Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતહવે માત્ર સિંહ જ નહીં, ગુજરાતમાં ચિત્તા પણ જોવા મળશે: કચ્છનાં બન્ની...

    હવે માત્ર સિંહ જ નહીં, ગુજરાતમાં ચિત્તા પણ જોવા મળશે: કચ્છનાં બન્ની ઘાસનાં મેદાનોમાં કરાશે સંરક્ષણ અને સંવર્ધન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

    રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના બન્ની ઘાસનાં મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મોકલવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

    - Advertisement -

    એશિયાઈ સિંહોનું ઘર ગુજરાત હવે ચિત્તા માટે પણ જાણીતું બનશે. કચ્છના ઘાસનાં મેદાનોમાં ચિત્તાઓનું સંરક્ષણ, સંવર્ધન અને બ્રિડીંગ સેન્ટર બનાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ચૂકી છે. જેનો સીધો અર્થ તે છે કે આગામી સમયમાં ગુજરાતમાં સિંહ સાથે-સાથે ચિત્તા જોવા પણ સહેલાણીઓ ઉમટશે. રાજ્ય સરકારે આ બાબતની પુષ્ટિ કરી છે.

    આ મામલે માહિતી આપતા વનમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, દેશમાં ચિત્તાને પુનઃસ્થાપિત કરવા માટે કરવામાં આવી રહેલા સંવર્ધન કાર્યને ગુજરાત સરકાર દ્વારા પણ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, “રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મોકલવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.” તેમના જણાવ્યા અનુસાર આ આખા પ્રોજેક્ટને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા મોનિટર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાઓનું અસ્તિત્વ હતું. કેટલાક કારણોસર ગુજરાતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા. તેવામાં ગુજરાત સરકાર દ્વારા બન્ની ગ્રાસલેન્ડમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવીને તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, જેને બાદમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે કેન્દ્ર દ્વારા મંજૂરી મળ્યા બાદ ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ચિતા જોવા મળશે અને એશિયાઈ સિંહ સાથે ચિત્તા પણ ગુજરાતને વિશ્વ કક્ષાએ નવી ઓળખ અપાવશે.

    - Advertisement -
    કચ્છના બન્નીના ઘાસના મેદાનો ચિત્તા માટે ઉત્તમ રહેણાંક

    ગુજરાતમાં ભૂતકાળમાં હતું ચિત્તાનું અસ્તિત્વ

    એવું નથી કે ગુજરાતમાં ચિત્તા પ્રથમવાર જોવા મળશે. કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ભૂતકાળમાં ચિત્તાનું અસ્તિત્વ હતું જ, કેટલાક રિપોર્ટ અનુસાર અહીં 50 ચિત્તા વસતા હતા અને બન્નીનાં મેદાનો ચિત્તા માટે શ્રેષ્ઠ જગ્યા છે. કચ્છના કાળા ડુંગર પર પણ ચિત્તાના અસ્તિત્વ હોવાની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વર્ષ 1894માં ભાવનગર જિલ્લામા શેંત્રુજી નદીના પટમાં છેલ્લી વાર ચિત્તો દેખાયો હતો. ઉપરાંત 1812માં અંગ્રેજ અધિકારી જેમ્સ ફોબ્ર્સે દક્ષિણ ગુજરાતમાંથી ચિત્તાનો શિકાર કર્યો હોવાની નોંધ પણ થયેલી છે.

    કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા: વિશેષજ્ઞોની દેખરેખમાં થઇ રહ્યું છે કામ

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને મધ્યપ્રદેશ સ્થિત કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ ભારત માટે પ્રથમ અંતર મહાદ્વીપીય ટ્રાન્સલોકેશનની પ્રક્રિયા હતી. ચિત્તાના સંરક્ષણ સાથે સાથે તેમની જનસંખ્યા વધારી શકાય તે માટે કુનો નેશનલ પાર્ક ખાતે પ્રોજેક્ટ ચિત્તા શરૂ કરવામાં આવ્યો છે. તેમને પ્રાકૃતિક ખજાનાના રૂપમાં જોવામાં આવે છે. ‘પ્રોજેક્ટ ચિત્તા’ની દેખરેખ કરવાવાળા લોકોમાં સરકારી અધિકારીઓ ઉપરાંત વૈજ્ઞાનિક, વન્યજીવ વૈજ્ઞાનિક અને પશુ ચિકિત્સકો પણ સામેલ છે. માત્ર ભારત જ નહીં, નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના વિશેષજ્ઞો પણ આ પ્રક્રિયામાં જોડાયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં