Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત‘VIP જેવો શબ્દ ક્યાંય નથી, શ્રદ્ધાળુઓની માંગ બાદ વ્યવસ્થા ઉભી કરાઈ’: ડાકોર...

    ‘VIP જેવો શબ્દ ક્યાંય નથી, શ્રદ્ધાળુઓની માંગ બાદ વ્યવસ્થા ઉભી કરાઈ’: ડાકોર મંદિર ટ્રસ્ટના ચેરમેનની સ્પષ્ટતા, કહ્યું- પૈસા યાત્રાળુઓની સુવિધા માટે જ વપરાશે

    રણછોડરાયજીનું પવિત્ર યાત્રાધામ ગણાતું ડાકોર છેલ્લા 3 દિવસથી ઘણા વિવાદોમાં પડ્યું છે. મંદિરમાં દર્શનનો મુદ્દો ઘણું જોર પકડી રહ્યો છે. મંદિર કમિટીના આ નિર્ણયનો વિરોધ સોશિયલ મીડિયાથી લઈને મંદિરના પ્રાંગણ સુધી વિસ્તર્યો છે.

    - Advertisement -

    ઘણા સમયથી ડાકોર મંદિરનો વિવાદ ચાલી રહ્યો છે. ખાસ દર્શન માટે 500 રૂપિયાની ફીની વ્યવસ્થા કરવાના મંદિર કમિટીના નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે. આંદોલનની ચીમકીઓ આપી રહ્યા છે તો ઘણા લોકો મંદિર કમિટીના આ નિર્ણયનું સ્વાગત પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આ વિવાદ ઘણો ચગ્યો છે. આ વિવાદની વચ્ચે ડાકોર મંદિર ટ્રસ્ટના ચેરમેને અમદાવાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ડાકોર કમિટીના નિર્ણયમાં ક્યાંય પણ VIP શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી. અમુક લોકો દ્વારા આ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ દર્શનની એક ખાસ વ્યવસ્થા લોકોની માંગણીને ધ્યાને રાખીને કરાઈ હોવાનું અને તમામ પૈસા યાત્રાળુઓની વિશેષ સુવિધા માટે જ વાપરવાનું મંદિર ટ્રસ્ટના ચેરમેને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

    નિર્ણય મુદ્દે મંદિર ટ્રસ્ટના ચેરમેનની સ્પષ્ટતા

    ગુજરાતમાં ભગવાન રણછોડરાયજીનું પવિત્ર યાત્રાધામ ગણાતું ડાકોર છેલ્લા 3 દિવસથી ઘણા વિવાદોમાં પડ્યું છે. મંદિરમાં દર્શનનો મુદ્દો ઘણું જોર પકડી રહ્યો છે. મંદિર કમિટીના આ નિર્ણયનો વિરોધ સોશિયલ મીડિયાથી લઈને મંદિરના પ્રાંગણ સુધી વિસ્તર્યો છે. એવામાં મંદિર ટ્રસ્ટના ચેરમેન તરફથી સ્પષ્ટતા કરી મંદિર તરફના નિર્ણયનો ખુલાસો કરવામાં આવ્યો છે. મંદિર તરફથી પોતાનો પક્ષ રાખવા માટે ડાકોર મંદિર ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ દ્વારા આવા VIP દર્શનની ક્યારેય જાહેરાત કરાઈ નથી, કોઈ લેખિત પ્રેસનોટ પણ નથી અપાઈ આમ છતાં કેટલાક લોકોએ VIP શબ્દ જોડ્યો છે. આ એક દર્શનનો ભાગ છે.

    ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે ઘણા સમયથી કેટલાક શ્રદ્ધાળુઓની માંગણી હતી કે અશક્ત અને સિનિયર સિટીઝનોને ઠાકોરજીના યોગ્ય દર્શન થઈ શકતા નથી. આ માંગણીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આમાં VIP જેવું કંઈ નથી, કોઈપણ વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશ જ નથી. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેમણે પણ જાળીની બહારથી જ દર્શન કર્યા હતા. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ક્યાંય ભીડમાં કચડાઈ ન જાય તે માટે આ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

    - Advertisement -

    ક્યાંય VIP કલ્ચર નથી, પૈસા યાત્રાળુઓની સુવિધા માટે વપરાશે

    ડાકોર મંદિર ટ્રસ્ટના ચેરમેને ઝી24 કલાક સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, આ દર્શન દ્વારા રજીસ્ટ્રેશન કરીને દરેક આરતી પછી નક્કી કરેલા સમયમાં જાળીમાંથી ઠાકોરજીના દર્શન કરાશે. આમાં ક્યાંય VIP કલ્ચર છે જ નહીં. જે નાણાકીય આવક મંદિરને પ્રાપ્ત થશે તે યાત્રાળુઓની વિશેષ સુવિધામાં જ વપરાશે. સાથે જ ચેરમેને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મંદિરની એક એપ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ડાકોરમાં આવતા તમામ દર્શનાર્થીઓને કોઈપણ ભેદભાવ વગર દર્શન કરવાનો મોકો મળે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આવનાર સમયમાં વધુ એક અસરકારક પગલું લેવામાં આવશે અને ક્રમબદ્ધ દર્શન થઈ શકે તથા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પહોંચે એ પણ ધ્યાન રાખવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ઠાકોર સેના દ્વારા મંદિર કમિટીના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઠાકોર સેનાએ મંદિર કમિટીના આ નિર્ણય સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. જોકે, આ વિરોધ વચ્ચે જ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને ઠાકોર સેના વચ્ચે બેઠક થઈ હતી, જેમાં આંદોલન પૂનમ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે પૂનમ બાદ તેઓ આ અંગે ઠોસ નિર્ણય કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં