આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં તેઓ પીએમ મોદી વિશે ફરી એક વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે તો સાથે તેમણે પીએમ મોદીનાં માતા હીરાબા વિશે પણ અશોભનીય ભાષા વાપરી છે.
ગોપાલ ઇટાલિયા નો વધુ એક વીડિયો વાયરલ pic.twitter.com/sNe1WUeqJO
— The Politics Files (@Politics_Files) October 13, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ફરી એક વખત પીએમ મોદી વિશે ‘નીચ માણસ’ જેવા શબ્દો વાપર્યા છે તો તેમનાં માતા હીરાબાને નાટક કરનારાં ગણાવ્યાં હતાં.
વાયરલ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, “આ નીચ નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચ કેમ નથી માંગતા? આ નીચ પ્રકારનો માણસ, એનો ખર્ચ માંગો.” ત્યારબાદ હીરાબાને લઈને કહે છે કે, “હીરાબા આવીને નાટકો કરે પાછાં. આપણને બોલતાં પણ શરમ આવે આટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે, પણ એ લોકો નથી શરમાતા.”
આગળ ગોપાલ ઇટાલિયા કહે છે કે, “70 વર્ષનો મોદી થવા આવ્યો, હીરાબા સોએ પહોંચવા આવ્યાં, છતાં એકેય નાટકો બંધ કરતાં નથી.”
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વિડીયો શૅર કરીને માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું. તેમણે હીરાબાને માતૃશક્તિનું સ્વરૂપ ગણાવીને કહ્યું કે, ગોપાલ ઇટાલિયાએ તેમને પણ નફરતની રાજનીતિથી બાકાત ન રાખ્યાં. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત જેવા સભ્ય સમાજમાં ‘આપ’ અને તેમની વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી.
હીરાબા માતૃશક્તિનું સ્વરૂપ છે.
— Smriti Z Irani (@smritiirani) October 13, 2022
કેજરીવાલના ખાસ એવા ગોપાલ ઇટાલિયાએ 100 વર્ષીય હીરાબાને પણ પોતાની નફરતની રાજનીતિથી બાકાત ન રાખ્યા. ગુજરાત જેવા સભ્ય સમાજમાં AAP અને તેની વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી.
ગુજરાતના નામે માતૃશક્તિના આવા અપમાનનો ન્યાય હવે ગુજરાતીઓ પોતાના મતથી કરશે. https://t.co/116fSRtia0
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી માટે ‘નીચ માણસ’ અને ‘તે જનતાને સી બનાવી રહ્યો છે’ જેવી અપમાનજનક ભાષા વાપરી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતનું સંજ્ઞાન લીધું હતું અને ઇટાલિયાને સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ તેઓ આજે દિલ્હી મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા.
જોકે, ગોપાલ ઇટાલિયા મહિલા આયોગ સમક્ષ હાજર થયા ત્યારે ઓફિસની બહાર સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, ગોપાલ ઇટાલિયાનાં નિવેદનો અને લેખિત નિવેદનો મેળ ન ખાઈ રહ્યાં હોવાનું પણ આયોગે જણાવ્યું હતું. ત્યારબાદ દિલ્હી પોલીસે પૂછપરછ માટે તેમની અટકાયત કરી હતી. જોકે, ત્રણ કલાક બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.