Monday, July 15, 2024
More
  હોમપેજગુજરાતસુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ધસારો, ધક્કામુક્કીમાં એકનું મોત, 2 સારવાર હેઠળ:...

  સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ધસારો, ધક્કામુક્કીમાં એકનું મોત, 2 સારવાર હેઠળ: રેલ રાજ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યાં, ગૃહમંત્રીએ કહ્યું- વધુ પોલીસ ફોર્સ મોકલાશે

  ઘટના સમયે સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકોની ભીડ હતી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર સ્ટેશનની ક્ષમતા કરતા 3 ગણા યાત્રીઓ એક જ સમયે ત્યાં હાજર હતા. તેવામાં છપરા જતી ગંગા એક્સપ્રેસ આવતાંની સાથે જ સુરત રેલ્વે સ્ટેશનમાં ધક્કામુક્કી શરૂ થઇ ગઈ.

  - Advertisement -

  આજથી મોટાભાગના લોકોને તહેવારોની રજાઓ પડી ગઈ છે. વતનથી દૂર રહેતા લોકોમાં દિવાળી પર વતન પરત જવાનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. બસ તેમજ રેલ્વે સ્ટેશન માનવ મહેરામણથી ઉભરાઈ ગયાં છે. તેવામાં દિવાળીને લઈને સુરતના રેલવે સ્ટેશન સ્ટેશન પર એ હદે યાત્રીઓનો ધસારો વધ્યો છે કે ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયું છે. બીજી તરફ ટ્રેનમાં ચડવા માટે થયેલી આ પડાપડીમાં 2 લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

  મળતી માહિતી અનુસાર, આ ઘટના સમયે સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકોની ભીડ હતી. સ્ટેશનની ક્ષમતા કરતાં 3 ગણા યાત્રીઓ એક જ સમયે ત્યાં હાજર હતા. તેવામાં છપરા જતી ગંગા એક્સપ્રેસ આવતાંની સાથે જ સુરત રેલ્વે સ્ટેશનમાં ધક્કામુક્કી શરૂ થઇ ગઈ. યાત્રીઓ ટ્રેનમાં ચઢવા માટે પડાપડી કરવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગભરામણ થતાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  ઘટનાની જાણ થતાં જ મંત્રી દર્શના જરદોશ ઘાયલોની મુલાકાતે પહોંચ્યા

  સુરત સ્ટેશન પર બનેલી ઘટના બાદ રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ઘાયલ યાત્રીઓની ખબર પૂછવા દવાખાને દોડી ગયાં હતાં. અહીં તેમણે મૃતક યાત્રીના ભાઈ તેમજ સારવાર લઈ રહેલા યાત્રીઓ પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. આ દરમિયાન જરદોશે મૃતક યાત્રીના પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની પણ ઘોષણા કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે રેલવે રિઝર્વેશન વગરના યાત્રીઓ માટે રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશ નિષેધ કરવાના નિર્ણય પર વિચારણા કરી રહ્યું છે.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે તહેવારોની સિઝનમાં સુરત સહિત તમામ રેલ્વે સ્ટેશન પર યાત્રીઓના વધતા ધસારાને ધ્યાને રાખીને અતિરિક્ત પોલીસ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પહેલેથી જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જે યાત્રીઓની તબિયત લથડી હતી તેમને 108ના સ્ટાફે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ બંને યાત્રીઓને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેશન પર તૈનાત પોલીસને વધુ સતર્ક થવા સૂચના આપી હતી.

  વધુ પોલીસ ફોર્સ મોકલાઈ રહી છે: ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુસાફરી સમયે કાળજી રાખવા અપીલ

  ગૃહમંત્રીએ નવસારીમાં એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર નિમિત્તે અચાનક યાત્રીઓ વધી ગયા હતા, જેમને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. હજુ વધુ ફોર્સ સુરત રેલવે સ્ટેશન પર મોકલવામાં આવી છે. હું પણ અહીંથી સીધો રેલ્વે સ્ટેશને પહોંચીશ. 

  તેમણે એક X પોસ્ટ પણ કરી હતી અને કહ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, “ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકો સુરત રહે છે અને આ તહેવારના સમયે સૌ કોઇ પરિવાર સાથે ઘરે રહેવા ઈચ્છતું હોય છે. પરંતુ મુસાફરી કરતી વખતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. મુસાફરી વખતે ધ્યાન રાખશો.”

  ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉત્તર-પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોના લોકો કામ માટે વસવાટ કરતા હોય છે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં તેઓ વતન પરત જઈ રહ્યા હોઈ સ્ટેશને ધસારો જોવા મળી રહ્યો છે. આ માટે રેલવેએ સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવી છે તો સાથે વધુ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. પરંતુ આજે થોડી ક્ષણો માટે સ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી હતી, જેના પરિણામે અવ્યવસ્થા સર્જાઈ. જોકે, પછીથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં