Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામતની જાહેરાત કરતી રાજ્ય સરકાર: SC-ST ક્વોટા...

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામતની જાહેરાત કરતી રાજ્ય સરકાર: SC-ST ક્વોટા યથાવત રહેશે

    સરકારે આ માટે કમિશનની રચના કરી હતી. જેની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે OBC અનામત વધારીને 27 ટકા કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે OBC અનામત 27 ટકા કરવાની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઝવેરી કમિશનનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને કેબિનેટે મંજૂરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં OBC માટેની બેઠકો 10% થી વધારીને 27% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે એસસી-એસટી બેઠકોને યથાવત રાખવામાં આવી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મંગળવારે (29 ઓગસ્ટ, 2023) પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતની જાણકારી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે આ માટે કમિશનની રચના કરી હતી. જેની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે OBC અનામત વધારીને 27 ટકા કરવામાં આવ્યું છે. જોકે તેમણે જણાવ્યું કે, આ ફેરફાર દરમિયાન કુલ બેઠકો 50%થી વધે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી અને વર્ષ 2023માં તેનો અહેવાલ મળ્યો છે. કેબિનેટ દ્વારા ત્રણ મહિના સુધી આ અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અનુસૂચિત જાતિ(એસસી), અનુસૂચિત જનજાતિ(એસટી) અને અન્ય પછાત(ઓબીસી) વર્ગ માટે જે બેઠક છે તેના માટે જ 27% અનામતની ભલામણ કરવામાં આવી છે.

    - Advertisement -

    કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત

    મંત્રીના જણાવ્યા અનુસાર, 50 ટકાથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા કુલ 61 તાલુકાઓ અને 9 જિલ્લાઓ છે. જ્યાં વસ્તી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવશે. જે શિડયુલ્ડ વિસ્તારોમાં PESA એક્ટ લાગુ છે ત્યાં પંચાયતોમાં 10 ટકા બેઠકો જે ઓબીસીને ફાળવવામાં આવે છે એ ચાલુ રહેશે. આગળ જણાવ્યું કે જ્યાં આદિવાસી વસ્તી 25 ટકાથી 50 ટકા છે ત્યાં નિયમ પ્રમાણે 50 ટકા બેઠકોનું અનામત છે. ત્યાં OBCનું પ્રતિનિધિત્વ ઘટી જાય તેવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ત્યાં પણ ભૂતકાળમાં જે 10 ટકા બેઠકો હતી તેને ચાલુ રાખવી.

    રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પણ SC-ST માટે 27 ટકા અનામત યથાવત રહેશે. ઉપરાંત, 50 ટકાની મર્યાદામાં 27 ટકા OBC અનામત ફાળવવામાં આવ્યું છે. 

    ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે “ભલામણ સ્વીકારી હોય અને એમાં પણ ઓબીસીને મહત્વ અને પ્રતિનિધિત્વ મળી રહે એટલે ખૂબ ઝડપથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તેમાં સરકારને રસ છે. હાલનુ જે સીમાંકન છે એ પ્રમાણે ચૂંટણી યોજવામાં આવશે. વસ્તી પ્રમાણે રિઝર્વેશન કરવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમુક સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી બાકી છે, ત્યારે હવે આ નવા ફેરફારો સાથે જલ્દીથી જ ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં