Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત'મહિલાઓ ડેરી સેક્ટરની 'બેકબોન', ખેડૂતોને ધનવાન બનાવવા પર અમારું ફોકસ': અમૂલ ફેડરેશનના...

    ‘મહિલાઓ ડેરી સેક્ટરની ‘બેકબોન’, ખેડૂતોને ધનવાન બનાવવા પર અમારું ફોકસ’: અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં વડાપ્રધાને ખેડૂતો અને પશુપાલકોને સંબોધ્યા

    સંબોધનમાં તેમણે GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતના પશુપાલકો અને ખાસ કરીને મહિલાઓને શ્રેય આપતા કહ્યું હતું કે, "પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ અને બહેનો છે."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (22 ફેબ્રુઆરી 2024) ગુજરાતના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈને સવારે 10:20 વાગ્યે પીએમનું સ્વાગત કર્યું હતું. તેમણે અહીંથી મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ઓપન જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

    મળતી માહિતી અનુસાર આ જીપમાં તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર હતા. જીપના રાઉન્ડ બાદ તેમણે હાજર લગભગ એક લાખ ખેડૂતો અને લોકોને સંબોધ્યા હતા. આ સંબોધનમાં તેમણે GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતના પશુપાલકો અને ખાસ કરીને મહિલાઓને શ્રેય આપતા કહ્યું હતું કે, “પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ અને બહેનો છે.”

    GCMMFની સ્વર્ણિમ જયંતિની શુભકામનાઓ પાઠવી

    વડાપ્રધાન મોદીએ અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના ગામડાઓએ સાથે મળીને જે છોડ ઉગાડ્યો હતો તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું. સ્વતંત્રતા બાદ દેશમાં અનેક ડેરી બ્રાન્ડ બની પણ અમૂલ જેવું કોઈ જ નથી થયું. અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટા સંકલ્પ અને સિદ્ધિઓ. આજે વિશ્વના 50 દેશોમાં અમૂલની પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. 36 લાખ ખેડૂતોનું નેટવર્ક રોજ 200 કરોડનું ઓનલાઈન પેમેન્ટ થાય છે જે સામાન્ય અને સહેલી વાત નથી.”

    - Advertisement -

    ડેરી સેક્ટરની કર્તા-હરતા માતાઓ અને બહેનો- વડાપ્રધાન મોદી

    વડાપ્રધાને આગળ જણાવ્યું કે, “અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડામાં નંખાયો હતો. સમયની સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વધુને વધુ વ્યાપક બનતી ગઇ છે અને પછી ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બન્યુ. આજે આપનો દેશ વિશ્વમાં સહુથી મોટા દૂધ ઉત્પાદકોમાંનો એક છે. છેલ્લા 10 વર્ષમાં ભારતે દૂધ ઉત્પાદનમાં 60%ની વૃદ્ધિ કરી છે. વિશ્વ ડેરી સેક્ટરમાં માત્ર 2% આગળ વધે છે, જયારે ભારત 6%ના દરથી આગળ વધી રહ્યું છે. આજે હું ભારતના ડેરી સેક્ટર પર ચર્ચા કરવા માંગું છું. 10 લાખ કરોડના ટર્નઓવર વાળા ડેરી સેક્ટરની કર્તાહર્તા આપની માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડનું મળીને જેટલું ટર્નઓવર થાય છે તેના કરતા વધુ ડેરી સેક્ટરનું છે. મહિલાઓ ભારતના ડેરી સેક્ટરની અસલ બેકબોન છે.”

    વડાપ્રધાન મોદીએ અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં આગળ જણાવ્યું કે, “અમૂલની સફળતા મહિલા શક્તિના કારણે છે. ડેરી સેક્ટરમાં ભારતની સફળતા તે મહિલાઓ માટે મોટી પ્રેરણા સમાન છે. વિકસિત ભારત માટે મહિલાઓની આર્થિક શક્તિ વધવી આવશ્યક છે. અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે તમામ સેક્ટરમાં કામ કરી રહી છે. ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. સરકારે લોકોને 4 કરોડ આવાસ આપ્યા છે અને તેમાંના મોટાભાગના મકાન મહિલાઓના નામે છે. તમે નમો ડ્રોન દીદીનું નામ સાંભળ્યું હશે, 15 હાજર મહિલાઓને આધુનિક ડ્રોન આપીને તેનું સંચાલન શીખવવામાં આવી રહ્યું છે. આ ડ્રોન ખેતીમાં ખાતર અને દવા છાંટવામાં મદદરૂપ થશે.”

    ખેડૂતો ધનવાન બને તેના પર અમારું ફોકસ- વડાપ્રધાન મોદી

    વડાપ્રધાને આગળ જણાવ્યું કે, “ડેરી ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે જે બદલ હું આજે અમૂલની પ્રશંસા કરીશ. ગાંધીજી કહેતા હતા કે ભારતની આત્મા દેશના ગામડાઓમાં વસે છે, અમારી સરકારનું ફોકસ ગામડાઓ પર છે. ખેડૂતો કેવીરીતે ધનવાન બને, પશુઓનું સ્વાસ્થ્ય કેવીરીતે સારૂ રહે તેના પર અમે કામ કરી રહ્યા છીએ. ખેડૂતોને ધનવાન બનાવવાના વિઝન સાથે અમારી સરકારે સહુથી પહેલા ખેડૂતોને કિસન ક્રેડીટ કાર્ડની સુવિધા પૂરી પડી છે. નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સુધારવું તે સરકારની પ્રાથમિકતા છે. સરકારે ખેડૂતોને ઉત્કૃષ્ટ કક્ષાના બિયારણ આપ્યા છે. દૂધાળુ પશુઓની જાતિ સુધારવાનો હંમેશા પ્રયાસ કર્યો છે. પશુઓને બીમારીથી બચાવવા 15 હજાર કરોડના ખર્ચે રસીકરણ કરવામાં આવ્યું છે. પશુધનનો વીમો ઉતારવામાં પ્રિમિયમ ઓછું ભરવું પડશે.”

    અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું, આ મોદીની ગેરેંટી- પીએમ મોદી

    વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, “ગામડાના નાના ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો અમારો પ્રયાસ છે. માઈક્રો ઈરીકેશન, ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓથી ખેતીમાં ઉપજ વધી રહી છે. કેન્દ્ર સરકારનું જોર અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર છે. ખેડૂતોને સોલાર પંપ આપવા માટે કેન્દ્ર સરકારની યોજના છે. પશુપાલકો માટે ગોવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે સાથે જ 2 લાખથી વધુ ગામોમાં સહકારી સમિતિઓનું નિર્માણ કરાયું છે. ખેતી, પશુપાલનમાં સહકારી સમિતિની મહત્વની ભૂમિકા છે. સરકાર દ્વારા સહકારી સમિતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. અમૂલ આજે દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી છે અને તેને આપણે દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું તે મોદીની ગેરન્ટી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં