ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરી કચ્છના કંડલા બંદર ખાતેથી આશરે 300 કિલો ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. DRI દ્વારા જપ્ત કરવામાં આવેલા પાંચ કન્ટેનરોમાંના એકમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, જપ્ત કરવામાં આવેલા અન્ય ચાર કન્ટેનરોમાં પણ ડ્રગ્સ હોવાની DRI ને આશંકા છે. અફઘાનિસ્તાનથી ઈરાન થઈને ગુજરાતના કંડલા બંદરે કન્ટેનર મારફતે ઉચ્ચ ગુણવત્તાના હેરોઇનની દાણચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
कंडला :
— Janak Dave (@dave_janak) April 21, 2022
गुजरात ATS के इनपुट पर DRI की बड़ी कारवाही।
2500 करोड़ के आसपास का ड्रग बरामद।
एक कंटेनर में से लगभग 300 किलो हेरोइन बरामद और भी ड्रग बाकी कंटेनर में होने की आशंका।
कंटेनर में छुपाकर अफ़ग़ानिस्तान ईरान रूट से लाया गया था ड्रग।
और भी बड़े खुलासे होने जा रहे है। https://t.co/aVsr9UfFeK pic.twitter.com/PwcqpiZNzu
ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં લગભગ 2,500 કરોડની કિંમતનું 300 કિલો હેરોઈન જપ્ત કરી લેવામાં આવ્યું હતું.
અહીં એ નોંધનીય છે કે ગુજરાતમાં DRI દ્વારા ડ્રગ્સ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ 13 ફેબ્રુઆરીના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય નૌકાદળના એક સંયુક્ત અભિયાનમાં ગુજરાતના દરિયાકાંઠેથી એક જહાજમાંથી 750 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
આ ઉપરાંત, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના મુંદ્રા બંદરેથી જહાજમાં આવેલા કન્ટેનરોમાંથી ત્રણ ટન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. દેશના કોઈ પણ ભાગમાં આટલા મોટા જથ્થામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું હોય તેવો એ પ્રથમ બનાવ હતો. આ ડ્રગ્સના જથ્થાની અંદાજિત કિંમત 20,900 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. આંધ્રપ્રદેશની એક કંપની દ્વારા ટેલકમ પાઉડર હોવાની બતાવી આટલી મોટી કિંમતનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. જોકે, મુંદ્રા બંદરે ડ્રગ્સ પહોંચે તે પહેલાં જ અધિકારીઓ સાબદા થઇ ગયા હતા અને જહાજમાંથી હજારો કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
તદુપરાંત, ત્યારબાદ પણ દ્વારકા અને તેની નજીકના વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડાયું હતું. નવેમ્બર મહિનામાં દ્વારકામાંથી 350 કરોડની કિંમતનું લગભગ 66 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે મામલે પણ હાલ તપાસ ચાલી રહી છે.