ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ધરખમ પરિવર્તન જોવા મળી રહ્યું છે. મોટા શહેરોની સાથે ગુજરાતના નાના શહેરો અને ગામડાના લોકો પણ હવે બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. આ પરિવર્તનનું મુખ્ય કારણ છે, સરકારી શાળાનો વિકાસ અને ડિજિટલ કનેક્ટિવિટી. થોડા વર્ષો પહેલાં મધ્યમવર્ગીય પરિવારો પૈસાની અછત હોવા છતાં ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકોને અભ્યાસ અર્થે મૂકતાં હતા. પરંતુ શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા અને પરિવર્તન બાદ ગુજરાતના શિક્ષણ મોડલનું આખું દ્રશ્ય બદલાઈ ગયું છે. તે જ અનુક્રમે સુરતમાં મ્યુનિસિપલ સરકારી સ્કૂલોમાં સતત ચોથા વર્ષે પણ એડમિશન માટે લાંબી કતારો લાગી છે. તે સિવાય અમદાવાદમાં પણ સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે.
સુરતમાં મ્યુનિસિપલ સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડાપડી જોવા મળી રહી છે. સુરતમાં સતત ચોથા વર્ષે પણ સરકારી સ્કૂલોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ પહેલાં ગત વર્ષે પણ અહીં એડમિશન માટે લાંબી કતારો લાગી હતી. વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે વાલીઓ પોતાના બાળકોના પ્રવેશ માટે સરકારી સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે, સુરતની મનપા સંચાલિત શાળાઓમાં એડમિશન માટે લાંબી કતારો લાગી ગઈ છે. મનપાની પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355માં મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા છે અને બાળકોના પ્રવેશ માટે આવેદન પત્રો આપી રહ્યા છે. મોટા વરાછાની આ શાળાઓમાં પ્રવેશ માટે ત્રણ દિવસની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ શાળાઓ સુરતની અત્યાધુનિક અને ડિજિટલ શાળાઓ છે. ડિજિટલ ભારતની સાથે-સાથે ગુજરાતની શાળાઓને પણ ડિજિટલ કરવામાં આવી રહી છે. જેથી ભારતના ભવિષ્યના નાગરિકોને પણ ડિજિટલ ઉપકરણોથી ઝડપથી અને પ્રભાવશાળી શિક્ષણ આપી શકાય.
સુરત મનપા સંચાલિત અત્યાધુનિક શાળાના આચાર્યે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે શિક્ષણ એ માત્ર પુસ્તકમાં આવતી કેળવણી જ નથી. માત્ર પરિણામમાં સારા ટકા આવી જાય તે પણ નથી. અમે અહીં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયત્ન કરીએ છીએ. હાલમાં જન્મદિવસની ઉજવણી દીપને બુઝાવીને કરવામાં આવે છે, જ્યારે અમારી શાળાઓમાં જન્મદિવસની ઉજવણી 51 કુંડી યજ્ઞ દ્વારા કરવામાં આવે છે.” આ સાથે તેમણે કહ્યું કે, માત્ર એક સ્કૂલમાં જ ગયા વર્ષે 3500થી 4000 બાળકો વેઇટિંગ લિસ્ટમાં હતા.
આ ઉપરાંત સુરતની સરકારી શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશન પણ ખાનગી સ્કૂલો કરતાં સારું આપવામાં આવે છે. ડિજિટલ ક્લાસરૂમ અને ડિજિટલ ઉપકરણો સાથે શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી શાળા કરતાં પણ વધુ સુવિધાઓ બાળકોને પૂરી પાડવામાં આવે છે અને પરિણામની દ્રષ્ટિએ પણ શાળા સતત અગ્રેસર રહી છે. તેથી હવે લોકો ખાનગી શાળાનો મોહ છોડી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.
અમદાવાદની સરકારી શાળાઓમાં પણ એડમિશન માટે પડાપડી
અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં પણ ધોરણ 2થી 8માં પ્રવેશ થવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકારી સ્માર્ટ સ્કૂલો વધવાને કારણે શૈક્ષણિક વર્ષ માટે ખાનગી સ્કૂલોમાંથી 5315 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. સ્કૂલોમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, માળખાકીય સુવિધાઓમાં થઈ રહેલા વધારા અને ડિજિટલ એજ્યુકેશનના કારણે અમદાવાદ મનપાની 450 જેટલી સ્કૂલોમાં ખાનગી સ્કૂલોમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે.
અત્યાર સુધીના વર્ષોમાં આ વર્ષે મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 5500થી વધુ બાળકો પ્રવેશ મેળવવાના છે. હાલ 5315 બાળકોએ પ્રવેશ પણ મેળવી લીધો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં 439 શાળા ગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી જેવા માધ્યમમાં ચાલી રહી છે. સ્કૂલ બોર્ડની માલિકીની 312 બિલ્ડિંગમાં હાલ 1.66 લાખથી વધુ વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યા છે. ઉચ્ચ લાયકાત ધરાવતા 4900થી વધુ શિક્ષકો આ બાળકોને શિક્ષણ આપે છે. હાલ અમદાવાદમાં 81 સ્માર્ટ સ્કૂલ્સ છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 217 શાળા ચાલી રહી છે. આ તામમ શાળામાં માળખાકીય સુવિધાઓની ભરમાર છે.
નોંધનીય છે કે, માત્ર સુરત અને અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના દરેક શહેર અને ગામ સુધી ડિજિટલ સ્માર્ટ શાળાઓ પહોંચી ચૂકી છે. જેમાં અનેક બાળકો ખાનગી સ્કૂલોની સરખામણીમાં વધુ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે હવે વાલીઓ પણ બાળકોને ખાનગી સ્કૂલોની જગ્યાએ સરકારી શાળાઓમાં એડમિશન અપાવવા માટે કતારમાં લાગી રહ્યા છે. ગુજરાતના શિક્ષણ મોડલમાં ડિજિટલ ક્રાંતિથી ચાર ચાંદ લાગી ગયા છે.