Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાત₹7.17 લાખ કરોડનું રોકાણ, વિવિધ કંપનીઓ સાથે એક જ દિવસમાં 58 MoU:...

    ₹7.17 લાખ કરોડનું રોકાણ, વિવિધ કંપનીઓ સાથે એક જ દિવસમાં 58 MoU: ‘વાઈબ્રન્ટ ગુજરાત’ પહેલાં વિક્રમ સર્જાયો, રોજગારીની લાખો તકો સર્જાશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 2 દાયકાથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં સફળ આયોજનો સાથે-સાથે રાજ્ય સરકારની ‘ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ’ની નીતિના કારણે વિશ્વભરના રોકાણકારો આજે રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી રહ્યા છે, જેનાં સુખદ પરિણામસ્વરૂપ જ આજે એક જ દિવસમાં આટલી મોટી રકમના MoU હસ્તાક્ષરિત થયા છે: CM

    - Advertisement -

    આગામી બુધવારથી (10 જાન્યુઆરી, 2024) વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવા જઈ રહી છે ત્યારે તે પહેલાં ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ₹7.17 લાખ કરોડનાં રોકાણ માટેના કુલ 58 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “મને જણાવતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાત સરકારે આજે એક જ દિવસમાં 7.17 લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે પ્રમુખ કંપનીઓ સાથે MoU કર્યા છે. આ ગુજરાત માટે એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે.” 

    તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 2 દાયકાથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં સફળ આયોજનો સાથે-સાથે રાજ્ય સરકારની ‘ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ’ની નીતિના કારણે વિશ્વભરના રોકાણકારો આજે રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી રહ્યા છે, જેનાં સુખદ પરિણામસ્વરૂપ જ આજે એક જ દિવસમાં આટલી મોટી રકમના MoU હસ્તાક્ષરિત થયા છે. 

    - Advertisement -

    મુખ્યમંત્રીએ આપેલી જાણકારી અનુસાર, આ રોકાણ ઇલેક્ટ્રિક વાહનો, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બાયોટેકનોલોજી, સિમેન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પોર્ટ્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, આઈ.ટી.-આઈટીઈએસ, લોજિસ્ટિક્સ, ઓઈલ એન્ડ ગેસ, પેકેજિંગ, પ્લાસ્ટિક, પાવર, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, ટેક્ષટાઈલ અને એપેરલ્સ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન, શહેરી વિકાસ વગેરે ક્ષેત્રોમાં કરવામાં આવશે.

    રાજ્ય સરકારે આપેલી જાણકારી અનુસાર, આ MoU સાઇન થવાનાં કારણે રાજ્યમાં ભવિષ્યમાં 3.70 લાખ રોજગારીની તકો ઉભી થશે. જ્યારે અત્યાર સુધી કુલ 17 કડીમાં વિવિધ 234 MoU સાઇન કરવામાં આવ્યા છે, જેનાથી સંભવિત ₹10,31,250 કરોડથી વધુનું મૂડીરોકાણ થશે અને 12,89,078થી વધુ રોજગાર સર્જનની તકો પણ સર્જાશે. 

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઘટનાને ‘ઐતિહાસિક’ ગણાવી હતી અને કહ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટમાં થતાં MoUના અમલીકરણથી ગુજરાતમાં રોજગારીના તથા આર્થિક ઉન્નતિના અનેક અવસરો ઊભા થયા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોમાં રોકાણો માટે આવતા નિવેશકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે મદદ માટે તત્પર છે. આ સાથે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે સૌ ઉદ્યોગ-રોકાણકારોને નિમંત્રણ પાઠવ્યું હતું. 

    આગામી 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. આ સમિટની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતાં કરાવી હતી. તેની પ્રચંડ સફળતા જોઈને અન્ય રાજ્યોએ પણ આ મોડેલ અમલમાં મૂક્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં