ખેડામાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ નવરાત્રિમાં માતાજીના ચાલુ ગરબાએ પથ્થરમારો કરીને ધીંગાણું મચાવ્યા બાદ બીજા દિવસે પોલીસે જાહેરમાં સજા આપી હતી. જોકે, પોલીસની આ કાર્યવાહી સામે કેટલાક લોકો સવાલો પણ ઉઠાવી રહ્યા છે અને વાત માનવ અધિકારો સુધી પહોંચી ગઈ છે. હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપતાં કહ્યું હતું કે, “આજકાલ માનવ અધિકારવાળા લોકો જાગી ગયા છે. પરંતુ મને એ ખબર નથી પડતી કે શું માનવતા માત્ર પથ્થર મારનારા લોકો માટે જ લાગુ પડે છે? શું નાનાં બાળકો અને મહિલાઓ જેમણે માથા પર પથ્થર ખાધા છે, તેમના કોઈ માનવ અધિકારો છે જ નહીં?”
Is human right only for those who pelt stones ?Those small kids, those women who were hit by stones have no human right ?Can’t people play Garba in chawk?If some people dislike it, do they have right to pelt stones? Those hit by stones don’t have human right? : MoS Harsh Sanghavi pic.twitter.com/1Y2mXHhiki
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
ગૃહમંત્રીએ આગળ કહ્યું હતું કે, “શું આપણે આપણા ગામની અંદર ચોકમાં ગરબા ન રમી શકીએ? કોઈને ન ગમે તો શું પથ્થર મારવાનો હક મળી જાય છે? તેમણે કહ્યું કે, જેમણે પથ્થર ખાધા છે તેમના માટે પણ માનવ અધિકારો હોવા જોઈએ. દર વખતે જેમ પથ્થર મારનારા લોકો પર જ માનવ અધિકારોની વાત આવીને અટકે છે એ વિચારવાનો સમય હવે આવી ગયો છે.
ગૃહમંત્રી ગુજરાત યુનિવર્સીટીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા, જ્યાં તેમણે આ વાત કહી હતી.
ગૃહમંત્રીના આ સંબોધનને તાજેતરમાં જ ખેડામાં બનેલી ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે. ખેડાના એક ગામમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મહિલાઓ, બાળકો સહિતના લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં આરિફ અને ઝહીર નામના બે શખ્સોનું નામ આવ્યું હતું, જેમણે ટોળાની આગેવાની લીધી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમનો મકસદ ગરબા રમતા રોકવાનો જ હતો અને આ માટે તેમણે અગાઉ મિટિંગ પણ કરી હતી. જેમાં ગરબા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલા બાદ પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે જાહેરમાં તેમને ફટકારવામાં આવ્યા હતા, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. જોકે, આ વિડીયો વાયરલ થયા બાદ પથ્થરમારાની વાતો દૂર જ રહી અને આ આરોપીઓના માનવ અધિકારો અંગે વાતો શરૂ થઇ ગઈ હતી, જેને લઈને હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે.
આ પહેલાં પણ ગૃહમંત્રી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને આડેહાથ લઇ ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક પ્રસંગોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ ચલાવી લેવામાં આવશે નહીં. આવા અસામાજિક તત્વો સમજી જાય કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.