રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગૌહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, તો બીજી તરફ આ કેસના ગુનેગારો સામે ઝડપી ટ્રાયલ પૂર્ણ થાય અને સજા સુધી પહોંચે તે માટે ગુજરાત પોલીસ પણ સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ગૌહત્યાના કેસમાં ઝડપાયેલા એક ઇસમને કોર્ટે 7 વર્ષની આકરી સજા ફટકારતાં ખાટકીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, કોર્ટે તેને 1 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જ્યારે ધાનપુરમાં અન્ય એક ગૌહત્યાના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને ગુનેગાર ઠેરવીને 7-7 વર્ષની સજા ફટકારી છે.
દેવગઢ બારિયાના કેસની વાત કરવામાં આવે તો, વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનામાં પોલીસે અફઝલ હબીબ મિરઝા અને હુસૈન ઘાંચી નામના ઈસમોને ત્યાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બંને ઈસમો ગૌમાંસનો વેપલો કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસને તેમના કબજામાંથી 9 જેટલા જીવિત ગૌવંશ અને 50 કિલો જેટલું ગૌમાંસ તેમજ અન્ય અબોલ પશુ મળી આવ્યાં હતાં. પોલીસે તમામ જીવ સાથેનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
મળી આવેલા માંસનો જથ્થો તાત્કાલિક ધોરણે FSLમાં મોકલી આપવામાં આવતા તે ગૌમાંસ હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની કલમ 5(1)(K), 6 (A)(1), 6 (B)(1), 8(4) તેમજ પ્રાણી ક્રુરતા સંરક્ષણ અધિનિયમની 1960ની કલમ 11 (1)(A)(D) તેમજ IPCની કલમ 429, 114 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 119, 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કેસ એડિશનલ સેશન્સ કોર્ટ લીમખેડા ખાતે ચાલતો હતો.
ગત 29 ઑગસ્ટના રોજ કોર્ટે ચુકાદો સંભળાવતાં આરોપી અફઝલ હબીબને ગૌમાંસના વેચાણ બદલ 7 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે તેને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 6(ખ)(1)ના (ગૌમાંસનું વેચાણ અને સંગ્રહ) ભંગ બદલ કલમ 8(4) મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષી ઠેરવ્યો છે અને 7 વર્ષની સજા કરીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ કોર્ટે આદેશ આપ્યા હતા કે જો ગુનેગાર આર્થિક દંડ ન ભરે તો એક વર્ષની સજાનો વધારો કરી દેવામાં આવે.
7 years of jail to 5 people for sIaughtering cows in Gujarat.
— Mr Sinha (@MrSinha_) September 1, 2024
Well done @GujaratPolice 👏🏻 pic.twitter.com/fUuH4zPnK4
ધાનપુરમાં ગૌહત્યા બદલ ચારને સજા
બીજી તરફ આવો જ એક કિસ્સો ધાનપુરનના ચીમનકુવા ફળીયાથી સામે આવ્યો હતો. અહીં પણ પોલીસે ચાર આરોપીઓને ગૌમાંસ સાથે ઝડપી લીધા હતા અને તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમનો પણ કેસ ચાલી ગયો હતો. કોર્ટે તમામને 7-7 વર્ષની સખ્ત કેદની સજા અને એક લાખ રૂપિયાનો આર્થિક દંડ તેમજ જો દંડ ન ભરે તો એક વર્ષની સજા વધારવાના હુકમ આપ્યા હતા. આમ કોર્ટે ગૌહત્યા મામલે કુલ 5 લોકોને સાત-સાત વર્ષની આકરી સજા ફટકારી હતી.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
બીજી તરફ કોર્ટે ગૌહત્યાના કેસમાં આરોપીઓને સજા ફટકારતાંની સાથે જ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ગૌહત્યા એ માત્ર ફોજદારી ગુનો નથી, પરંતુ તે અમારી સર્વોચ્ચ આસ્થાની પણ વિરુદ્ધ છે. આવા જઘન્ય કૃત્યોને સહન નહીં કરવામાં આવે અને કાયદો તોડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા ત્રણ દિવસમાં ગૌહત્યાના ગુનેગારોને આકરી સજા આપવામાં આવી છે.”
"Slaughtering cows is not only a criminal offense, but it also goes against our supreme faith.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 1, 2024
We will not tolerate such heinous acts and will take strict action against those who break the law.
In just the past few days, we have secured three major convictions against brutal… https://t.co/Befjt0s7SX
આ પોસ્ટમાં તેમણે આગળ જણાવ્યું હતું કે, “હું વચન આપું છું કે અમે માત્ર આવા કૃત્યોની નિંદા જ નહીં કરીએ, પરંતુ એ પણ સુનિશ્ચિત કરીશું કે ગુનેગારોને કડકમાં-કડક સજા કરવામાં આવે, જેથી કરીને તેમનામાં આજીવન ડર રહે.”