ્યું કે, શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે. સાથે તેમણે ઉમેર્યું હતું કે, ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે.

  PM મોદીએ જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાપાઠનાં સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાનાં પ્રતીક છે. મંદિરને જ્ઞાન-વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ગણાવતાં વડાપ્રધાને કહ્યું કે મંદિર દેશ-સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર સમાન છે, એવું તેમણે ઉમેર્યું હતું.

  - Advertisement -

  વડાપ્રધાને ઉમેર્યું કે, આપણો ઐતિહાસિક વારસો માત્ર ઇતિહાસને સમજવાનું પ્રતીક માત્ર નથી, પરંતુ ભાવિ પેઢીને ઇતિહાસ સમજવા, દેશની સંસ્કૃતિ સમજવાનાં પ્રેરણાસ્રોત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યાં છે. ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

  PM મોદીએ કહ્યું કે, “આજે દેશ સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર ઉપર ચાલી રહ્યો છે. સરકાર દેશમાં જીવનને સરળ બનાવવા માટે કામે લાગી છે, તેવું કહી જણાવ્યું હતું કે, મોદીની ગેરેન્ટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યાં છે અને બીજી બાજુ કરોડો ગરીબનાં પાકાં ઘર પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં સવા લાખ ગરીબ પરિવારના ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનો અવસર મળ્યો છે. આજે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાની પણ શરૂઆત થઈ છે. આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહીં સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર વિકસિત થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને અનેક પત્રો લખ્યા હતા પરંતુ તત્કાલીન સરકારે આ કામ કર્યું ન હતું. પણ મોદી જે સંકલ્પ લે છે તે પૂરો કરે છે અને તે વાત આજે ડીસાના રન-વેનું લોકાર્પણ કરીને સાર્થક કરી છે. એટલે જ લોકોને મોદીની ગેરંટીમાં વિશ્વાસ આવે છે તેવું વડાપ્રધાને અંતે ઉમેર્યું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં