ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામના બહુચર્ચિત ધર્માંતરણ કેસ મામલે પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ આદિવાસીઓને પૈસા, કપડાં, દવા વગેરેની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ ચાર આરોપીઓની ધરપકડ સાથે આ ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા લોકોની કુલ સંખ્યા 14 પર પહોંચી છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું હતું કે આ તમામના 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, ભરૂચ ધર્માંતરણ કેસ મામલે પકડાયેલા આઠ આરોપીઓની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી આ કેસને લગતાં કેટલાંક તથ્યો રજૂ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધર્મ પરિવર્તન કરાવનારા આરોપીઓ સામે કેસ લડતા પબ્લિક પ્રોસીકયુટરને ધમકીભર્યા ફોન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પણ સામે આવી હતી. જે બાદ તેમને પોલીસ રક્ષણ આપવા માટેની માંગ કરવામાં આવી છે.
સરકારે કોર્ટ સમક્ષ મૂકેલી વિગતો અનુસાર, ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને આપવામાં આવ્યું હતું. ઉપરાંત, અનાજ, ઘરવખરી, ફર્નિચર અને રોકડ વગેરેના પ્રલોભનો પણ અપાયાં હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ધર્મ પરિવર્તન બાદ ફરીથી હિંદુ ધર્મમાં ઘરવાપસી કરવાની ઈચ્છા વ્યક્ત કરનારાઓને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હોવાનું પણ ખુલ્યું હતું.
આ કેસ વર્ષ 2021 માં સામે આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કાંકરિયા ગામમાંથી પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ હિંદુ આદિવાસીઓના ગેરકાયદે ધર્માંતરણ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ આમોદ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ખંડ 4 અને આઈપીસીની ધારા 120 (b), 153 (b) અને 506 (2) હેઠળ કેસ દાખલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇસ્લામ અપનાવવા માટે આદિવાસીઓને ઘર અને રોકડા પૈસા વગેરેની લાલચ આપવામાં આવી હતી. આ કેસમાં 37 પરિવારના કુલ 100 થી વધુ લોકોએ ગેરકાયદે ધર્મપરિવર્તન કર્યું હોવાની વિગતો સામે આવી હતી. તેમજ આ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. તેમજ ધર્મ પરિવર્તન માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાનું ખૂલ્યું હતું.
આ પહેલાં, ભરૂચ પોલીસે કાર્યવાહી કરતાં 10 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમને વિદેશમાંથી 14 લાખ રૂપિયા ફન્ડિંગ સ્વરૂપે મળ્યા હતા અને જેમાંથી 7 લાખ રૂપિયા બહરીનના ઈસ્માઈલ નામના વ્યક્તિ પાસેથી આવ્યા હતા.
એ પણ નોંધવું જોઈએ કે, ગત ચોથી એપ્રિલના રોજ ધર્માંતરણ કેસમાં પકડાયેલા અબ્દુલ વહાબ મહમૂદ નામના એક ઇસ્લામી મૌલવીના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા હતા. આરોપી મહમૂદે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલી એક એફઆઈઆર મામલે આગોતરા જામીન માગ્યા હતા.