Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાત'બે હાથ જોડીને માફી માંગું છું, ફરી આવું નહીં થાય': ફેસબુક ગ્રુપમાં...

    ‘બે હાથ જોડીને માફી માંગું છું, ફરી આવું નહીં થાય’: ફેસબુક ગ્રુપમાં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરતી પોસ્ટ મૂકનાર ઇસમે માફી માંગી, ગ્રુપને લાગી ગયાં તાળાં

    આ સમગ્ર વિવાદ બાદ ગુજરાતી મીમ કોમ્યુનિટી ગ્રુપના તમામ એડમિનો એક પછી એક નીકળવા માંડ્યા હતા અને આખરે માત્ર 1 જ એડમિન રહી ગયો હતો. ત્યારબાદ સોમવારે (15 જાન્યુઆરી) મોડી રાત્રે ગ્રુપ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ફેસબુક ગ્રુપ ‘ગુજરાતી મીમ કોમ્યુનિટી’માં ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન થાય તેવી પોસ્ટ કરનાર ઈસમે ભારે વિરોધ બાદ આખરે માફી માંગી લીધી છે. અક્ષય દવે નામના આ ગ્રુપ એડમિને એક વિડીયો બનાવીને પોતાની ફેસબુક વૉલ પર શૅર કર્યો હતો અને પોતાની ‘ભૂલ’ બદલ માફી માંગીને ભવિષ્યમાં ક્યારેય આવું ન થાય તેની બાહેંધરી આપી હતી. 

    વિડીયોમાં તે કહે છે કે, “તાજેતરમાં મેં ગુજરાતી મીમ કોમ્યુનિટી ગ્રુપમાં એક મીમ મૂક્યું હતું. જેમાં એક ફોટામાં ડાકોર મંદિરની બહાર મૂકેલી સૂચના હતી કે મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશવું નહીં અને બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની બાળલીલાની છબી હતી.”

    આગળ તે કહે છે કે, “મીમ મૂકતાં સમયે મને અંદાજો ન હતો કે આ પોસ્ટને કરોડો લોકોના આરાધ્ય શ્રીકૃષ્ણ પર ટીખળ તરીકે લેવાશે. બાદમાં હિંદુઓ અને કૃષ્ણભક્તોની લાગણી દુભાતાં મને મારી ભૂલનું ભાન થયું ત્યારે મેં આ મીમ ડિલીટ કર્યું છે અને દરેક હિંદુઓની તથા ભગવાન શ્રીકૃષ્ણની બે હાથ જોડીને હૃદયથી માફી માંગું છું અને સાથે બાંહેધરી આપું છું કે ભવિષ્યમાં આ પ્રકારની કોઇ જ લાગણી નહીં દુભાવું.”

    - Advertisement -

    ગ્રુપ Pause કરી દેવાયું

    બીજી તરફ, આ સમગ્ર વિવાદ બાદ ગુજરાતી મીમ કોમ્યુનિટી ગ્રુપના તમામ એડમિનો એક પછી એક નીકળવા માંડ્યા હતા અને આખરે માત્ર 1 જ એડમિન રહી ગયો હતો. ત્યારબાદ સોમવારે (15 જાન્યુઆરી) મોડી રાત્રે ગ્રુપ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ ગ્રુપમાં કોઇ પણ પ્રકારની એક્ટિવિટી થતી નથી. ગ્રુપમાં લગભગ 8 હજાર જેટલા સભ્યો છે.

    ગુજરાતી મીમ કોમ્યુનિટી ગ્રુપ કામચલાઉ ધોરણે બંધ (ફોટો- Facebook)

    શું છે વિવાદ?

    આ મામલો ગત શનિવારે (13 જાન્યુઆરી, 2024) સામે આવ્યો હતો, જ્યારે ફેસબુક પર એક સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ સ્ક્રીનશોટમાં ‘ગુજરાતી મીમ કોમ્યુનિટી’ નામના એક પ્રાઇવેટ ગ્રુપમાં મૂકવામાં આવેલ એક પોસ્ટ જોવા મળી હતી, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનના એક પ્રસંગને ડાકોર મંદિરની બહાર ‘ટૂંકાં વસ્ત્રો પર પ્રતિબંધ’ની સૂચના સાથે જોડીને મજાક ઉડાડવામાં આવી હતી. 

    પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી થતાં યુઝરોએ ખાસ્સો વિરોધ નોંધાવ્યો હતો અને આ પ્રકારની પોસ્ટ મૂકનાર વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે, આ ગ્રુપમાં ભૂતકાળમાં પણ આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી અને કરોડો સનાતનીઓના આરાધ્યનું આવું અપમાન ચલાવી લેવામાં આવવું જોઈએ નહીં. યુઝરોએ મત વ્યક્ત કર્યો કે ક્રિએટીવીટી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ પ્રકારનાં કૃત્યો યોગ્ય નથી અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવવાં જોઈએ. 

    બીજી તરફ, અમુક યુઝરોએ પોલીસ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું કે જો માફી માંગવામાં નહીં આવે અને ભવિષ્યમાં આવું થાય તેની બાંહેધરી ન અપાય તો પોલીસ મથકે અરજી કરીને કાયદાકીય પગલાં ભરવામાં આવશે. દરમ્યાન સોશિયલ મીડિયા પર સતત વિરોધ ચાલ્યો હતો. 

    આખરે વધતો વિરોધ જોઈને પોસ્ટ કરનાર અક્ષય દવેએ માફી માંગતી એક પોસ્ટ ફેસબુક પર અપલોડ કરી હતી, પરંતુ ત્યારબાદ પણ વિરોધ ચાલુ જ રહ્યો હતો. આખરે તેણે એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે અને ફરી આવું ક્યારેય ન થાય તેની બાંહેધરી આપી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં