ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલું જૂના પહાડિયા ગામ આખું વેચી દેવામાં આવ્યું છે. ગામમાં કૂલ 88 મકાન છે અને આશરે 50 વર્ષથી આ પરિવારો અહીં રહે છે. જે જગ્યા પર આ ગામ વસ્યું, તે જમીનના પૂર્વ માલિકે અંદાજે 50 વર્ષ પહેલા રૂપિયાથી આ જમીન ગ્રામજનોને વેચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ તેના વારસદારોએ આ જમીન બરોબર વેચીદેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
મળતી માહિતી અનુસાર ઘટના સરવે નંબર 142માં આવેલા જૂના પહાડિયા ગામની છે. આ ગામ વસ્યું તે પહેલા અહીં હાલના વારસદારોના વડવાએ 50 વર્ષ પહેલા ગ્રામજનોને પૈસા લઈને વેચી હતી. જેના નાણાકીય વ્યવહારોના દસ્તાવેજ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે તે જ પૂર્વ જમીન માલિકના વારસદારોએ જમીનના દસ્તાવેજ કરીને તેને બરોબર વેચી દીધી છે. ગ્રામજનોને જયારે ઘટનાની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. કારણકે આરોપીઓએ જમીનના વેચાણ દસ્તાવેજ પણ બનાવડાવી લીધા હતા.
આ મામલે ગ્રામજનોએ મામલતદાર અને સબ રજીસ્ટ્રાર, નાયબ કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ જૂના પહાડિયા દોડી આવ્યા હતા. દસ્તાવેજમાં જે જગ્યાને સપાટ જમીન દર્શાવવામાં આવી છે ત્યાં 50 વર્ષ જૂનું ગામ અને મકાનો જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહત્વની વાત તે છે કે આ સંયુક્ત મિલકતનો દસ્તાવેજ નોંધણી માટે કચેરીમાં રજૂ કરવામાં હતો જેમાં દસ્તાવેજ નોંધણી ફીનું ઈ-ચલણ, સ્ટેમ્પ, દસ્તાવેજમાં લખી આપનાર તથા લખાવી લેનાર પક્ષકારની સહીઓ, મિલકતના ફોટા, ગામ નમુના નંબર -7, મિલકત વેચાણે આપનાર તથા વેચાણે લેનારના ઓળખકાર્ડ તેમજ સાક્ષીઓના ઓળખકાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. લે-વેચના નિયમો અનુસાર દસ્તાવેજી કબુલાત તેમજ વિડીયો રેકોર્ડિંગની કાર્યવાહી કરીને નવા માલિકના નામે જમીનની નોંધણી પણ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે જમીન પર ગામ વસેલું છે અને 88 મકાનો હોવા છતાં ત્યાં સપાટ જમીન દર્શાવાઈ અને દસ્તાવેજીકરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઘટના સામે આવ્યા બાદ ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને સબ રજીસ્ટ્રાર વિશાલ ચૌધરીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં જમીન વેચનાર કાંતાબેન ભીખાજી ઝાલા, કોકિલાબેન ભીખાજી ઝાલા, વિનોદ ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, નેહાબેન જશુજી ઝાલા, જયેન્દ્ર જશુજી ઝાલા અને જમીન ખરીદનાર રાજકોટના રહેવાસી અલ્પેશ લાલજીભાઈ હીરપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.