Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાતચીની નાગરિકે ગુજરાત આવીને 1400 કરોડનું કૌભાંડ કર્યું?: મીડિયા રિપોર્ટ્સમાં દાવા બાદ...

    ચીની નાગરિકે ગુજરાત આવીને 1400 કરોડનું કૌભાંડ કર્યું?: મીડિયા રિપોર્ટ્સમાં દાવા બાદ ગુજરાત પોલીસની સ્પષ્ટતા- તે ક્યારેય ગુજરાત આવ્યો જ નથી, સમાચાર પાયાવિહોણા

    - Advertisement -

    બે દિવસ પહેલાં અમુક મીડિયા રિપોર્ટ્સમાં એક ચીની વ્યક્તિ ગુજરાતના 1200 લોકોને છેતરીને 1400 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાત પોલીસે એક નિવેદન બહાર પાડીને અમુક સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું કે, આ કૌભાંડ ખરેખર 1400 કરોડનું નહીં પરંતુ 3 કરોડ રૂપિયાનું છે અને જે મામલે કાર્યવાહી ચાલી રહી છે. જે ચીની વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને પોલીસે કહ્યું કે આવો કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવ્યો જ નથી અને આ સમાચાર પાયાવિહોણા છે.

    ગુજરાત પોલીસે જણાવ્યું કે, બનાસકાંઠામાં આવીને ચાઈનીઝ વ્યક્તિએ કુલ 1400 કરોડનું ફ્રોડ કર્યાના અહેવાલો પાયાવિહોણા છે. ગુનાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કુલ 1175 લોકો ભોગ બન્યા હતા અને તેમની સાથે કુલ 3 કરોડ 54 લાખ 64 હજાર 828 રૂપિયાની છેતરપિંડી થઇ હતી. જે મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ અને CID દ્વારા કુલ 620 બેન્ક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં.

    ગુજરાત પોલીસનું અધિકારીક નિવેદન

    ચીની ગુજરાતમાં આવ્યો નથી, દિલ્હી આવ્યો હતો અને 2019માં ત્યાંથી પરત ફર્યો હતો: પોલીસ

    રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૂ યુઆનબે નામનો એક ચાઈનીઝ વ્યક્તિ 2020થી 2022 દરમિયાન ભારતમાં હતો અને થોડો સમય પાટણમાં પણ રહ્યો હતો, જ્યાં તેણે અમુક સ્થાનિકોને મળીને પૈસાની લાલચ આપી હતી. પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આવો કોઈ ચાઈનીઝ વ્યક્તિ ગુજરાતમાં આવ્યો નથી. પોલીસે જણાવ્યું કે, તેનું નામ Wu Chuanbo ઉર્ફે chamber જણાઈ આવ્યું છે અને તે ચીનના શેનઝેન પ્રાંતનો વતની છે. તે 2017થી 2019 દરમિયાન દિલ્હી આવ્યો હતો અને ત્યાં રોકાયો હતો. તે ક્યારેય પણ ગુજરાતના કોઈ પણ ભાગમાં આવ્યો નથી. તે 2019માં ચીન પરત ફર્યો હતો અને ત્યારબાદ પરત આવ્યો નથી. આ સ્કેમ ડિસેમ્બર 2021થી જૂન 2022 દરમિયાન થયો હતો અને તે સમયગાળામાં તે ભારતમાં નહતો. તેની સામે ઇન્ટરપોલ મારફતે RCN (રેડ કોર્નર નોટિસ)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

    - Advertisement -

    પોલીસની સંડોવણી બતાવનારા આક્ષેપો સાબિત કરે અથવા કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે

    પોલીસે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા મારફતે જે લોકો આ ગુનાને લઈને સત્યતા ચકાસ્યા વગર ટિપ્પણીઓ કરી રહ્યા છે અને પોલીસની સંડોવણી બતાવી રહ્યા છે તેઓ કાં તો આક્ષેપ સાબિત કરે અથવા કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે. 

    પોલીસે આ મામલે વધુ જણાવ્યું કે, Dani Data નામની એક ફૂટબોલ ફેન્ટસી ગેમિંગ એપ્લિકેશન મારફતે ફૂટબોલની મેચના 3:3ના સ્કોર પર રોકાણ કરવાથી 0.75 ટકાના નફા સાથે રકમ પરત આપવાની ખાતરી આપી લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી લેવાઈ હતી અને રોકાણ કરેલા પૈસા પણ પરત આપ્યા ન હતા. આ મામલે જૂન, 2022માં પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પછીથી આ કૌભાંડમાં અન્ય પણ અનેક લોકો ભોગ બન્યા હોવાનું સામે આવતાં તપાસ CIDને સોંપવામાં આવી હતી. 

    રિપોર્ટમાં દાવો- સ્થાનિકો સાથે મળીને ચીની નાગરિકે એપ બનાવી હતી

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના 17 ઓગસ્ટ, 2023ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીની નાગરિકે ગુજરાતમાં આવીને અમુક લોકો સાથે સાંઠગાંઠ કરી 1200 લોકોને છેતરીને 1400 કરોડનો કાંડ કરી નાખ્યો હતો. તેમણે મે, 2022માં એક એપ્લિકેશન બનાવી હતી અને સ્થાનિકો પાસે રોકાણ કરાવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે યુઆનબે દિવસના 200 કરોડની ચોરી કરતો હતો. આ રીતે 9 દિવસ સુધી એપ્લિકેશન ચાલ્યા બાદ અચાનક બંધ થઇ ગઈ હતી. ત્યારબાદ લોકોને જાણવા મળ્યું કે તેઓ છેતરાયા છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે, પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી હતી, જેમની ઉપર ચીની વ્યક્તિની મદદ કરવાનો આરોપ છે. 

    કોંગ્રેસ, વામપંથી પત્રકારોએ પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા

    આ સમાચાર સામે આવ્યા બાદ અન્ય મીડિયા સંસ્થાઓએ પણ તેને આગળ વધાર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે તેનો પ્રચાર શરૂ કર્યો હતો. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ નેતા પવન ખેડાએ ગુજરાત પોલીસ પર આરોપ લગાવ્યા હતા. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટાર્ગેટ કર્યા. ગુજરાત કોંગ્રેસે આ ક્લિપ પોસ્ટ કરીને લખ્યું, ‘ગુજરાતમાં ચીની ઘૂસણખોરી થઇ છે.’

    સોશિયલ મીડિયા પર પણ દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો હતો. ‘પત્રકાર’ રવિશ કુમારે એક ટ્વિટ કરીને કટાક્ષ કરવાના પ્રયાસ કર્યા હતા. જે વિષયને લઈને કાયમ તેઓ રડારોળ મચાવતા રહે છે એ ‘ગોદી મીડિયા’નો અને આઇટી સેલનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ચીની નાગરિક ગુજરાત આવ્યો, 1400 કરોડનું કૌભાંડ કરી ગયો પણ કોઈને ખબર ન પડી. સાથે તેમણે ‘ચીન ભારતમાં ઘૂસી આવ્યું’ હોવાના કોંગ્રેસના જૂના અને જાણીતા દાવાને પણ આગળ ધપાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં