Saturday, April 27, 2024
More
    હોમપેજમંતવ્યભણો ગુજરાતી: પ્રાથમિક શાળામાં ગુજરાતી ફરજીયાત થયું, જાણીએ નવા કાયદાની સમજ અને...

    ભણો ગુજરાતી: પ્રાથમિક શાળામાં ગુજરાતી ફરજીયાત થયું, જાણીએ નવા કાયદાની સમજ અને શા માટે આ કાયદો જરૂરી બન્યો હતો

    જેમ મા અને માતૃભુમીનો કોઈ વિકલ્પ ન હોઈ શકે, તે જ રીતે માતૃભાષાનો પણ કોઈ વિકલ્પ નથી. બાળકના સર્વાંગી વિકાસ માટે તેનું પ્રાથમિક શૈક્ષણિક ઘડતર માતૃભાષામાં થાય તે અનિવાર્ય છે.

    - Advertisement -

    કહેવાય છે કે મા, માતૃભાષા અને માતૃભુમીનો કોઈ વિકલ્પ નથી હોતો. અને તેમાં પણ આપણી માતૃભાષા એ આપણી મુખ્ય ઓળખ છે. તેના પર વિસ્તૃત વાત કરીએ તે પહેલા સમાચાર પર નજર કરી લઈએ, ગઈ કાલે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાતનો ખરડો વિધાનસભામાં મંજુર કરી દેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા રજુ થયેલા આ ખરડાને ચર્ચા બાદ ભાજપ ઉપરાંત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો હતો. જેને ધો.1 થી 8 તમામ બોર્ડના અભ્યાસક્રમ ચલાવતી શાળાઓમાં લાગુ કરવામાં આવશે, અને તેના ભંગ બદલ શાળાની માન્યતા રદ કરવા સહીતના પગલાની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડાને રાજયપાલની મંજુરી બાદ આગામી શૈક્ષણીક વર્ષથી અમલી બની જવાની શકયતા છે.

    અહેવાલો અનુસાર ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાતનો ખરડો વિધાનસભામાં મંજુર કરાવવા અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને તમામ પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું. આ ખરડો કાયદો બન્યા બાદ રાજયની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવામાં આવશે. આ બિલ પ્રમાણે ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવુ પડશે. જો કોઈ વ્યાજબી કારણો હશે તો લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. જો કોઈ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે વિધાનસભામાં બિલ પસાર થયા બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.

    ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ પણ કરવામાં આવી છે. જેમ કે પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને 50 હજાર સુધીનોનો દંડ ફટકારવામાં આવશે. અને તેમના જ દ્વારા જો બીજી આ વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. અને તે છતાં ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો શાળાને 2 લાખનો દંડ કરાશે અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.

    - Advertisement -

    માતૃભાષામાં શિક્ષણ શા માટે જરૂરી?

    આ લખતા પહેલા એક ચોખવટ કરવી જરૂરી છે કે, અહી અન્ય કોઈ ભાષાને ઉતરતી ગણવાની વાત નથી. ભારત ભૂમિ પર બોલાતી તમામ ભાષાઓ મહાન છે અને તેમના થકી જ ભારત દેશ વિશ્વમાં આગવું અસ્તિત્વ ધરાવે છે. હવે આવીએ માતૃભાષાના મુદ્દા પર. જેમ મા અને માતૃભુમીનો કોઈ વિકલ્પ ન હોઈ શકે, તે જ રીતે માતૃભાષાનો પણ કોઈ વિકલ્પ નથી. બાળકના સર્વાંગી વિકાસ માટે તેનું પ્રાથમિક શૈક્ષણિક ઘડતર માતૃભાષામાં થાય તે અનિવાર્ય છે. સ્વભાવિક છે કે આપણા ઘરમાં બોલાતી આપણી માતૃભાષા ગુજરાતી જ સાંભળીને શાળાએ જતું થયેલું બાળક જયારે અન્ય ભાષામાં શિક્ષણ મેળવે, ત્યારે તેના અને તેની માતૃભાષા વચ્ચે ન જોઈ શકાય તેવી ખાઈ ઉભી થવાની શરૂઆત થઈ જાય છે.

    વ્યક્તિગત અનુભવની વાત કરું તો, પડોશમાં રહેતી બે દીકરીઓનો દાખલો આજના આ લેખ સાથે ખુબ મેળ ખાય તેવો છે. નાની દીકરી સાતમાં ધોરણમાં અને મોટી દીકરી આ વર્ષે દસમાની પરીક્ષા આપશે. ગોપનીયતા માટે તેમના નામ તો નહી લખી શકું, પણ હાલ પુરતી તેમની ઓળખાણ આપણે વિધિ અને વેદિકા રાખીએ, થોડા દિવસ અગાઉ સાતમાં ધોરણમાં ભણતી વેદિકા મારી પાસે આવી. મને કહે “ભૈયા અમારા સ્કુલ ટીચરે અમને કહ્યું છે કે અમારે બટરફ્લાય પર પોયમ લઈને જવાનું છે, પ્લીઝ મને હેલ્પ કરશો? અમને પેરેન્ટ્સની હેલ્પ લેવાની પરમીશન છે, પણ મોમ ડેડ બહાર ગયા છે.” તેની આ વાત પર મે મદદ કરવાની તૈયારી દર્શાવી, અને મારા જ એક અંગત કવિ મિત્રની સરસ મજાની ગુજરાતી કવિતા લખી આપી.

    ગુજરાતી કવિતા જોઈને વેદિકાના આંખોમાં મુંજવણ દેખાણી, હળવેકથી મને કહે, “ભૈયા આ શું લખ્યું છે? મારે તો ઈંગ્લીશમાં પોયમ લઈ જવાની છે.” મે કહ્યું તું વાંચી તો જો, ખુબ સરસ છે. પણ તેનાથી એક અક્ષર પણ ન ઉકેલાયો. અંતે તેની અંગ્રેજી પોયમ સામે ગુજરાતી બાળ કવિતા હારી ગઈ અને મે ગુગલ કરીને તેને એક “પોયમ” ગોતી આપી, વેદિકા આ પોયમ લઈને બટરફ્લાયની જેમ ઉડી તો ગઈ, પણ પાછળ અનેક પ્રશ્નો મારા મનમાં મુકતી ગઈ. વિચારોને વશ થઈ મે મોટી દીકરી વિધિને પણ ગુજરાતી વાંચવા આપ્યું. તેણે વાંચ્યું તો ખરું, પણ અમારા સમયના શિક્ષકો મૌખિક પરીક્ષામાં ચોક્કસ પણે નાપાસ કરે તેવું. અત્યારના બાળકોને તેમની માતૃભાષા બોલતા તો આવડે છે, પણ લખતા કે વાંચતા નથી આવડતું તેનો જાણે ઊંડો ડંખ લાગ્યો હોય તેવો અભાસ થયો.

    હું તો માનું છું કે આવી ઘટનાઓ આપણા સહુની આસપાસ બનતી જ હશે, અને અનાયસે અંગ્રેજી ભાષાની ઘેલછાને આપણે વખોડતા પણ હોઈશું. પણ માત્ર અંગ્રેજી ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. તેના માટે બાળકોનું પ્રાથમિક શિક્ષણ, કહી શકો કે બાળકોના ઘડતરનો પાયો માતૃભાષામાં હોવો જરૂરી છે.

    આપણને બધાને ખબર છે કે વર્તમાન સમયના વાલીઓમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જાણે રીતસર હરીફાઈ થઈ રહી છે. એવો સવાલ પણ મનમાં આવે કે શું ગુજરાતીમાં ભણતું બાળક પ્રગતિ કરવામાં કે ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં નિષ્ફળ જાય છે? બાળક માટે કયુ માધ્યમ સારું નીવડી શકે? બધા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મુકે છે તો આપણે કેમ આપણા સંતાનને અભ્યાસ માટે ગુજરાતી માધ્યમમાં મુકીએ? જેવાં ઘણા બધાં સવાલો મનમાં ઉદભવે તે સ્વભાવિક છે.

    મારા ઘણાં મિત્રોના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. અને તેમના આ નિર્ણય પાછળનું કારણ પૂછીએ તો મોટાભાગે તમામના જવાબમાં સમાનતા જ જોવા મળશે કે, “મારા નજીકના તમામ લોકોના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે અમે પણ આ નિર્ણય લીધો.” સંતાનને અંગ્રેજી માધ્યમમાં મૂકીએ તો તેના વિકાસ પર કઈ હદે અસર પડી શકે તેની વાત કરીએ તો, ઘરમાં ગુજરાતી બોલતા કેટલાય બાળકો માટે અંગ્રેજી માધ્યમમાં ભણવું અઘરું થઈ પડ્યું હોય, અને સરખું ગુજરાતી ન શીખી શક્યું હોય તેવા બાળકોનું ભવિષ્ય ખરેખર મજધારે ફસાયેની નાવડી જેવી થઈ જવાની પૂરે પૂરી શક્યતાઓ ઉભી થતી હોય છે.

    અને પડોશમાં રહેતી દીકરીઓ સાથેના મારા અનુભવ પરથી એટલું તો ચોક્કસ કહી શકું કે, મારું આ માનવું ક્યાંક ને ક્યાંક સાચું જ છે. સિક્કાની બીજી બાજુએ નજર નાંખીએ તો જે વાલીઓ પૈસે-ટકે સક્ષમ છે, માત્ર તેઓ જ તેમના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે સાવ તેવું પણ નથી. મારો એક મિત્ર કે જે સામાન્ય મધ્યમવર્ગી પરિવારમાંથી આવે છે. છતાં પણ તેણે પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવા મુક્યો છે. કહે “બાપુ અંગ્રેજી મીડીયમમાં ભણાવીએ તો જટ નોકરી મળી જાય.” આ પરથી તેમ પણ કહી શકુ કે દેખાદેખી પણ આ બાબતે મહત્વનો ભાગ ભજવે છે.

    તેવામાં સરકાર દ્વારા ગુજરાતી ફરજીયાતનો ખરડો મંજુર થયાં બાદ જો કાયદો બને, તો આ નિર્ણય અનેક બાળકો અને માતૃભાષા વચ્ચે પડતી જતી ખાઈને બુરવાનો કે પછી કમસેકમ આ ખાઈને વધુ ઊંડી થતી તો અટકાવશે જ. આ નિર્ણય બાદ બની શકે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા કે દેખાદેખી ઓછી થાય. પ્રાઈવેટ અંગ્રેજી શાળાઓની મનમાની અને તમ્મર ચઢાવી દે તેવા શુલ્ક (ફી) માંથી છુટકારો પણ મળે. સીધી ભાષામાં કહું તો વાલીઓના ગજવા પર અને બાળકના મન પર પડતો ભાર ચોક્કસથી ઓછો થઈ શકે તેમ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં