Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત: 2 કોર્પોરેટરો હતા, બંનેએ રાજીનામાં ધરી દીધાં, હવે ભાજપમાં...

    ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત: 2 કોર્પોરેટરો હતા, બંનેએ રાજીનામાં ધરી દીધાં, હવે ભાજપમાં જોડાશે- ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કારણ 

    રાજીનામું આપનાર નેતા ગજેન્દ્રસિંહ વાઘેલાએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં રહીને વિકાસનાં કામો થઈ રહ્યાં ન હતાં અને સંકલનનો પણ અભાવ હતો

    - Advertisement -

    ગુજરાતમાં કોંગ્રેસના કપરા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ મોટા નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, બીજી તરફ અમુક લોકસભા બેઠકો પર હજુ ઉમેદવારો મળી રહ્યા નથી. આ બધાની વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકામાં માત્ર 2 કોંગ્રેસ કોર્પોરેટરો હતા, તેમણે પણ પાર્ટી છોડી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે રાજીનામું આપનાર બંને નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે પુષ્ટિ કરી હતી.

    ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જેમાં જણાવ્યું કે તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે અને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી પોતે મુક્ત થાય છે. 

    આ સિવાય અન્ય એક નેતા અંકિત બારોટે પણ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધર્યું છે. તેઓ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા હતા. બંને કોંગ્રેસ નેતાઓનાં રાજીનામાં બાદ હવે ગાંધીનગર મહાનગરપાલિકામાંકોંગ્રેસના એક પણ કોર્પોરેટર રહ્યા નથી.  

    - Advertisement -

    મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 44માંથી 41 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે બાકીની 3માંથી 2 પર કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. પરંતુ હવે કોંગ્રેસનું સંખ્યાબળ શૂન્ય થઈ જતાં માત્ર 1 જ કોર્પોરેટર વિપક્ષમાં રહેશે. જે આમ આદમી પાર્ટીના છે. 

    બંને કોંગ્રેસ કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું

    કોંગ્રેસમાં રહીને કામ થતાં ન હતાં: ગજેન્દ્રસિંહ વાઘેલા

    રાજીનામું આપનાર નેતા ગજેન્દ્રસિંહ વાઘેલાએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં રહીને વિકાસનાં કામો થઈ રહ્યાં ન હતાં અને સંકલનનો પણ અભાવ હતો. અમે રજૂઆતો પણ કરી હતી, પરંતુ પ્રતિસાદ ન મળ્યો. હવે જ્યારે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના 41 કોર્પોરેટરો છે તો તેમની સાથે સંકલન સાધીને વિસ્તારનાં કામો આગળ વધારીશું. 

    તેમણે જણાવ્યું કે, તેઓ શુક્રવારે (29 માર્ચ) ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. આગળ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે પ્રચાર કરશે અને અમિત શાહ 6થી 7 લાખની લીડથી જીતવા માટે જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

    નોંધવું જોઈએ કે લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની રહી છે. 2022ની ચૂંટણીમાં પાર્ટી કુલ 17 બેઠકો જીતી હતી, પરંતુ તેમાંથી હવે માત્ર 13 ધારાસભ્યો રહી ગયા છે. આ તમામ ચાર ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેઓ હવે ભાજપની ટીકીટ પર પેટાચૂંટણી લડશે. બીજી તરફ, લોકસભા ચૂંટણીમાં પણ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત હજુ બાકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં