Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત‘કોરોના બાદ હાર્ટ અટેકના કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં’: અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોએ...

    ‘કોરોના બાદ હાર્ટ અટેકના કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં’: અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોએ આંકડાઓ રજૂ કરીને સમજાવ્યું, કહ્યું- વેક્સિનને હાર્ટ અટેક સાથે કોઇ સંબંધ નથી, ભ્રમણાઓ ન ફેલાવાય

    ‘હૃદયની વાત દિલથી કરીએ’ શીર્ષક હેઠળ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે કોરોના ઇન્ફેક્શન કે કોરોના રસીને હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટ સાથે કશો જ સંબંધ નથી તેમજ કોરોના બાદ રાજ્યમાં કાર્ડિયાક અટેકનાં પ્રમાણમાં પણ કોઇ વધારો જોવા મળ્યો નથી.

    - Advertisement -

    એક તરફ કથિત રીતે વધી રહેલા હાર્ટ અટેકના કેસો અંગે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને થોડુઘણું ચિંતાનું વાતવરણ પણ છે ત્યાં અમદાવાદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે તેમજ હ્રદયને લગતા રોગો, યુવાનોમાં હૃદયરોગ સંબંધિત બાબતો, કાળજી, સારસંભાળ વગેરે તેમજ તે અંગેની ગેરમાન્યતાઓને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 

    વાસ્તવમાં થોડા દિવસ પહેલાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની વિવિધ હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરો સાથે એક બેઠક કરી હતી અને વધી રહેલા હાર્ટ અટેકના કેસોને લઈને વિગતવાર અભ્યાસ અને રિસર્ચ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ આ તમામ તબીબોએ શનિવારે (4 નવેમ્બર) અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 

    ‘હૃદયની વાત દિલથી કરીએ’ શીર્ષક હેઠળ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદના ડોક્ટરો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે કોરોના ઇન્ફેક્શન કે કોરોના રસીને હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટ સાથે કશો જ સંબંધ નથી તેમજ કોરોના બાદ રાજ્યમાં કાર્ડિયાક અટેકનાં પ્રમાણમાં પણ કોઇ વધારો જોવા મળ્યો નથી. આ સિવાય તેમણે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક વચ્ચેનો ભેદ પણ સમજાવ્યો હતો તો આંકડાઓ પણ રજૂ કર્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના બાદ હાર્ટ અટેકના કેસોનું પ્રમાણ વધી રહ્યું નથી. 

    - Advertisement -

    અચાનક મૃત્યુનાં અન્ય કારણો પણ હોય શકે 

    UN મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક ડૉ. ચિરાગ દોશીએ હૃદય, તેની સંરચના અને કામગીરી વિશે ટૂંકમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોઇ પણ વ્યક્તિમાં અચાનક મૃત્યુનાં ઘણાં કારણો હોય શકે છે. દરેક ‘સડન ડેથ (અચાનક થતું મૃત્યુ) કાર્ડિયાક ડેથ હોતી નથી. જૂજ કિસ્સાઓમાં આ પ્રકારનાં સડન ડેથનું કારણ હાર્ટ અટેક હોય છે. તેમણે ઉમેર્યું કે, કાર્ડિયાક એરીધમિયા, મહાધમની વિચ્છેદ, મગજનો હુમલો, ફેફસાંની નળીમાં ગાંઠ હોવી વગેરે કારણો પણ સડન ડેથ માટે જવાબદાર બનતાં હોય છે. હૃદય રોગના હુમલા માટે ફેમિલી હિસ્ટ્રી, વધતી ઉંમર, જીવનશૈલી, તણાવ, ખાનપાન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ, સ્મોકિંગ, તમાકુનું સેવન, ઓબેસિટી, જંક ફૂડ, સેડેન્ટરી લાઇફ, બિનકાર્યક્ષમ જીવનશૈલી જેવાં અનેક કારણો જવાબદાર છે એમ પણ તેમણે જણાવ્યું હતું. 

    મેરેંગો સીમ્સ હોસ્પિટલ અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મિલન ચગે કહ્યું કે, નાની ઉંમરનાં 15થી 20 વર્ષનાં બાળકોના કિસ્સામાં આવતા અટેક એ હાર્ટ અટેક નથી હોતા, પણ સામાન્ય કિસ્સામાં કાર્ડિયાક એરેસ્ટ હોય છે. અચાનક હાર્ટ અટેક આવવો અને હાર્ટ બંધ થઈ જવું તેવું માત્ર ત્રણથી ચાર ટકા કિસ્સામાં જ જોવા મળતું હોય છે.

    કોરોના બાદ હાર્ટ અટેકના કિસ્સાઓ વધતાં હોવાની ભ્રમણાઓ ફેલાવાય રહી છે

    તેમણે વધુમાં કહ્યું કે, આજે સમાજમાં કોરોના થયા બાદ હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યા છે તેવી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે. પણ આ બાબત ખોટી છે. કોરોનાકાળ પહેલાંના હાર્ટ અટેકના કેસો અને કોરોના બાદના હાર્ટ અટેકના કેસોમાં કોઈ મોટો ફરક આવ્યો નથી. એટલું જ નહીં, વેક્સિનના કારણે હૃદયની બીમારીઓ વધી ગઈ છે તેવી ભ્રમણા પણ ફેલાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવી ભ્રમણાથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. 

    ડોક્ટર ચગે વધુમાં કહ્યું કે, જો આપણે તણાવમુક્ત જીવન જીવીશું, વ્યસનથી દૂર રહીશું, સાત્વિક ભોજન લઈશું, દરરોજ નિયમિત 45થી 60 મિનિટ ચાલવાનું રાખીશું અને જંકફુડ ખાવાનું ટાળીશું તો ઘણી બધી બીમારીઓને શરીરમાં આવતાં અટકાવી શકીશું. 

    યુવાનોએ ગભરાવાની જરૂર નથી, સાવચેતીનાં પગલાં જરૂરી 

    ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડૉ. ભાવેશ રોયે કહ્યું કે, અમદાવાદના હ્રદયરોગના હુમલાથી થતા મૃત્યુમાં 10 ટકા જેટલા સડન ડેથના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળ્યા છે. 7થી 8 ટકા મૃત્યુ નળીઓના બ્લોકેજના કારણે થાય છે. માત્ર બેથી ત્રણ ટકા મૃત્યુ નાની ઉંમરમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે થતાં હોય છે. આમાં પણ મોટાભાગના કિસ્સામાં હૃદય ધ્રુજી જવું તેમજ હૃદયના ધબકારા અનિયમિત થવાને કારણે થાય છે. આ બધા જ કિસ્સામાં જો CPR તાત્કાલિક આપવામાં આવે તો તો દર્દીનું જીવન બચાવી શકાય છે.  

    તેમણે વધુમાં કહ્યું કે, આજે યુવાનોમાં હાર્ટ અટેકનો ડર વધ્યો છે પણ યુવાઓએ તેનાથી ડરવાનું નથી, પણ જરૂરી સાવચેતીનાં પગલાં જરૂરી છે. આજે લાઈફ સ્ટાઈલમાં સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે જેના કારણે પણ હાર્ટ અટેકના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે. આજે 40 ટકા લોકો ફિઝિકલી ઈનએક્ટિવ છે અને 20 ટકા માઈનર એક્ટિવ છે. આ સાથે ઓબેસિટી અને સ્મોકિંગના કારણે પણ હાર્ટ અટેકના કેસો વધી રહ્યા છે. સ્મોકિંગના કારણે નળીમાં ક્લોગ થાય છે, જેના કારણે પણ અટેક આવતો હોય છે.

    આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે- કોરોના પહેલાં અને પછી કોઇ હાર્ટ અટેકના કેસોમાં કોઈ ફેરફાર નહીં 

    આ દરમિયાન નિષ્ણાતોએ અલગ-અલગ હોસ્પિટલના કોવિડ મહામારી પહેલાં અને પછીનાં વર્ષોના હૃદયરોગના દર્દીઓના વિગતવાર આંકડા રજૂ કર્યા હતા. જે અનુસાર, યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના પહેલાં વર્ષ 2018-19માં હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ અટેકના દર્દીઓની સંખ્યા 8થી 11 ટકા જેટલી હતી, જે કોરોના પછી વર્ષ 2023 સુધીમાં સરેરાશ 12 ટકા જેટલી જોવા મળી છે. 

    સાભાર- માહિતી ખાતું, ગુજરાત સરકાર

    મેરેંગો સિમ્સ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં કોરોના પહેલાં હાર્ટ અટેકના દર્દીઓની ટકાવારી 9.6 ટકા જેટલી હતી, જે કોરોના પછી મામૂલી વધારા સાથે 9.7 ટકા જેટલી થઈ છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોના પહેલાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા 11 ટકા જેટલી હતી, જે કોરોના પછી 11.2 ટકા જેટલી થઈ છે. આ સિવાય ઝાયડસ હોસ્પિટલમાં પણ ઉંમર આધારિત વર્ગીકરણના હૃદયરોગના દર્દીઓના આંકડામાં કોરોના પહેલાં અને પછી કોઇ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. 

    નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટોએ કહ્યું કે, આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કોરોના પહેલાં કે કોરોના પછી હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં કોઇ નોંધપાત્ર વધારો થયો નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં