લોકસભા મતગણતરી વચ્ચે ગુજરાત ભાજપે કમલમ્ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકરોને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની 25 બેઠકો પર મળેલી જીતનો ઉલ્લેખ કરીને ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે રાજકોટ ત્રાસદીને લઈને પાર્ટી કોઈ ઉજવણી નહીં કરે.
પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “રાજકોટમાં જે બનાવ બન્યો તેના દુઃખ સાથે આ લોકસભાનું જે રીઝલ્ટ આવ્યું છે તેને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બેઠક 2 વાર આવ્યા બાદ આ વખતે પણ જે મહેનત હતી, કાર્યકતાઓથી માંડીને લોકોમાં પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો તેને લઈને આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાની પ્રયત્ન કર્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશના કારણે એક સીટ ન મળી શકી. નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ફરી લોકસભા ઈલેકશન વધાવીને કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ. જે પણ કચાશ રહી છે, જે પણ તકલીફ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. શું સાથે મળીને ગુજરાતને વિકાસની ગતિ પર આગળ વધીશું.”
પોતાના સંબોધનમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે લોકસભાના ઈલેકશનની આખી પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થઇ તે બદલ ગુજરાતની જનતા, અધિકારીઓ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “આ અઢારમી લોકસભામાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો સંકલ્પ હતો પણ, કોઈ કચાશ રહી હશે કે પછી જાણ્યે અજાણ્યે કોઈ ભૂલ થઇ હશે. આ કારણે માત્ર 1 બેઠક માત્ર 31000 મતોથી ગુમાવી છે. જે કચાશ રહી ગઈ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. વડાપ્રધાન મોદીના વિકાસના એજન્ડા પર મત મળ્યા છે. અમને જે મદદ મળી તે બદલ કાર્યકર્તાઓ અને કેન્દ્રનો આભાર. સતત ત્રીજી વાર અમે આ બેઠકો જીત્યા છીએ તે બદલ ગુજરાતના તમામ લોકોનો આભાર.”
ઉલ્લેખનીય છે કે પોતાના સંબોધન દરમિયાન પાટીલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને એક સીટ ખોવાનું દુઃખ તો છે જ, સાથે 25 બેઠકો જીતવાનો હરખ પણ છે. સાથે જ તેમણે તેમ પણ જણાવ્યું કે રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનાને પગલે ભાજપ આ લોકસભા જીતની કોઈ ઉજવણી નહીં કરે. પાર્ટી કોઈ વિજય સરઘસ પણ નહીં કાઢે અને રાજકોટ દુર્ઘટનાના પીડિતોને મદદરૂપ થવાની વાત પણ કરી હતી.