Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપવારની પાર્ટીના એકમાત્ર ‘પાવર’ કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપ્યું, અપક્ષ લડે તેવી...

    પવારની પાર્ટીના એકમાત્ર ‘પાવર’ કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપ્યું, અપક્ષ લડે તેવી વકી

    પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને પત્ર લખીને પાર્ટીમાંથી ટિકિટ ન મળતાં રાજીનામું આપવાનું કહ્યું.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાના NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી છોડી દીધી છે. આજે તેમણે પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને પત્ર લખીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવા અંગે જણાવ્યું હતું. 

    કાંધલ જાડેજાએ કહ્યું કે, તેઓ 2012 થી 84-કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને 2014માં એનસીપી તરફથી લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, સતત બે ટર્મથી તેમણે કુતિયાણા બેઠક પરથી પાર્ટીને જંગી બહુમતીએ વિજય અપાવીને વફાદાર રહ્યા હતા. પરંતુ તેમ છતાં પાર્ટીએ આ ચૂંટણીમાં વિધાનસભાની ટિકિટ ન આપતાં રાજીનામું આપી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. જેમાં નરોડા, દેવગઢ બારિયા અને ઉમરેઠ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જોકે, કુતિયાણા બેઠક માટે ગઠબંધન કરવામાં આવ્યું નથી. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંનેએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. કુતિયાણા બેઠક પરથી ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે અહીંથી નાથાભાઈ ઓડેદરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. 

    - Advertisement -

    કાંધલ પહેલેથી જ જાડેજા કુતિયાણા બેઠક પરથી NCP તરફથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. 11 નવેમ્બરે તેમણે ફોર્મ ભર્યું હતું. તેમણે એનસીપીના ઉપપ્રમુખ પ્રફુલ પટેલના કહેવાથી ફોર્મ ભર્યું હોવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, એ જ દિવસે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું હતું. જેમાં કુતિયાણા બેઠકનો સમાવેશ થતો નથી. તેમજ પાર્ટીએ એવી પણ જાહેરાત કરી હતી કે પાર્ટી મેન્ડેટ વગર ચૂંટણી લડતા નેતાઓને છ વર્ષ સુધી બરતરફ કરી દેવામાં આવશે. 

    પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે કાંધલ જાડેજા અપક્ષ ઉમેદવારી કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. 

    કોણ છે કાંધલ જાડેજા? 

    કાંધલ જાડેજા પૂર્વ ધારાસભ્ય અને ‘ગોડમધર’ તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજાના પુત્ર છે. સંતોકબેન 1990માં આ જ બેઠક પરથી જનતાદળમાંથી ધારાસભ્યની ચૂંટણી લડીને વિજયી બન્યાં હતાં. ત્યારપછીની ટર્મમાં તેમના દિયર એટલે કે કાંધલ જાડેજાના કાકા અપક્ષ ઉમેદવારી કરીને જીત્યા હતા. જોકે, ત્યારબાદ આ પરિવારનું વર્ચસ્વ ઘટ્યું હતું અને ત્રણ ટર્મ સુધી ભાજપના કરશન ઓડેદરા ચૂંટાયા હતા. 

    2012માં કાંધલ જાડેજાએ ચૂંટણી લડી હતી અને ત્રણ ટર્મના ભાજપી ધારાસભ્યને હરાવ્યા હતા. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન હોવા છતાં 11 ઉમેદવારો સામે લડીને 24 હજારની લીડથી જીત મેળવી હતી. ત્યારથી તેમનો આ વીસ્ટસરમાં દબદબો યથાવત છે. 

    જોકે, એનસીપી પાર્ટીમાં હોવા છતાં કાંધલ જાડેજા ખુલ્લેઆમ રાજ્યસભા કે અન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા આવ્યા છે. રાજ્યસભા ચૂંટણી વખતે પણ તેમણે ભાજપના પક્ષમાં જ મતદાન કર્યું હતું તેમજ તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેમણે ભાજપ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું હતું. 

    કાંધલ જાડેજા બે ટર્મથી જીત્યા એ પાર્ટીના બેનર હેઠળ નહીં પરંતુ પોતાના નામે જીત્યા હતા. એ જ કારણ હતું કે ખુલ્લેઆમ ભાજપનું સમર્થન કરવા છતાં પાર્ટી તેમની સામે કોઈ પગલાં લેતી ન હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં