Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકચ્છથી દ્વારકા પોતાની ગાયો લઈને બાધા પૂરી કરવા જનાર મહાદેવજી દેસાઈ સાથે...

  કચ્છથી દ્વારકા પોતાની ગાયો લઈને બાધા પૂરી કરવા જનાર મહાદેવજી દેસાઈ સાથે ખાસ વાતચીત: જાણીએ લંપી વાયરસથી બચાવવાની માનતા પૂરી કરવાની સમગ્ર વાત

  વાત જેમને ભયંકર રોગનું નામ પણ સરખું બોલતાં નથી આવડતું તેવા ગૌધણ સાથે છેક કચ્છથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરનારા મહાદેવજી દેસાઈની છે, જેમણે આજના વિજ્ઞાન અને આધુનિકતાના યુગમાં પણ કેવી રીતે સનાતન ધર્મમાં મજબૂત શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ રહે છે તેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  - Advertisement -

  ઈશ્વરમાં આસ્થા અને પોતાના ઈષ્ટ ઉપર ભરોસો આ ભારતવર્ષના મૂળના ઊંડાણમાં રહેલા એવા આધારસ્તંભ છે, જેના કારણે હજારો વર્ષોથી આપણો દેશ અનેક મુશ્કેલીઓ સામે અડીખમ ઉભો રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે ને કે “વિશ્વાસે વહાણ તરે”, આ કહેવતને અનુરૂપ આપણી ભારત ભૂમિ પર મહામાનવો જીવન જીવી ગયા છે. નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ, તેમનો ભગવાન પર ભરોસો જ તેમને ઈશ્વર સુધી લઈ જવાની કેડી બન્યો. અને આ જ ભરોસો આજના સમયમાં પણ અકબંધ હોવાની પ્રતીતિ કરાવતી ઘટના તાજેતરમાં આપણે જોઈ, કે કેવી રીતે એક વૃદ્ધ ગૌભક્ત લમ્પી જેવા જીવલેણ રોગથી પોતાની ગાયોને બચાવવા તેમના ઈષ્ટ ભગવાન દ્વારિકાધીશ પર ભરોસો રાખે છે, અને ભરોસો સાર્થક થતા જ ગૌધણ સાથે છેક કચ્છથી દ્વારકા પગપાળા યાત્રા કરે છે. આ યાત્રા કરનારા મહાદેવજી દેસાઈએ ઑપઇન્ડિયા સાથે વિશેષ વાતચીત કરી હતી.

  અહીં એ ચોખવટ જરૂરી છે કે વાત શ્રદ્ધા-અંધશ્રદ્ધા કે કોઈના અનુકરણને વેગ આપવાની નથી. પરંતુ વાત જેમને ભયંકર રોગનું નામ પણ સરખું બોલતાં નથી આવડતું તેવા ગૌધણ સાથે છેક કચ્છથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરનારા મહાદેવજી દેસાઈની છે, જેમણે આજના વિજ્ઞાન અને આધુનિકતાના યુગમાં પણ કેવી રીતે સનાતન ધર્મમાં મજબૂત શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ રહે છે તેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  કચ્છ વાગડના રહેવાસી અને સામાજિક કાર્યકર મહાદેવસિંહ બારડ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે જે વડીલ ગૌધણ સાથે દ્વારકા દર્શને આવ્યા છે તેમનું નામ મહાદેવજી દેસાઈ છે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, “વાગડ એટલે મેરું, મરું અને મેરામણનો પ્રદેશ છે, જ્યાં રણમાં અનેક બેટ આવેલા છે, પણ તેમાં સહુથી વધુ અને ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતો બેટ હોય તો તે “મેળક બેટ છે” અને ગૌપ્રેમી મહાદેવજી દેસાઈ પણ આ મેળક બેટમાં આવેલા ધર્મધુણા વચ્ચે રહે છે.”

  - Advertisement -
  ગૌવંશ સાથે દ્વારકા યાત્રા કરનાર મહાદેવજી દેસાઈ (ફોટો મહાદેવસિંહ બારડ)

  ગૌભક્ત મહાદેવજી દેસાઈ મેળક બેટ રણના ભોમિયા

  મહાદેવસિંહ બારડે જણાવ્યું હતું કે, “મહાદેવજી દેસાઈ ધાર્મિક વ્યક્તિ છે અને છેલ્લાં 20 વર્ષથી મેળક બેટ ખાતે આવેલા ધાર્મિક સ્થળ વર્ણેશ્વર દાદાના મંદિર અને ગૌશાળામાં સેવા પૂજા કરી રહ્યા છે. આ ઉપરાંત મેળક બેટમાં આવતા યાત્રાળુઓની વ્યવસ્થા સંભાળે છે.” કચ્છના વેરાન રણ અને તેમણે પ્રત્યક્ષ અનુભવેલી ઘટનાનું વર્ણન બારડ કરતા કહે છે કે, “એકવાર ભીમાસરના યાત્રાળુઓ મુળી દર્શન કરવા જઈ રહ્યા હતા, દરમિયાન તેઓ રણમાં ભૂલા પડ્યા હતા, તે વખતે સ્થાનિક પ્રશાસન પણ તેમને શોધવામાં મુશ્કેલી અનુભવી રહ્યું હતું. જયારે મહાદેવજી દેસાઈને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે માત્ર એક વખત જ ફોનમાં વાત કરીને વેરાન રણમાં ભૂલા પડેલા યાત્રાળુઓના લોકેશનનો અંદાજો લગાવીને પોલીસ સાથે ત્યાં પહોંચ્યા હતા, અને યાત્રાળુઓને પરત લાવવામાં મદદ કરી હતી.”

  મહાદેવજી દેસાઈ દેશના પનોતા પુત્ર રણછોડજી પગીના પરિવારના સભ્ય

  બારડના જણાવ્યાં અનુસાર વેરાન રણના ભોમિયા હોવા પાછળનું કારણ તેમના કાકા રણછોડજી પગી છે. આ એજ રણછોડજી પગી છે જેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાની મદદ કરી હતી અને પોતાની કોઠાસૂઝથી દિશાની સચોટ માહિતી આપીને સેના માટે રણમાં યુદ્ધ સરળ કરી આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ નડાબેટ પોસ્ટનું નામ રણછોડજી પગીના નામે રાખવામાં આવ્યું છે. તાજેતરમાં આવેલી બોલીવુડ ફિલ્મ ભુજ-ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં રણછોડજી પગીનું પાત્ર સંજય દત્ત દ્વારા ભજવવામાં આવ્યું હતું.

  મહાદેવજી દેસાઈ સાથે અમારી ટીમે કરેલી ખાસ વાતચીત

  હાલ ગૌભક્ત મહાદેવજી દેસાઈ પોતાની ગાયો સાથે દ્વારકાથી પરત થઇ રહ્યા છે અને અડધી મજલ કાપી ચૂક્યા છે. દરમિયાન ઑપઈન્ડિયાએ તેમનો સંપર્ક કર્યો હતો. ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મૂળ સોઈ ગામના વાતની છે, તેમનું આખું નામ મહાદેવભાઈ કેશરા ભાઈ છે અને તેઓ રણછોડજી પગીના સગ્ગા ભત્રીજા છે. ગૌસેવાને લઈને તેઓ કહે છે, “છેલ્લાં 20 વર્ષથી ગૌસેવા કરું છું અને કચ્છના રણમાં આવેલા વર્ણેશ્વર દાદાના મંદિર અને ગૌશાળામાં સેવા-પૂજાની જવાબદારી નિભાવું છું. આ સિવાય રણમાં ભૂલા પડેલા મુસાફરોને શોધવામાં સહયોગી થાઉં છું.”

  મેળક બેટ વર્ણેશ્વર દાદાનું મંદિર (સાભાર મહાદેવજી દેસાઈ)

  તેમની આ અનોખી યાત્રા વિશે જણાવતા મહાદેવજી કહે છે કે, “જયારે આખા દેશમાં લમ્પી વાયરસે કાળો કેર વર્તાવ્યો હતો, ત્યારે અમારા ગૌશાળાની 100 જેટલી ગાયોને તેની અસર થવાની અમને ભીતિ હતી. ત્યારે મને અંતરમનમાં તેવો વિચાર આવ્યો કે ગૌશાળાની ગાયો જો આ મહામારીમાં બચી જાય, તો કચ્છના આ રણથી પોતાના ગૌધણ સાથે દેવભૂમિ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને ગાયોને ભગવાન દ્વારિકાધીશના દર્શન કરાવવાની બાધા (માનતા) રાખી હતી. વર્ણેશ્વર દાદાની કૃપા અને ભગવાન દ્વારિકાધીશની કૃપાથી ગૌશાળાની એક પણ ગાય કે વાછરડામાં આ રોગના કોઈ જ લક્ષણ ન દેખાતાં અમે માનતા પૂરી કરવા ગયા હતા.”

  આકરા રસ્તામાં પગપાળા યાત્રા (ફોટોસાભાર મહાદેવજી દેસાઈ)

  ઉલ્લેખનીય છે કે મેળક બેટથી દ્વારિકાનું અંતર લગભગ 468 કિલોમીટરથી પણ વધુ થાય છે. તેવામાં યાત્રા દરમિયાન રસ્તામાં આટલી બધી ગાયો સાથે મુસાફરી એક મોટો પડકાર હતો. જેના વિશે તેઓ જણાવે છે કે, “આમ તો આટલી ગાયો સાથે આટલી લાંબી પગપાળા મુસાફરી કરવી થોડી કઠિન હતી, પણ ભગવાન દ્વારિકાધીશ ઉપર ભરોસો મૂકીને બે-ચાર ગૌસેવકોને સાથે લઈને યાત્રા શરૂ કરી. રસ્તામાં ગૌધણને પૂરતા ઘાસચારા અને પીવાના પાણીની થોડી ચિંતા હતી. પણ રસ્તામાં આવતા નાનાં-નાનાં ગામડાંઓના લોકોએ ખુબ સહયોગ આપ્યો. જ્યાં પણ ખબર પડતી કે આવી રીતે એક ગૌધણ ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરવા નીકળ્યું છે ત્યાં ગાયોના નીણ અને પાણીની વ્યવસ્થા લોકોએ કરી આપી. અને તેમ કરતાં-કરતાં આ લાંબી સફર ક્યાં કપાઈ ગઈ ખબર જ ન પડી અને અમે દ્વારિકા આવી પહોંચ્યા.”

  દ્વારકા મંદિરમાં ગૌધણની ઐતિહાસિક પરિક્રમા

  અહીં ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે આ પહેલાં ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ઘટના નથી ઘટી જ્યાં એક સાથે આટલી માત્રામાં ગૌવંશ દ્વારિકાધીશના દર્શન માટે આટલો લાંબો સફર ખેડીને આવ્યાં હોય. દ્વારકા મંદિરમાં દર્શન કરવા સમયની અનુભૂતિ વિશે મહાદેવજી જણાવે છે કે,”દિવસે તો ઘણા શ્રદ્ધાળુઓ મંદિરમાં હોય, એટલે દિવસે દર્શન કરાવવા શક્ય નહોતા, જેથી સ્થાનિક પ્રશાસને રાત્રે દર્શન થઇ શકે તેવી વ્યવસ્થા કરાવી આપી હતી. પણ આ અનોખી યાત્રાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં રાત્રે પણ અનેક લોકો મંદિરમાં હાજર હતા અને આ દિવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો.”

  દ્વારકા મંદિરમાં ગૌધણ (ફોટોસાભાર મહાદેવજી દેસાઈ)

  મંદિર સંચાલકો વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “અમે ખાલી દર્શન કરવા ગયા હતા. પણ સ્થાનિક પ્ર્શાશને અને મંદિર સંચાલકોનો એટલો રાજીપો હતો કે તેમને તમામ ગાયોને મંદિરની પરિક્રમા કરાવવાનો ભાવ જાગ્યો, અને તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરી આપી. ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું છે કે એક સાથે આટલી સંખ્યામાં ગૌવંશોએ દ્વારકાના નિજમંદિરની પરિક્રમા કરી હોય.”

  દર્શન કર્યા બાદની અનુભૂતિ અલૌકિક: મહાદેવજી દેસાઈ

  દ્વારકા પહોંચ્યા બાદ મુસાફરીના થાક વિશે પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે, “જરા પણ થાક નથી. બસ સંતોષ છે, લોકોએ જે સહકાર આપ્યો અને જે રીતે ભગવાન દ્વારિકાધીશના દર્શન થયા તે અમારા માટે ક્યારેય ન ભૂલાય તેવી અનુભૂતિ છે. ભગવાન દ્વારિકાધીશે ગૌમાતાઓને હેમખેમ અહીં સુધી પહોંચાડી છે. અમે નિમિત માત્ર છીએ, અમારી એક પણ ગાય એ આખા રસ્તે જરા પણ મુશ્કેલી નથી વેઠી. અને આટલો લાંબો રસ્તો કપાઈ ગયો, તે ભગવાનની કૃપા જ કહેવાય. બે મિનીટ માટે જાણે ગૌધણ પણ શાંત થઇ ગઈ, જે અમારા માટે અલૌકિક હતું.

  તેમણે જણાવ્યું કે, હવે તેઓ પરત ફરી રહ્યા છે અને અડધે રસ્તે પહોંચ્યા છે. ચાર-પાંચ દિવસમાં તેઓ વતન પહોંચી જશે તેમ પણ ઉમેર્યું. ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ તેમને થાક લાગ્યો હોય તેમ લાગી રહ્યું ન હતું.

  વર્ષના 4 મહિના સંપર્ક વિહોણું થઇ જય છે મેળક બેટ

  મહાદેવજી સાથે વાત કર્યા બાદ અમે મેળક બેટ વિશે માહિતી મેળવતાં જાણવા મળ્યું કે, આ બેટ કચ્છના રાપર તાલુકાના આડેસરની બાજુમાં આવેલા નાના રણમાં વરણું ગામથી ૧૦ કિમી દૂર સિત્તેરથી દોઢસો મીટર ઊંચી પર્વતોની હારમાળા છે. આ હારમાળા 17 કિલોમીટર લાંબી છે અને પહોળાઈ ક્યાંક ત્રણ કિલોમીટર તો ક્યાંક અડધો કિલોમીટર છે. અહીંયા મેળકબેટમાં ઘૂડખર, શિયાળ, સુવર, તેમજ અન્ય અનેક પશુ પક્ષીઓનો વસવાટ છે. સૂકા રણની વચ્ચે પણ આ બેટ પર એક કૂવો આવેલો છે, જેમાં આજે પણ મીઠું પાણી ઉપલબ્ધ છે. મેળકબેટમાં વાગડના વીર પુરુષ વરણેશ્વર દાદાનું મંદિર આવેલું છે. લોક વાયકાઓ મુજબ ગૌવંશને બચાવવા માટે લદાયેલા યુદ્ધ વખતે આ જગ્યા ઉપર દાદાનું શરીર પડ્યું હતું, ત્યાંથી 10 કિમી દુર વરણું ગામ પાસે આવેલ જગ્યા જ્યાં દાદાનું મસ્તક પડ્યું હોવાની લોકવાયકાઓ ખૂબ પ્રચલિત છે. એવું પણ માનવામાં આવે છે કે ત્યાંથી મ્લેચ્છો સામે લડતાં-લડતાં દાદાનું શરીર મેળકબેટ સુધી આવ્યું અને આ જગ્યાએ દાદાનો દેહ પડ્યો હતો. મહાદેવજી દેસાઈ જ્યાં રહીને ગૌસેવા કરે છે તે આ જ જગ્યા છે.

  કચ્છના વેરાન રણમાં મેળક બેટ તીર્થધામ (ફોટો સાભાર : મહાદેવસિંહ બારડ)

  સ્થાનિક લોકો માટે આ જગ્યા ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ચોમાસાના 4 મહિના જયારે આ જગ્યા બેટમાં ફેરવાઈ જાય ત્યારે ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે લોકો ગૌશાળામાં ગાયો માટે લીલા અને સૂકા ચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સનાતન સંસ્કૃતિની આ આગવી ખાસિયત છે, જ્યાં એક અબોલ જીવ સાથે આટલું આત્મીયતાભર્યું વર્તન કરીને તેને મા જેવું સ્થાન આપવામાં આવે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં