Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓની પસંદગી માટે ‘નો રિપીટ’ નીતિ લાગુ કરશે ભાજપ,...

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓની પસંદગી માટે ‘નો રિપીટ’ નીતિ લાગુ કરશે ભાજપ, નવા ચહેરાઓને મળશે તક: પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

    તમામ ઉમેદવારોની પસંદગી વખતે સિનિયોરિટી, આવડત, સ્કીલ્સ અને અન્ય બાબતો જોવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. આ માટે રાજ્યભરમાં 1500 લોકોને સેન્સ લેવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    - Advertisement -

    ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની જે પરંપરા રહી છે તે મુજબ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નેતાઓની પસંદગી માટે પણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતના મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. જેથી આ પદો પર નવા નેતાઓની નિમણૂક કરવામાં આવશે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે નવા ચહેરાઓને અને ખાસ કરીને યુવાઓને તક મળે તે માટે આ નીતિ લાગુ કરવામાં આવી રહી છે.

    સીઆર પાટીલ અનુસાર, તમામ ઉમેદવારોની પસંદગી વખતે સિનિયોરિટી, આવડત, સ્કીલ્સ અને અન્ય બાબતો જોવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. આ માટે રાજ્યભરમાં 1500 લોકોને સેન્સ લેવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીઓના ચેરમેન અને વિવિધ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની નિમણૂક કરવા માટે પાર્ટીએ તજવીજ હાથ ધરી છે અને આ માટે મંગળવારે પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની એક બેઠક પણ ગાંધીનગર ખાતે મળી હતી.

    - Advertisement -

    મંત્રીમંડળ બદલ્યા બાદ હવે સ્થાનિક સંસ્થાઓમાં પણ આ નીતિ લાગુ થશે

    ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના અખતરા પહેલાં પણ કરી ચૂકી છે. સપ્ટેમ્બર, 2021માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપે ‘નો રિપીટ’ થિયરી અમલમાં મૂકીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પાર્ટીએ જૂના જોગીઓને ઘરે બેસાડી દઈને તમામ નવા ચહેરાઓ મંત્રીમંડળ માટે પસંદ કર્યા હતા. ચૂંટણીના એક-દોઢ વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખવાના અને તમામ નવા ચહેરાઓને સ્થાન આપવાના ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણયની ત્યારે ખાસ્સી ચર્ચા થઇ હતી અને એ પણ ચર્ચા ચાલી હતી કે હવે આવું ભાજપ કેન્દ્રીય સ્તરે પણ કરી શકે છે.

    વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે ઘણોખરો આ નિયમ અમલમાં મૂક્યો હતો અને નવા ચહેરોને સ્થાન આપવા પર વધુ ભાર આપ્યો હતો. અનેક બેઠકો પર પાર્ટીએ વરિષ્ઠ નેતાઓની જગ્યાએ નવા નેતાઓને સ્થાન આપ્યું અને એ પ્રયોગ સફળ પણ થયો હતો. હવે આ જ નીતિ સ્થાનિક સંસ્થાઓમાં નેતાઓની પસંદગી માટે અમલમાં મૂકવામાં આવનાર છે.

    ઉલ્લેખનીય છે કે વિધાનસભા-લોકસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પણ દર પાંચ વર્ષે થાય છે પરંતુ તેમાં એક અલગ બાબત એ છે કે આ સંસ્થાઓના મેયરો, ડેપ્યુટી મેયરો અને પ્રમુખો અઢી વર્ષે બદલાય જાય છે. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ઘણી જગ્યાઓએ નેતાઓને રિપીટ કરવામાં આવ્યા હોય, પરંતુ આ વખતે ભાજપે તમામ પદો પર ‘નો રીપીટ’ થિયરી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ગુજરાતમાં મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પંચાયતોના પ્રમુખની 90.5 ટકા બેઠકો ભાજપ પાસે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં