Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાતર બેઠક પર ‘આપ’ માટે ‘બાવાના બેય બગડ્યા’ જેવો ઘાટ, બે દિવસમાં...

    માતર બેઠક પર ‘આપ’ માટે ‘બાવાના બેય બગડ્યા’ જેવો ઘાટ, બે દિવસમાં જ MLA કેસરીસિંહ ભાજપમાં પરત, ઑપઇન્ડિયાને કહ્યું- હું ભાજપમાં જ રહેવાનો છું

    માત્ર ટિકિટ વહેંચણીને લઈને થોડીઘણી નારાજગી હતી. પરંતુ હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું અને રહેવાનો છું: કેસરીસિંહ સોલંકી

    - Advertisement -

    બે દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ગણતરીના કલાકોમાં જ ભાજપમાં પરત ફર્યા છે. કેસરીસિંહ સોલંકીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ અપલોડ કરીને ભાજપનો ખેસ પહેરેલી તસ્વીર પણ અપલોડ કરી હતી. 

    કેસરીસિંહ સોલંકીએ આજે ફેસબુક પર બે તસ્વીરો અપલોડ કરી હતી. જેમાંથી એકમાં તેઓ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવુસિંહ ચૌહાણ સાથે જોવા મળી રહ્યા છે. બીજી એક તસ્વીરમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલા જોવા મળે છે. આ સાથે તેમણે સાંજે ચાર વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહીને કાર્યકર્તાઓને સામેલ થવાની અપીલ પણ કરી હતી. 

    આ અંગે ઑપઇન્ડિયાએ કેસરીસિંહ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું. માત્ર ટિકિટ વહેંચણીને લઈને થોડીઘણી નારાજગી હતી. પરંતુ હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું અને રહેવાનો છું. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બે ટર્મથી માતર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. પરંતુ આ વખતે પાર્ટીએ આ બેઠક પરથી તેમની ટિકિટ બદલીને કલ્પેશભાઈ પરમારને ટિકિટ આપી છે. ત્યારબાદ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર કેસરીસિંહ સાથેની તસ્વીર પોસ્ટ કરી હતી અને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. 

    કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમને ટિકિટ આપવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, આમ આદમી પાર્ટીએ અગાઉ આ બેઠક પરથી મહીપતસિંહ ચૌહાણને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કેસરીસિંહ જોડાયા બાદ મહિપતસિંહની ટિકિટ કાપવાની ચર્ચા ચાલી હતી. 

    કેસરીસિંહ સોલંકી જોડાયા બાદ મહિપતસિંહ ચૌહાણે ફેસબુક લાઈવ કરીને પોતે માતર અને ખંભાત બેઠકો પરથી અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ગેઇમ શું રમવામાં આવી રહી છે તેમને ખબર નથી અને તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી સામેથી તેમને ટિકિટ આપવા આવી હતી. તેમણે 14 નવેમ્બરના રોજ ફોર્મ ભરવાનું એલાન કર્યું હતું.  

    માતર બેઠક પર આમ આદમી પાર્ટી બરાબરની ફસાતી જોવા મળી રહી છે. અહીં તેમણે મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપવાની જાહેરાત કરી દીધી હતી, જેઓ પાર્ટીમાં જોડાયા પણ ન હતા અને દોઢ વર્ષ પહેલાં રાજીનામું આપી ચૂક્યા હતા. જોકે, મહિપતસિંહને ટિકિટ આપવામાં આવ્યા બાદ નારાજગી શરૂ થઇ ગઈ હતી. 

    બીજી તરફ, સીટિંગ MLA કેસરીસિંહ સોલંકીએ ભાજપમાંથી ટિકિટ કપાતાં આમ આદમી પાર્ટીમાં આવવાની જાહેરાત કરી હતી અને જોડાઈ પણ ગયા હતા. પરંતુ હવે બે જ દિવસમાં તેઓ ફરી ભાજપમાં જતા રહેતાં આમ આદમી પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. બીજી તરફ, મહિપતસિંહ ચૌહાણ પણ અપક્ષ લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં