Sunday, July 14, 2024
More
  હોમપેજગુજરાત‘રામનું નામ લઈને રાડો કેમ પાડે છે’: બોર્ડની પરીક્ષાનું પેપર સારું જતાં...

  ‘રામનું નામ લઈને રાડો કેમ પાડે છે’: બોર્ડની પરીક્ષાનું પેપર સારું જતાં ‘જય શ્રીરામ’ બોલ્યો તો હિંદુ વિદ્યાર્થીને માર્યો, પિતાને મારી નાખવાની ધમકી આપી; અતીક અને અલ્ફાજ સામે FIR- સાવરકુંડલાની ઘટના

  સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે મહંમદ અતીક કુરેશી અને અલ્ફાજ કુરેશી બંને સામે IPCની 323, 506(2) અને 114 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પીડિત પક્ષે ઑપઇન્ડિયાને વાતચીતમાં સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું.

  - Advertisement -

  ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને એટલા માટે માર મારવામાં આવ્યો, કારણ કે બોર્ડનું પેપર સારું જતાં બહાર આવીને તેણે ‘જય શ્રીરામ’ કહીને ભગવાનનું નામ લીધું. આરોપીઓની ઓળખ અતીક કુરેશી અને અલફાજ કુરેશી તરીકે થઈ છે. આરોપ છે કે એકે લાફો માર્યો હતો અને બીજાએ ‘તું રામનું નામ લઈને રાડો શું કામ પાડે છે?’ કહીને માથાકૂટ કરી હતી. એટલું જ નહીં, જ્યારે પીડિત વિદ્યાર્થીના પિતાએ સમાધાન માટે બોલાવ્યા તો ત્યાં તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અમરેલીના સાવરકુંડલામાં બની છે. હાલ પોલીસે FIR નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

  ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. પીડિત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, ગત 20 માર્ચના રોજ 12મા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર સાવરકુંડલાની SMKG હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા માટે ગયો હતો. પેપર સારું જતાં બહાર આવીને આનંદમાં ‘જય શ્રીરામ’ કહીને ભગવાનનું નામ લેવા માંડ્યો હતો. દરમ્યાન, ત્યાં રિપીટર તરીકે પરીક્ષા આપવા આવેલો મહંમદ અતીક કુરેશી આવી પહોંચ્યો અને પાછળથી લાફો મારી દીધો અને કહ્યું કે, “બૂમો ન પાડ….મારું પેપર સારું ગયું નથી.” ત્યારબાદ તેણે ઝઘડો કર્યો હતો.

  FIRની નકલ

  આરોપ છે કે ત્યારબાદ અતીકનો એક મિત્ર અલ્ફાજ કુરેશી પણ આવી પહોંચ્યો અને ‘તું રામનું નામ લઈને રાડો કેમ પાડે છે?’ તેમ કહીને હિંદુ વિદ્યાર્થી સાથે માથાકૂટ કરવા માંડ્યો હતો. ત્યારબાદ પીડિત વિદ્યાર્થીના અન્ય સાથીદારોએ મળીને તેમને છૂટા પાડ્યા. નોંધનીય છે કે આ ઘટનામાં હિંદુ વિદ્યાર્થી પોતાની મેળે જ ભગવાનનું નામ લેવા માટે ‘જય શ્રીરામ’ બોલ્યો હતો, તેણે કોઇને સંબોધીને કહ્યું હોય કે આરોપીઓ પાસે બોલાવડાવ્યું હોય તેમ પણ નથી.

  - Advertisement -

  ઘરે આવીને વિદ્યાર્થીએ પિતાને સમગ્ર ઘટનાક્રમ જણાવતાં તેમણે અલ્ફાજના બાપ આરિફને ફોન કરીને પૂછપરછ કરી હતી. ત્યારબાદ અલ્ફાજ અને આરિફ બંને રાત્રે તેમની દુકાને આવી પહોંચ્યા હતા. ફરિયાદ છે કે અહીં અલ્ફાજે હિંદુ વિદ્યાર્થીના પિતાને ‘હવે પછી જો વધારે ડાહ્યા થશો તો પતાવી દઈશું’ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. 

  સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે મહંમદ અતીક કુરેશી અને અલ્ફાજ કુરેશી બંને સામે IPCની 323, 506(2) અને 114 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

  FIRની નકલમાંથી

  આ મામલે પીડિત વિદ્યાર્થીના પિતાએ ઑપઇન્ડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, તેમનો પુત્ર માત્ર પેપર સારું જતાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ભગવાનનું નામ લઇ રહ્યો હતો, ત્યાં પાછળથી આવીને એક મુસ્લિમ વિદ્યાર્થીએ થપાટ મારી દીધી અને કહ્યું કે, “તને ખબર છે, આ સ્કૂલ કોની છે? અહીં તારાથી આ શબ્દ બોલાતા જ નથી.” તપાસ કરતાં જાણવા મળ્યું કે સાવરકુંડલાની આ SMGK સ્કૂલ ફૈઝ-એ-મુહંમદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. 

  ‘અમે ભાઈઓ માટે કુરબાન થઈ જઈએ’ કહીને ધમકી આપી 

  પીડિત પિતાએ આગળ કહ્યું કે, “મારા પુત્રએ માર મારનાર બંને યુવકોની ગાડીનો નંબર નોંધી લીધો હતો, જેથી મેં તપાસ કરતાં મારી દુકાનમાં અગાઉ કામ કરી ચૂકેલા એક વ્યક્તિ મારફતે અલ્ફાજ અને આરિફનો સંપર્ક થયો. જેથી બંનેને મારી દુકાને બોલાવ્યા હતા.” તેમણે કહ્યું કે, અમે વાત કરી રહ્યા હતા ત્યારે આરીફ કુરેશીએ મને ‘અમે ભાઈઓ માટે કુરબાન થઈ જઈએ’ તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ મેં પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી. 

  પોલીસે ઘટનાની પુષ્ટિ કરી, કહ્યું- તપાસ કરી રહ્યા છીએ 

  સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી વિશે માહિતી લેવા ઑપઇન્ડિયાએ પોલીસનો સંપર્ક પણ કર્યો હતો. આ કેસની તપાસ કરતા ASI વાય. એસ વનરાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું કે, સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદ લઈને FIR દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જવાબદારો વિરૂદ્ધ ધારાધોરણો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.  

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં