Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતકમોસમી વરસાદના કારણે પાકને નુકસાન, વીજળી પડવાથી 23 મોત: મૃતકોના પરિજનો, ખેડૂતોને...

    કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન, વીજળી પડવાથી 23 મોત: મૃતકોના પરિજનો, ખેડૂતોને આર્થિક સહાય આપવાની ભૂપેન્દ્ર પટેલ સરકારની ઘોષણા

    રાજ્ય સરકારે જેમને પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ સહાય ચૂકવવાની ઘોષણા કરી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકાર આ વરસાદ બાદ સરવે હાથ ધરશે અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાતમાં અચાનક આવી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખાસ્સું નુકસાન થયું છે તો બીજી તરફ વીજળીના કારણે જાનહાનિ પણ નોંધાઈ છે. અમુક ઠેકાણે પશુઓ પણ માર્યાં ગયાં છે. દરમ્યાન, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મૃતકોના પરિજનો તેમજ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવવાની ઘોષણા કરી છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. ત્યાંથી તેઓ સતત માહિતી મેળવી રહ્યા છે. રવિવારે તેમણે એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘ગુજરાતમાં આજે થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપેલ છે.’

    સોમવારે (27 નવેમ્બર) રાજ્ય સરકારે જેમને પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પણ સહાય ચૂકવવાની ઘોષણા કરી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકાર આ વરસાદ બાદ સરવે હાથ ધરશે અને ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

    - Advertisement -

    પ્રવક્તા મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ 26 અને 27મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું એવું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. આગળ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા અનુસાર વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનો સરવે કરીને તેમની સહાય કરવામાં આવશે. 

    અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વેક્ષણ કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે. 

    રિપોર્ટ અનુસાર, રાજ્યમાં વીજળી પડવાના કારણે 23 લોકોનાં મોત નોંધાયાં છે. જ્યારે 23 લોકોને ઈજા પહોંચી હતી. 71 પશુઓ પણ વીજળીના કારણે માર્યાં ગયાં છે. ઇજાગ્રસ્તોમાંથી 13 અમરેલી અને 9 સુરતમાં નોંધાયા છે. આ સિવાય ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થયું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં