Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતપ્રશ્નોના જવાબની જગ્યાએ લખી ‘કામવાર્તા’, અમુકે પ્રોફેસરોને ગાળો દીધી તો કોઈ મિત્રની...

    પ્રશ્નોના જવાબની જગ્યાએ લખી ‘કામવાર્તા’, અમુકે પ્રોફેસરોને ગાળો દીધી તો કોઈ મિત્રની પ્રેમકહાની લખી આવ્યું: સુરતની VNSGUના વિદ્યાર્થીઓનાં કારસ્તાન, દંડ ફટકારાયો

    VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબમાં કામસૂત્રની વાર્તા તેમજ મિત્રની પ્રેમકહાની અને પ્રોફેસરોને ગાળો ભાંડવા બદલ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા હતા. આ સાથે જ યુનિવર્સીટી પ્રબંધન કમિટી દ્વારા તેમને 500 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં BA-B.Comની પરીક્ષાઓમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં લખેલા જવાબો વાંચીને નિરીક્ષકોને તમ્મર ચડી ગઈ હતી. સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબમાં કામસૂત્રની વાર્તા લખી હતી. આટલું જ નહીં, અમુક વિદ્યાર્થીએ પોતાના મિત્રની પ્રેમકહાની તો કોઈએ વળી પ્રોફેસરોને જોખ્યા વગરની ગાળો પણ ભાંડી હતી. આ મામલે યુનિવર્સીટી ઓથોરીટી દ્વારા વિદ્યાર્થીઓને નાપાસ કરીને તેમને દંડ પણ કર્યો છે. હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

    રિપોર્ટ અનુસાર BA ભણતા એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિસ્તૃતમાં કામસૂત્રની વાર્તા વર્ણવી હતી. પકડાઈ ગયા બાદ તેણે લેખિતમાં માફી માંગી હતી. યુનિવર્સીટી દ્વારા તેને વિષયમાં શૂન્ય ગુણ આપીને નાપાસ કરવામાં આવ્યો અને 500 રૂપિયાની દંડ પણ ફટકારવામાં આવ્યો. અન્ય એક કિસ્સામાં B.Comના એક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં પોતાના જ એક મિત્રની પ્રેમકહાની લખી, તેણે પણ ભૂલ કબુલી અને માફી માંગી અને તેને પણ શૂન્ય માર્ક સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

    આ અટપટો કિસ્સો અહીં જ ખતમ નથી થતો. B.Comના જ અન્ય ચાર વિદ્યાર્થીઓએ કરેલી કરતૂત જાણીને તમે ચોંકી જશો. આ ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં પ્રોફેસરોને મન ફાવે તેમ ગાળો ભાંડી છે. યુનિવર્સીટીના પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને મેડમોના નામ જોગ લખવામાં આવેલી દે-ઠોક ગાળો વાંચીને યુનિવર્સીટી પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિદ્યાર્થીઓએ પણ લેખિતમાં માફી માંગતાં શિક્ષકોએ મન મોટું રાખીને તેમને માફ કર્યા છે. જોકે, તેઓ પણ જે-તે વિષયમાં શૂન્ય માર્ક આપીને નાપાસ કરવા સાથે 500 રૂપિયાના દંડથી નહોતા બચી શક્યા.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબમાં કામસૂત્રની વાર્તા તેમજ મિત્રની પ્રેમકહાની અને પ્રોફેસરોને ગાળો ભાંડવા બદલ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા હતા. આ સાથે જ યુનિવર્સીટી પ્રબંધન કમિટી દ્વારા તેમને 500 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ આખી ઘટના બાદ યુનિવર્સીટીએ 6 વિદ્યાર્થીઓનું હિયરીંગ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી.

    આ મામલે યુનિવર્સીટી દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબની જગ્યાએ અભદ્ર ભાષા લખવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે આ પ્રકારની હરકત કરનારા વિદ્યાર્થીઓમાં માનસિક સંતુલન નથી. આ સાથે જ પત્રમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી ફરી આ પ્રકારનું કૃત્ય કરશે તો તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવાની સાથે મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ મેળવીને પ્રબંધક/પ્રિન્સિપાલને આપવાનું રહેશે. આમ નહીં કરનાર પરીક્ષાનું ફોર્મ નહીં ભરી શકે તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં