Monday, May 6, 2024
More
    હોમપેજદેશPM સૂર્યઘર યોજનાને મોદી સરકારની મંજૂરી, 75 હજાર કરોડના ખર્ચે 1 કરોડ...

    PM સૂર્યઘર યોજનાને મોદી સરકારની મંજૂરી, 75 હજાર કરોડના ખર્ચે 1 કરોડ ઘર પર લાગશે સોલાર પેનલ: ગુજરાત અને આસામમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટને પણ લીલીઝંડી

    કેન્દ્ર સરકારે ગુરુવારે જ (29 ફેબ્રુઆરી) ગુજરાત અને આસામમાં ₹1.26 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે ત્રણ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. જેમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં સૌરઉર્જા માટે સતત કાર્યરત રહી છે ત્યારે ગુરુવારે (29 ફેબ્રુઆરી, 2024) કેન્દ્રીય કેબિનેટે અગત્યનો નિર્ણય લેતાં PM સૂર્યઘર વીજળી યોજનાને અધિકારીક રીતે મંજૂરી આપી છે. આ રૂફટોપ સોલાર યોજના માટે કુલ ₹75,021 કરોડનો ખર્ચ થશે. આ યોજના દ્વારા દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના થકી એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે.

    આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ જ બેઠક દરમિયાન આજે ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે. દરેક પરિવારને 1 kW સિસ્ટમ માટે ₹30,000 અને 2 kW સિસ્ટમ માટે ₹60,000ની સબસિડી મળી શકે છે.” 

    નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી, 2024ના રોજ શરૂ કરી હતી. આ યોજના માટે કોઈપણ પરિવાર રાષ્ટ્રીય પોર્ટલ પર જઈ સબસિડી માટે અરજી કરી શકે છે અને રૂફટોપ સોલાર યોજના માટે કોઈપણ વિક્રેતા પસંદ કરી શકે છે. આ ઉપરાંત તેઓ ઓછા વ્યાજે લૉન પણ મેળવી શકે છે.

    - Advertisement -

    ત્રણ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી

    આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગુરુવારે જ (29 ફેબ્રુઆરી) ગુજરાત અને આસામમાં ₹1.26 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે ત્રણ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. જેમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય કેબિનેટે દરખાસ્તોને મંજૂરી આપ્યા બાદ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ત્રણેય યુનિટનું બાંધકામ આગામી 100 દિવસમાં શરૂ થશે. 

    આ માટે ટાટા ગ્રૂપ 91,000 કરોડ ($10.9 બિલિયન)ના અંદાજિત ખર્ચે તાઈવાન સ્થિત પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ(PSMC) સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ યુનિટ ગુજરાતના ધોલેરામાં બાંધવામાં આવશે. ઉપરાંત ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં ₹27,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપશે.

    IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એ પણ માહિતી આપી હતી કે સીજી પાવર જાપાનના રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડના સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સની ભાગીદારીમાં ગુજરાતના સાણંદમાં પણ સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપશે. સાણંદ એકમમાં ₹7,600 કરોડના રોકાણનો અંદાજ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં