સામી ચૂંટણીએ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ડૉન અબ્દુલ લતીફ વિશે તેમણે કહ્યું કે, તે ઘણો લોકપ્રિય હતો અને ગરીબોમાં દાન પણ બહુ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે, દર મહિને મુસલમાન છોકરા-છોકરીઓનું આર્ટિફિશિયલ એનકાઉન્ટર કરવામાં આવતું હતું.
શંકરસિંહ વાઘેલાએ આ વાત મીડિયા ચેનલ ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં કરી હતી. તેમણે કહ્યું કે, “તે (લતીફ) ઘણો લોકપ્રિય હતો. ગરીબોમાં બહુ દાન કરતો હતો. હું તો ક્યારેય મળ્યો નથી.” ત્યારબાદ પત્રકારે તેમને પૂછ્યું કે શું તેઓ ખરેખર માને છે કે લતીફ ગરીબોમાં દાન કરતો હતો? જેના જવાબમાં શંકરસિંહે કહ્યું કે, “બિલકુલ. સવાલ જ પેદા નથી થતો. એ બહુ લોકપ્રિય હતો.”
ત્યારબાદ પત્રકારે કહ્યું કે, તે ગેંગસ્ટર હતો, ડૉન હતો અને આરોપો લાગ્યા હતા. જેના જવાબમાં વાઘેલા કહેતા સંભળાય છે કે, “એ અલગ સવાલ છે. એ તો બધા પર હોય છે. ડૉન દિલનો નરમ હોય છે. ઋજુ હોય છે. દયાળુ હોય છે. તેણે લોકોની મદદ પણ બહુ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5-6 જગ્યાએ ઉભો રહ્યો અને બધે જ જીત્યો હતો.”
શંકરસિંહે ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે, “શોહરાબુદ્દીન અને બાકી બધા….દર મહિને મુસલમાન છોકરા-છોકરીઓને પકડીને લાવવાના અને આર્ટિફિશિયલ એન્કાઉન્ટર કરવાનું. આ નાટકમાં 20 થી 22 લોકો માર્યા ગયા.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાતમાં જનસભા કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવ્યા પહેલાં ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હતી અને સૌરાષ્ટ્રમાં ગુંડા-વિરોધી સમિતિઓ બનાવવી પડી હતી. સરહદ પરથી ઘૂસણખોરી થતી અને એકે-47 રાયફલો આવતી હતી. પરંતુ ભાજપ સરકારે સમગ્ર ગુજરાતમાંથી માફિયાઓ, દાદાઓ અને ગુંડાઓને સમાપ્ત કરવાનું કામ કર્યું. આજે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈ દાદા હોય તો ગામડામાં હનુમાન દાદા હોય તે સિવાય કોઈ નથી.
અબ્દુલ લતીફ અમદાવાદનો ડૉન અને ગેંગસ્ટર હતો. જે બુટલેગિંગ, સ્મગલિંગ, હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેણે દાઉદ ઇબ્રાહિમ સાથે પણ હાથ મિલાવ્યા હતા. 1995 માં તેની ધરપકડ થઇ હતી અને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.