Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી': વહેતી અટકળો વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ કર્યો ખુલાસો,...

    ‘મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી’: વહેતી અટકળો વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ કર્યો ખુલાસો, ઉમેદવાર બદલવાની વાતને પણ ભાજપે ગણાવી અફવા

    રૂપાલાએ કહ્યું કે, "મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. પણ ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું. મને ઉમેદવાર પદેથી રદ કરવો કે, યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કહેવાનો અધિકાર છે."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા એક નિવેદનનો રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. આ વિવાદ વચ્ચે જ ઘણી અટકળો પણ વહેતી થઈ હતી. ઘણા મીડિયા પોર્ટલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, વધતા વિવાદને જોઈને રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. જ્યારે બીજો દાવો એવો છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાને બદલવામાં આવશે અને તેમના સ્થાને કોઈ અન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવશે. વહેતી અટકળો વચ્ચે જ પરષોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરી છે. મીડિયા સાથેની વાતમાં તેમણે જણાવ્યું છે કે, તેમને કોઈએ દિલ્હી બોલાવ્યા નથી. આ ઉપરાંત ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તાએ પણ ભાજપ ઉમેદવાર બદલવાની વાતોનું ખંડન કર્યું છે.

    તમામ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સોમવારે (1 એપ્રિલ, 2024) રાજકોટ ખાતે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે, “મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.” આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું કે, એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે. આ સાથે તેમણે કહ્યું કે, આવી અટકળો વહેતી ન થવી જોઈએ.

    ‘ઉમેદવારી રદ કરવાનો મુદ્દો પાર્ટી અને સમાજનો’

    રૂપાલાએ મીડિયા સાથે વાત કરતાં આગળ કહ્યું કે, “મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. પણ ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું. મને ઉમેદવાર પદેથી રદ કરવો કે, યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કહેવાનો અધિકાર છે. મેં માફી માંગી લીધી છે. હવે એ વિષય પર કોમેન્ટ કરવા માંગતો નથી. માત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો અમે પણ કહી રહ્યા છીએ. મારે જે કહેવાનું હતું તે તમામ મેં કહી દીધું છે.”

    - Advertisement -

    આ ઉપરાંત દલિત સમાજ વચ્ચેના વિવાદ વિશે પણ તેમણે મીડિયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે, “દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં, મેં એટલું જ કહ્યું હતું કે, તે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું, મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો પણ નહોતો. આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એટલે તેમાં રાજકીય ઑબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે, આ વિષયને અટકાવી દઈએ અને એના પર ડિબેટ કરવાથી એનો અંત આવશે નહીં.”

    ‘ઉમેદવાર બદલવાની અટકળો માત્ર અફવા’- ભાજપ પ્રવક્તા

    બીજી તરફ એવી અટકળ પણ વહેતી થઈ હતી કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવશે અને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવશે. જોકે, હવે ભાજપે આ વાતને રદિયો આપી દીધો છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે આ મામલે સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, “ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. પરષોત્તમ રૂપાલા તેમના નિર્ધારિત કાર્યક્રમો અને બેઠકો કરી રહ્યા છે. રૂપાલાને બદલવાની વાતોમાં કોઈ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોનું ખંડન કરે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં