શુક્રવારે (14 જૂન) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડાની મુલાકાત દરમિયાન અચાનક પ્રાંત કચેરી પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સારો એવો સમય ફાળવીને ફાઈલો તપાસી હતી અને અધિકારીઓને જરૂર મુજબ આદેશ આપ્યા હતા. CMની આ મુલાકાત બાદ હવે 24 કલાક બાદ મામલતદારની બદલી કરી દેવામાં આવી છે. સરકારે આ બાબતે શનિવારે (15 જૂન) અધિકારીક આદેશ બહાર પાડ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક ખેડા તાલુકા સેવા સદન પહોંચ્યા હતા. દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને લોકો પાસે વહીવટી અધિકારીઓના વર્તન તેમજ વહીવટી તંત્રની કામગીરી વિશે પૃચ્છા કરી હતી. આ મુલાકાત બાદ મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના વર્ગ 2 અધિકારી મામલતદારની બદલી કરી નાખવામાં આવી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ સચિવાલયે જાહેર કરેલી અધિસૂચના ક્રમાંક નમક/102024/2/D1 મુજબ મામલતદાર પ્રીતિ શાહની ખેડાથી બદલી કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, છોટા ઉદેપુર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
ખેડા મામલતદારની બદલી કરાઇ
— DD News Gujarati (@DDNewsGujarati) June 15, 2024
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓચિંતી મુલાકાત દરમિયાન મળેલી રજૂઆતોને પગલે બદલી કરાઇ pic.twitter.com/e1BnYmnHDq
મુખ્યમંત્રીએ ખેલા તાલુકા સેવા સદનની લીધી હતી ઓચિંતી મુલાકાત
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓના પ્રજા સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા ખેડા તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર સીધા જ ખેડા તાલુકા સેવા સદન પહોંચી ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં વહીવટી કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી. અહીં તેમણે તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તેમણે અધિકારીઓને બિનજરૂરી કોઈપણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતની નોંધનો સમયસર નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપી હતી. તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ-ધરા કેન્દ્રમાં તેની ઓટોજનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોને રસ્તાના કેસો, જન્મ પ્રમાણપત્રના કેસો તથા અન્ય તમામ કેસોનો સમયસર નિકાલ થાય છે કે કેમ તેની પણ ખાતરી કરી હતી.
આજે સવારે આણંદ જિલ્લાના સારસા ગામની મુલાકાત બાદ પરત ફરતા ખેડા તાલુકા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ કરી. ત્યાં પોતાના કામકાજ માટે આવેલા નાગરિકો સાથે વાતચીત કરીને વહીવટીતંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 14, 2024
કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા… pic.twitter.com/qRhxUZrI5S
લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ટકોર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઓચિંતી મુલાકાત દરમિયાન નાગરિકોને પીવાના પાણી તેમજ વેઇટિંગ દરમિયાન બેસવાની વ્યવસ્થિત વ્યવસ્થા તેમજ કચેરીમાં સ્વચ્છતાને તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ મામલે પણ તંત્રને ટકોર કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓને પણ મળ્યા હતા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે તાલુકા અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ સરપ્રાઈઝ વિઝીટમાં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીના OSD ધીરજ પારેખ સહિતના અધિકારીઓ જોડાયા હતા.