Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રાવણના અંતિમ સોમવારે 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું વડોદરા: કાવડયાત્રામાં હજારો...

    શ્રાવણના અંતિમ સોમવારે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું વડોદરા: કાવડયાત્રામાં હજારો શિવભક્તો જોડાયા, સુરતમાં પણ યાત્રાનું આયોજન

    વડોદરા સ્થિત નવનાથ મહાદેવ મંદિર દ્વારા છેલ્લાં 10 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં ગંગા, મહીસાગર, નર્મદા, સિંધુ અને વિશ્વામિત્રી એમ કુલ પાંચ નદીઓના જળથી મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    11 સપ્ટેમ્બરે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી સવારથી જ સમગ્ર ગુજરાતમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વડોદરા શહેરમાં નવનાથ મહાદેવની 33 કિલોમીટર લાંબી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના રૂટમાં અલગ-અલગ 9 મહાદેવ મંદિરોનો સમાવેશ કરાયો હતો. બીજી બાજુ સુરતમાં પણ આશરે 3000 જેટલી શિવભક્ત મહિલાઓ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતનાં બે મહાનગરો આજે શિવમય બની ગયાં હતાં.

    અહેવાલ અનુસાર, વડોદરા સ્થિત નવનાથ મહાદેવ મંદિર દ્વારા છેલ્લાં 10 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં ગંગા, મહીસાગર, નર્મદા, સિંધુ અને વિશ્વામિત્રી એમ કુલ પાંચ નદીઓના જળથી મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં કુલ 130 જગ્યાએ અનેક શ્રદ્ધાળુઓ સેવા અર્થે પણ જોડાયા હતા. જેમાં પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ, દૂધ, છાશ, શરબત, પાણી અને ફળોનું વિતરણ કરાયું હતું.

    વડોદરા શહેરની આ કાવડ યાત્રાના સફળતાપૂર્વક આયોજન માટે 2 આઇસર ટ્રક, 3 ટેમ્પો, 4 બસો, 100 બાઈક અને 20 કાર જોડાઈ હતી. આ યાત્રાના રૂટ પર સ્વચ્છતાને પણ ખાસ ધ્યાને રાખીને ડોર ટૂ ડોર સફાઈ વેન પણ કામે લાગી હતી. યાત્રાના આયોજન પાછળ જવાબદાર હિંદુ અગ્રણી નીરજ જૈને જણાવ્યું કે, સનાતન ધર્મના વિરોધીઓને સબક શીખવાડવા માટે આ સમય એકદમ અનુકૂળ છે.

    - Advertisement -

    યાત્રામાં જોડાયેલા મહંત વિજય મહારાજે યાત્રાનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે, મહાદેવને રીઝવવા માટે આ કાવડયાત્રા યોજવામાં આવે છે. પૌરાણિક પ્રસંગ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યાં હતાં અને જે ભગવાને દેવી-દેવતાઓને આપી દીધાં અને વિષ નીકળ્યું તેનું ભગવાને સ્વયં પાન કરીને સૃષ્ટિને પ્રલયથી બચાવી હતી. જ્યારે ભગવાનનો કંઠ વાદળી રંગનો થઈ ગયો તો દેવતાઓએ ગંગાજળથી તેમનો અભિષેક કર્યો હતો. જેથી આ યાત્રા યોજવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ યાત્રા જ્યાંથી પસાર થાય છે તેને પવિત્ર કરી દે છે. 

    બીજી બાજુ સુરત શહેરમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજે 3000થી વધુ શિવભક્તો સામેલ થયા હતા. આ યાત્રા સિદ્ધકુટીર મંદિરથી પુણાગામ જલાસાંઈ ફાર્મ સુધી યોજાઈ હતી. યાત્રા દરમિયાન તાપી નદીના જળ દ્વારા કાપોદ્રાના સિદ્ધકુટીર મંદિર ખાતે ભગવાન શિવની પૂજા-અર્ચના કરાઈ હતી. યાત્રામાં જોડાયેલ બહેનોને ભેટ અપાઈ હતી અને ઠેર-ઠેર હર હર મહાદેવનો નારો ગુંજી ઉઠતાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં