Saturday, May 4, 2024
More
    હોમપેજક્રાઈમ2008 સિરિયલ બ્લાસ્ટ: અમદાવાદીઓનો કિલ્લોલ એકાએક ચિચિયારીઓમાં બદલાઈ ગયો, 15 વર્ષ બાદ...

    2008 સિરિયલ બ્લાસ્ટ: અમદાવાદીઓનો કિલ્લોલ એકાએક ચિચિયારીઓમાં બદલાઈ ગયો, 15 વર્ષ બાદ પણ આ શહેર તે ગોઝારો દિવસ નથી ભૂલ્યું; વાંચો વિસ્ફોટપીડિત પરિવારની આપવીતી

    વર્ષ 2008ની 26મી જુલાઈના રોજ શનિવારનો તે દિવસ શરુ તો સામાન્ય દિવસોની માફક જ થયો હતો. પણ સાંજ ઢળતા જ 21 સીરીયલ બોમ્બ બ્લાસ્ટે આખા શહેરને ધ્રુજાવી દીધું. લગભગ 6 વાગીને 45 મીનીટે પ્રથમ બ્લાસ્ટ થયો. ત્યારબાદ શ્રેણીબદ્ધ રીતે એક બાદ એક વિસ્ફોટોએ લોહીના ખાબોચીયાઓ ભર્યા.

    - Advertisement -

    26 જુલાઈ 2008 અમદાવાદ શહેર માટે ક્યારેય ન ભૂલાય તેવો ગોઝારો દિવસ હતો. આખા દિવસની દોડધામ પતાવીને સંધ્યાના ખોળામાં થાક ઉતારવા જઈ રહેલા અમદાવાદીઓનો કિલ્લોલ એકાએક ચિચિયારીઓમાં બદલાઈ ગયો. માત્ર 70 મિનીટની અંદર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટે આખા અમદાવાદને હચમચાવી મુક્યું હતું. હજુ એક દિવસ પહેલાં જ બેંગલુરુમાં થયેલા 7 બ્લાસ્ટની ચર્ચાઓ કરતા અમદાવાદીઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે 1500 કિલોમીટર દુરથી આ કાળનો આગલો કોળીયો અમદાવાદ શહેર છે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આજે આ બ્લાસ્ટના 15 વર્ષ પુરા થયા, પણ દોઢ દશકો વીત્યા બાદ આજે પણ અમદાવાદના લોકો આ ગોઝારા દિવસને નથી ભૂલી શક્યા.

    વિગતે વાત કરીએ તો વર્ષ 2008ની 26મી જુલાઈના રોજ શનિવારનો તે દિવસ શરુ તો સામાન્ય દિવસોની માફક જ થયો હતો. પણ સાંજ ઢળતા જ 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટે આખા શહેરને ધ્રુજાવી દીધું. લગભગ 6 વાગીને 45 મીનીટે પ્રથમ બ્લાસ્ટ થયો. ત્યારબાદ શ્રેણીબદ્ધ રીતે એક બાદ એક વિસ્ફોટોએ લોહીના ખાબોચીયાઓ ભર્યા.

    ફોટો – દિવ્યભાસ્કર

    લોકો કશું સમજે તે પહેલા જ ખાડિયા, બાપુનગર, રામોલ, અમરાઈવાડી, વટવા, દાણીલિમડા, ઇસનપુર, ઓઢવ, કાલુપર, નરોડા, ઠક્કરનગર, સરખેજ, નિકોલ સહીત અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલ સહિતની જગ્યાઓ પર કુલ 21 બ્લાસ્ટ કરવામાં આવ્યા. આતંકવાદીઓએ વિસ્ફોટ કરવા માટે તેવા સ્થળો પસંદ કર્યા જ્યાં લોકોની સહુથી વધુ અવરજવર હોય.

    - Advertisement -

    ઈજાગ્રસ્તોને મારવા હોસ્પિટલમાં બ્લાસ્ટ

    આતંકવાદીઓ તે હદે નરસંહાર કરવા માંગતા હતા કે તેમણે સિવિલ ટ્રોમાં સેન્ટર અને એલજી હોસ્પિટલવાળા બોમ્બ બ્લાસ્ટના ટાઈમિંગ તે રીતે રાખ્યા કે જે લોકો ઘાયલ થઈને હોસ્પિટલોમાં સારવાર લેવા આવે તેઓ આ બીજા બ્લાસ્ટમાં જીવતા ન બચે. એક તરફ અમદાવાદ વિસ્ફોટોથી ધણધણી રહ્યું હતું તો બીજી તરફ એક સાથે હજારો ફોનની ઘંટડીઓ રણકી રહી હતી. લોકો પોતાના સ્વજનોની ભાળ મેળવવા વલખાં મારી રહ્યા હતા. કોઈના પિતા, કોઈનો પુત્ર તો કોઈના ભાઈ… કેટકેટલાય લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક કરવા મથી રહ્યા હતા.

    સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં બ્લાસ્ટ બાદના દ્રશ્યો (સાભાર: દિવ્યભાસ્કર)

    હમેશા ભાગતું દોડતું અમદાવાદ જાણે એક જગ્યા પર સ્થિર થઈ ગયું. એટલું જ નહીં ઘડિયાળનો કાંટો પણ જાણે તે ભેંકાર ભાસતા સમયમાં અટકી ગયો હતો. બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં અમદાવાદના 20 સ્થળોએ 21 ધડાકા થયા હતા જેમાં 56 લોકો મોતને ભેટ્યા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. મૃત્યુ પામેલા લોકોમાં અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં દર્દીઓની સારવાર કરી રહેલું ડૉક્ટર દંપતી પણ સામેલ હતું.

    પોલીસે 19 દિવસમાં જ કેસ ઉકેલ્યો

    કંઇક આવી જ સ્થિતિ અમદાવાદ પોલીસની પણ હતી. એક પણ પોલીસ સ્ટેશન તેવું ન હતું જ્યાં ઉપરાઉપરી ફોનની ઘંટડીઓ ન રણકતી હોય. પોલીસ પણ સમજી ચુકી હતી કે આ જે થઈ રહ્યું છે તેવું અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન ઘટ્યું હોય તેવું છે. કોન્સ્ટેબલથી માંડીને ઊંચા હોદ્દાના અધિકારીઓને કદાચ મનમાં એક જ વિચાર આવ્યો હશે કે આ સમય જલ્દીથી વીતે તો સારું. આ અખા કેસને IPS અધિકારી આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો. તે સમયના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચૂડાસમા સહિતની ટીમ આ વિસ્ફોટ કરાવનાર તેમજ દેશમાં જ રહીને દેશને ખોખલો કરનાર આતંકવાદીઓને ઝડપી પાડવા એડી ચોટીનું જોર લગાવી દીધું.

    બ્લાસ્ટ વાળા સ્થળનું નિરીક્ષણ કરી રહેલા નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ (સાભાર Opindia)

    તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી. અમદાવાદ પોલીસે માત્ર 19 દિવસમાં જ આખો કેસ ઉકેલીને 30 આરોપીને ઝડપી પાડ્યા હતા. ગુજરાત પોલીસ ઉપરાંત મધ્ય પ્રદેશની ઉજ્જૈન પોલીસ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક, કેરળ અને રાજસ્થાન પોલીસે આ બ્લાસ્ટમાં સંડવાયેલા આતંકવાદીઓની ધરપકડ કરીને ગુજરાત પોલીસને સોંપ્યા હતા.

    ઇન્ડીયન મુજાહિદ્દીને લીધી જવાબદારી અને મુખ્ય સુત્રધાર યાસીન ભટકલ

    અમદાવાદના આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ઇન્ડીયન મુજાહિદ્દીને અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામીએ લીધી અને આ ઘટનાને ગોધરાકાંડનો બદલો ગણાવી. સમગ્ર કેસમાં કુલ 99 આતંકવાદીને આરોપી ગણવામાં આવ્યા હતા જે પૈકીના 82ની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 ફરિયાદ નોંધવામાં આવી, જ્યારે અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી પણ 8 આરોપીઓને પોલીસ હજુ શોધી રહી છે.

    આતંકવાદીઓમાંના એક અયાઝ સૈયદે સરકારી સાક્ષી બની મદદ કરતા તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાંથી તેમણે સુરંગ ખોદીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ જેલ પ્રશાશન દ્વારા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જયારે આ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર અને ઇસ્લામિક આતંકવાદી યાસીન ભટકલ દિલ્હીની જેલમાં છે અને અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે.

    38 આતંકવાદીઓને ફાંસીની સજા

    અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો આખો કેસ લગભગ 14 વર્ષ સુધી ચાલ્યો અને ગયા વર્ષે સ્પેશિયલ જજ A.R પટેલની કોર્ટે કુલ આતંકવાદીઓ પૈકીના બ્લાસ્ટના 38 આતંકવાદીઓને ફાંસીની સજા ફટકારી હતી. જયારે 11 ગુનેગારોને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી હતી. આ તમામને કલમ 302, રાજદ્રોહ અને UAPA અંતર્ગત સજા કરવામાં આવી હતી જેને ઐતિહાસિક ચુકાદા તરીકે જોવામાં આવે છે.

    આ આખી આતંકવાદી ઘટનાને પાડવા અને 56 લોકોના જીવ લેવા બદલ ફાંસીની સજા પામેલા આતંકવાદીઓમાં જાહિદ શેખ, ઇમરાન ઈબ્રાહીમ, ઇકબાલ કાસમ, શમસુદ્દીન શેખ, ગયાસુદ્દીન અંસારી, મહોમ્મદ કાગઝી, મહોમ્મદ ઉસ્માન, કમરૂદ્દીન નાગોરી, આમિલ પરવાજ, કરીમ સિબલી, સફદર નાગોરી, હાફીઝ હુસૈન, મોહમ્મદ સાજીદ, મુફ્તી અબુબસર શેખ, અબ્બાસ સમેજા, જાવેદ શેખ, મોહમ્મદ ઈસ્માઈલ, અફ્ઝર ઉસ્માની, આસિફ શેખ, મોહમ્મદ આરીફ, કયામુદ્દીન કાપડિયા, મોહમ્મદસૈફ શેખ, જીશાન અહેમદ, જીયૌર રહેમાન, મોહમ્મદ શકીલ રહેમાન, મોહમ્મદ અકબર, ફઝલે રહેમાન, અહેમદ બાવા બરેલવી, સરફૂદ્દીન સલીમ, સદુલી કરીમ, મોહમ્મદ તનવીર, આમીન શેખ, મોહમ્મદ મોબીન, મોહમ્મદ અને તૌસીફખાન પઠાણનો સમાવેશ થાય છે.

    પપ્પા ઘરે જ આવું છું કહીને ગયા અને…

    આજે અમદાવાદ બ્લાસ્ટને 15 વર્ષ થયા, તેવામાં ઑપઇન્ડિયાએ આ ગોઝારી ઘટનાના ભોગ બનેલા પંચાલ પરિવારનો સંપર્ક કરી તેમના દુઃખમાં સહભાગી થવા પ્રયત્ન કર્યો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા યુવાન પરેશ કરસનદાસ (ગોપી ભાઈ) પંચાલના દીકરા સ્વપ્નિલ સાથે થયેલી ટેલીફોનીક વાતચીતમાં તેમણે અમારી ટીમને જણાવ્યું કે, “તે સમયે હું 12 વર્ષનો હતો, મને યાદ છે કે બ્લાસ્ટના થોડા સમય પહેલા જ મમ્મીએ પપ્પાને ફોન કરીને પૂછ્યું હતું કે ક્યાં છો. ત્યારે પપ્પાએ કહેલું કે મિત્રો સાથે છું, બસ થોડી વારમાં ઘરે પહોંચીશ. ફોન મુક્યા બાદ થોડી જ વારમાં બ્લાસ્ટ થયા. પપ્પાએ ટીવીમાં સમાચાર જોયા અને અમને પણ ઘરે જાણ થઇ કે આવું કશું થયું છે. મારા દાદા અને મોટા પપ્પાએ તરત જ પપ્પાને ફોન કરી ઘરે આવવા જણાવ્યું હતું. પણ સેવાભાવી સ્વભાવ ધરાવતા મારા પપ્પાએ તેમના દરેક પરિચિતને ફોન કરીને સિરિયલ બ્લાસ્ટના સમાચાર આપ્યા.”

    મૃતક પરેશ પંચાલ (સાભાર: સ્વપ્નિલ)

    ‘ટીવીમાં લોહીની જરૂર છે તેવી હેડલાઈન વાંચી પપ્પા સિવિલ પહોંચ્યા અને ત્યાં પણ બ્લાસ્ટ થયો’- સ્વપ્નિલ

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્વપ્નિલે જણાવ્યું કે, “મારા પપ્પા ખુબ લાગણીશીલ અને સેવાભાવી સ્વભાવના હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના સમાચાર મળતા જ તેઓ ઘરે આવવાના બદલે કોઈ જગ્યાએ ટીવીમાં સમાચાર જોવા ઉભા રહ્યા. આ દરમિયાન સમાચારની ચેનલમાં ઘાયલ લોકોની સારવાર માટે લોહીની જરૂર હોવાનું પપ્પાએ જોયું અને તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર પહોંચી ગયા. પપ્પાએ લોહી આપી પણ દીધું હતું, પણ બહાર નીકળતી વખતે જ એક એમ્બ્યુલન્સમાં કેટલાક ઘાયલ લોકોને જોઈ પપ્પા ત્યાં પણ તેમની મદદે દોડી ગયા. બરાબર તે જ સમયે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો અને પપ્પાનું આખું શરીર ધારદાર છરાઓથી વીંધાઈ ગયું. કેટલાક છરા તેમના કમરના ભાગેથી આરપાર નીકળી ગયા જેના કારણે તેમના આંતરડા, લીવરમાં ગંભીર ઈજા પહોંચી અને તેઓ…” આ કહેતા જ દરમિયાન સ્વપ્નિલ થોડી વાર મૌન થઇ જાય છે અને થોડો સ્વસ્થ થયા બાદ વાતને આગળ માંડે છે. “બાદમાં અમે તેમનો સંપર્ક કરવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેમનો ફોન લાગ્યો જ નહીં, અમારા પરિવારે આખી રાત પપ્પાને શોધ્યા ને બીજા દિવસે સિવિલમાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા.”

    મૃતક પરેશ પંચાલના માતાપિતા (ફોટો: સ્વપ્નિલ દ્વારા)

    સ્વપ્નિલના જણાવ્યા અનુસાર તેના પપ્પા ખુબ જ લાગણીશીલ સ્વભાવના હતા લોકો તેમને ‘ગોપી ભાઈ’ કહીને બોલાવતા હતા. તેઓ લોકોને એક જૂથ રાખી સાથે લઈને ચાલવામાં માનતા હતા. કોઈને પણ મદદની જરૂર હોય તેઓ તરત જ દોડી જતા. તેમના આ સ્વભાવના કારણે આસપાસ અને સમાજમાં તેમને લોકો ખુબ ચાહતા હતા. સ્વપ્નીલ આગળ જણાવે છે કે, “પપ્પા સાથેની અનેક વાતો આજે પણ યાદ આવે છે. તેમની સાથે રમવું, બહાર ફરવા જવું બધું આજે પણ આંખ સામે તારી આવે છે. બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ અમારા પરિવારનો આધાર છીનવી લીધો. આજે મારી ઉમર 26 વર્ષની છે. પણ પપ્પાએ શીખવેલી વાતો આજે પણ અનુસરું છું. પપ્પાના જવાથી માત્ર મારા પરિવારને જ નહીં પણ તમામ પરિચિતોને આઘાત લાગેલો. મારા દાદા આજે 85 વર્ષના છે, પપ્પાના ગયા બાદ મારા મમ્મી અને દાદાએ અમારો ઉછેર કર્યો. પપ્પાના સારા કાર્યોના કારણે લોકો તે સમયથી જ મારા દાદાને ‘ગોપી કાકા’ કહીને બોલાવે છે. અમદાવાદ બ્લાસ્ટની ઘટનાએ અમારી જિંદગી બદલી નાંખી છે.”

    સ્વપ્નિલ સાથે વાત કરતી વખતે માહોલ એટલો ગંભીર થઈ ચુક્યો હતો કે તેમને વધુ પ્રશ્નો પૂછવાની અમારી ટીમની હિમ્મત ન ચાલી અને અમે વાતને અહીં જ પૂર્ણ કરી નાંખી. આ માત્ર એક મૃતકના પરિવારની વાત હતી. પરંતુ આવા 56 મૃતકો હતા અને અસંખ્ય ઘાયલો જેમના પરિવારોની પણ સ્થિતિ આવી જ હતી અને છે. પણ આજે 15 વર્ષ વીતી ગયા બાદ પણ અમદાવાદ તે ગોઝારા દિવસને નથી ભૂલ્યું. સરકાર, પોલીસ, ન્યાયાલય તમામે પોતાના સ્થાને યોગ્ય કાર્ય અને નિર્ણયો લઈને દોષીઓને સજા કરીને ન્યાય તોળ્યો. પણ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમને પડેલી ખોટ ક્યારેય નહીં પુરાય. સાથે જ ભારત વર્ષના ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન ઘટે બસ એ જ પ્રાર્થના.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં