Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમહંત દિલીપદાસ મહારાજને સોંપાઈ શકે છે મોટી જવાબદારી: અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત...

    મહંત દિલીપદાસ મહારાજને સોંપાઈ શકે છે મોટી જવાબદારી: અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત બની શકે છે અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ

    સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે અનેક સંતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. તે સમયે મહંત દિલીપદાસ મહારાજે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિલીપદાસના આયોજન મુજબ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા યોજાતી હોય છે.

    - Advertisement -

    અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રો હટાવવા મામલે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું હતું. ત્યારે મહંત દિલીપદાસ મહારાજને વધુ એક જવાબદારી સોંપાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે. થોડા દિવસ અગાઉ વડતાલ સ્વામિનારાયણ પંથના નૌતમ સ્વામી પાસેથી અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી પરત લેવામાં આવી છે.

    VTV ન્યૂઝના અહેવાલ અનુસાર પ્રખ્યાત અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ બની શકે છે. જો કે, સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે અનેક સંતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. તે સમયે મહંત દિલીપદાસ મહારાજે પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિલીપદાસના આયોજન મુજબ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા યોજાતી હોય છે. ત્યારે હવે તેઓને વધુ એક મહત્વની જવાબદારી સોંપાઈ શકે તે ચર્ચાએ વેગ પકડ્યો છે.

    સાળંગપુર વિવાદ મામલે મહંત દિલીપદાસજીનું નિવેદન

    સાળંગપુર ભીંતચિત વિવાદ મામલે સમગ્ર સંત સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “હનુમાનજી આદિ-અનાદિકાળથી છે તો આપણે આપણી પરંપરાને પકડીને ચાલવું જોઈએ. આમ કરવાથી આપણું અને આપણા દેવી-દેવતાઓનું પણ સમ્માન જળવાઈ રહેશે.”

    - Advertisement -

    શું હતો વિવાદ?

    બોટાદના સાળંગપુર મંદિર ખાતે સ્થાપવામાં આવેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ ની મૂર્તિ નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ સર્જાયો હતો. આ ભીંતચિત્રમાં હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર કરતાં હોય તે રીતે દેખાડવામાં આવ્યા હતા. જેના લીધે સમગ્ર મામલો વકર્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ ખુબ ચર્ચાઓ ચાલી હતી. આ મામલે મહંત દિલીપદાસ મહારાજ, મહંત ઇન્દ્રભારતી બાપુ, મહંત શેરનાથ બાપુ, મહેન્દ્રાનંદ ગીરી મહારાજ સહિતના સંતોએ આક્રોશ ઠાલવ્યો હતો.

    આ મામલે સનાતન ધર્મના અનેક સાધુ-સંતો અને ભક્તોએ વિવાદિત ભીંતચિત્રો હટાવવા મુદ્દે અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે હનુમાન આશ્રમમાં અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વડતાલ પંથનાં નૌતમ સ્વામીને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત હનુમાનજીના મુદ્દે સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કાર ઉપરાંત અનેક સંકલ્પ લીધા હતા.

    ઉલ્લેખનીય છે કે, સોમવારે (4 સપ્ટેમ્બર, 2023) સાંજના સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હિંદુ ધર્મના અન્ય સંતોએ અમદાવાદ ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) પોલીસ બંદોબસ્ત સાથે સૂર્યોદય પહેલા જ વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા હતા. જેથી આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં