Wednesday, May 8, 2024
More
    હોમપેજગુજરાતતોફાનોમાં સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનાં ઘર પર ચાલશે બુલડોઝર, કાયદો લાવી રહી...

    તોફાનોમાં સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનાં ઘર પર ચાલશે બુલડોઝર, કાયદો લાવી રહી છે ગુજરાત સરકાર: રિપોર્ટ્સમાં દાવો- આગામી મહિને બિલ રજૂ કરાશે

    સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનાં ઘર પર બુલડોઝર ફેરવી નુકસાની વસૂલી શકે તેવા કાયદાના મોટાભાગના પ્રાવધાનો એમપી અને યુપીના કાયદા જેવા જ હશે.

    - Advertisement -

    હવે ગુજરાતમાં પણ તોફાનોમાં સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓના ઘર પર હવે બુલડોઝર ચલાવવામાં આવી શકે છે. આગામી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુજરાત સરકાર સાત મહત્વના બિલ અને બે મહત્વના રાજકીય ઠરાવો રજૂ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન ગુજરાત સરકાર આ નવો કાયદો લાવે તેવી શક્યતાઓ દર્શાવતા અહેવાલો સામે આવ્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોની મિલકતોને તોડી પાડવાનો કાયદો આગામી મહિનાના વિધાનસભા સત્રમાં પસાર કરે તેવી સંભાવનાઓ છે, આ મામલે TOIએ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ધારાસભ્યો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) દાખલ કરવા અને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને સમર્થન આપતા ઠરાવો રજૂ કરે તેવી પણ સંભાવનાઓ છે.

    મળતી માહિતી અનુસાર વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી સામાન્ય ચૂંટણી પહેલાનું અંતિમ પૂર્ણ સત્ર હોવાની સંભાવના છે. આ દરમિયાન કેટલાક અગત્યનાં બિલો વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને તેને લાગુ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. જેને લઈને અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે જેમ કેટલાક રાજ્યોમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાઓ છે અને નુકસાન પહોંચાડનાર તત્વો પાસેથી નુકસાનીની વસુલાત કરવાની જોગવાઈઓ છે, સાથે જ આ પ્રકારના તત્વોની સંપત્તિઓ તોડી પડવાની જોગવાઈઓ પણ છે. તે મુજબ ગુજરાત સરકારે પણ આ કાયદાઓનું અધ્યયન કરીને તેને રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે રાજ્ય સરકારે 2022માં પણ જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન કરનારા તોફાનીઓ અને અસામાજિક તત્વોને દંડવા માટે એક વિશેષ બિલ રજૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ ગત વર્ષના ચોમાસુ સત્રમાં સરકારે કોઈ કારણોસર તેને રજૂ નહોતું કર્યું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના સત્રમાં રજૂ કરવામાં આવનાર અન્ય બિલોમાં મેડિકલ યુનિવર્સિટી બિલ, કોમન યુનિવર્સિટી બિલ, પીડીઇયુના ડિરેક્ટરોની નિમણૂકનું પુનર્ગઠન કરવા માટેનું બિલ અને જીએસટી પરના બિલ સામેલ હશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખીય છે કે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનાં ઘર પર બુલડોઝર ફેરવી નુકસાની વસૂલી શકે તેવા કાયદાના મોટાભાગના પ્રાવધાનો એમપી અને યુપીના કાયદા જેવા જ હશે. ખાનગી અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનનું વળતર વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે. જેમની સંપત્તિને નુકસાન પહોંચ્યું હોય તેમણે નુકસાનના વળતર માટે દાવો કરવાનો રહેશે. તેમજ સંપત્તિના નુકસાનના વળતર કેસ મામલે ટ્રીબ્યુનલ અને સ્પેશિયલ કોર્ટ મામલાની સુનાવણી કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં