ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ પકડાવાનું સતત ચાલુ જ છે. આ જ ક્રમમાં અમદાવાદ શહેરમાંથી મોટી કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે મોઇન ઇકબાલ હુસૈન નામના એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. તે સોશિયલ મીડિયાની મદદથી 50થી પણ વધુ પેડલરોનું ગ્રુપ બનાવીને ડ્રગ્સનો ધંધો કરતો હતો. બીજી તરફ, રાજકોટમાંથી પણ સવા બે લાખના ડ્રગ્સ સાથે ચાર પકડાયા હતા.
અમદાવાદ એસઓજીએ કાર્યવાહી કરી અમદાવાદના નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસેના એક પાન પાર્લરમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 1.80 લાખ રૂપિયાની કિંમતનું કુલ 17.85 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
મેફેડ્રોનનો જથ્થો ૧૭ ગ્રામ ૮૫૦ મીલી ગ્રામ કિ.રૂ. ૧,૭૮,૫૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૮૬,૦૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.@dcpsog pic.twitter.com/nniRfNnohb
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 25, 2022
પોલીસને નવરંગપુરામાં કેટલાક લોકો એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત એવી પણ જાણકારી મળી હતી કે સ્વસ્તિક ચાર રસ્તા પાસે એક પાનની દુકાને એક યુવક એમડી ડ્રગ્સ લઈને વેચાણ માટે આવનાર છે. ત્યારબાદ એસઓજીની ટીમના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં શનિવારે સાંજના સમયે સ્થળ પર ગોઠવાઈ ગયા હતા.
દરમ્યાન, એક યુવક ત્યાં આવતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો અને નામ પૂછતાં પોતાનું નામ મોઇન ઇકબાલ હુસૈન ધલ્લાવાલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ડ્રગ્સ અને અન્ય મળી કુલ 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડી લીધો હતો અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તે મુંબઈથી ગુજરાત ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચીને યુવક-યુવતીઓને ડ્રગ્સના રવાડે ચડાવવાનું કામ કરતો હતો. આ ઉપરાંત, તે અમદાવાદના પણ કેટલાક પેડલરો પાસેથી ડ્રગ્સની ખરીદી કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેમાંથી એક ગોમતીપુરના મોહસીન બેલીમ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે.
આરોપી ડ્રગ્સના વેચાણ માટે કોડવર્ડની ભાષામાં વાતચીત કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. એટલે કે જો એક કે બે ગ્રામ એમડી ડ્રગ્સ જોઈતું હોય તો તે ‘એક કાપડ’, ‘દો કાપડ’ એવા શબ્દો વાપરતો હતો.
મોઇન ઇકબાલના પરિજનો મુંબઈમાં રહે છે. જેના કારણે તે મુંબઈ પણ આવતો-જતો રહે છે, જ્યાં તેને ડ્રગ્સની લત લાગી હતી. ત્યારબાદ તેણે ડ્રગ્સ ખરીદવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ખરીદવા માટે પૈસા ખૂટતાં વેચાણ પણ શરૂ કર્યું હતું. નશો કરવા માટે તે પેડલર બની ગયો હતો.
રાજકોટમાંથી સવા બે લાખનું ડ્રગ્સ પકડાયું
રાજકોટના ભગવતીપુરા વિસ્તારમાં પણ રાજકોટ એસઓજીની ટીમે કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સના સપ્લાયર સહિત ચાર ઈસમોની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી સવા 2 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમની ઓળખ ટીપુ સુલતાન રફીક શેખ, જાવેદ ખાન પઠાણ, ફારૂક પઠાણ અને આમિર ખાન તરીકે થઇ છે.
આરોપીઓમાંથી ટીપુ રાજકોટનો છે જ્યારે બાકીના ત્રણેય મધ્યપ્રદેશના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની ધરપકડ કરી, મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ આ સમગ્ર નેટવર્કને તોડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું કહેવાય છે.