Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાત‘ઝાડ નીચે મૂર્તિ, ત્યારબાદ ઓટલો અને પછી...’: મંદિરના ડિમોલિશન વિરુદ્ધ દાખલ અરજી...

    ‘ઝાડ નીચે મૂર્તિ, ત્યારબાદ ઓટલો અને પછી…’: મંદિરના ડિમોલિશન વિરુદ્ધ દાખલ અરજી પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું- સરકારી જમીન પર અતિક્રમણ માટે મંદિરોનું નિર્માણ પણ એક રસ્તો

    વર્ષ 1984માં આ સોસાયટીની જગ્યાને રહેણાંક વિસ્તાર બનાવવા માટે ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ અહીં પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં અહીં 137 જેટલાં મકાન આવેલાં છે. સોસાયટીના સભ્યોએ ભેગા મળીને સોસાયટીની વચ્ચે એક મંદિર બનાવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મંદિરના ડિમોલિશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ભારતમાં મંદિર બાંધવાં એ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરવાનો અન્ય એક માર્ગ પણ છે. અમદાવાદના એક વિસ્તારમાં સોસાયટીના રહીશો દ્વારા બનાવવામાં આવેલા મંદિરને હટાવવા મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી.

    વિવાદ અમદાવાદના ચાંદલોડિયા ખાતે આવેલી એક સોસાયટીનો છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આ સોસાયટીમાં વચ્ચે બનાવવામાં આવેલા મંદિર સહિત કેટલોક ભાગ કપાતમાં જતાં અહીં રહેતા 93 મકાનમાલિકોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરીને મંદિરના ડિમોલિશન પર રોક લગાવવાની માંગ કરી હતી. સિંગલ જજ બેન્ચે આ અરજી ફગાવી દેતાં પછીથી ડિવિઝન બેન્ચ સમક્ષ મામલો પહોંચ્યો હતો. હાલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી છે. જે દરમિયાન જ આ ટિપ્પણી કરવામાં આવી હતી.

    કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, “અમારે કહેવું જોઈએ કે તમે આ રીતે બધાને ઈમોશનલ બ્લેકમેલ કરો છો. તમે જાહેર સંપત્તિ પર અતિક્રમણ કર્યું છે….અને આ બધે જ થઈ રહ્યું છે. કોર્ટે આગળ કહ્યું કે, જે જમીન પર મંદિર બાંધવામાં આવ્યું છે તે અરજદારની માલિકીની નથી. ચીફ જસ્ટિસે કહ્યું, “મંદિર હટાવવામાં આવશે તેમ કહીને તમે મુદ્દાને ભાવનાત્મક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છો.” 

    - Advertisement -

    કોર્ટે આગળ એવી પણ ટિપ્પણી કરી કે ઘરોને મંદિરમાં તબદીલ કરીને ગેરકાયદેસર બાંધકામો બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. CJએ કહ્યું, “તમે ઘરમાં અમુક સાઇન લગાવી દો છો અને મંદિર બનાવી દેવાય છે. આ લેન્ડ ગ્રેબિંગનો જ એક રસ્તો છે. ભારતમાં લેન્ડ ગ્રેબિંગ આ રીતે પણ થાય છે અને આપણે જોયું છે. મેં જોયું છે કે લોકો પહેલાં ઝાડ નીચે મૂર્તિ મૂકે છે, પછી ઓટલો બનાવાય છે અને પછી ધીમે-ધીમે….આ ગેરવ્યાજબી માંગણી (મંદિરનું ડિમોલિશન અટકાવવાની) છે.” સુનાવણી દરમિયાન કોર્ટ તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે, દેવતાને અન્યત્ર ખસેડી શકાય એમ છે.  

    1984માં બની છે સોસાયટી, સભ્યોએ સાથે મળીને બનાવ્યું હતું મંદિર

    સોસાયટીના રહેવાસીઓના કહેવા અનુસાર વર્ષ 1984માં આ સોસાયટીની જગ્યાને રહેણાંક વિસ્તાર બનાવવા માટે ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ અહીં પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં અહીં 137 જેટલાં મકાન આવેલાં છે. સોસાયટીના સભ્યોએ ભેગા મળીને સોસાયટીની વચ્ચે એક મંદિર બનાવ્યું હતું. સાથે જ આસપાસની જગ્યા તેઓ ધાર્મિક અને સામાજિક પ્રસંગોપાત વાપરતા હતા. આ જગ્યાએ ટાઉન પ્લાનિંગ સ્કિમને વર્ષ 2017માં પરવાનગી આપવામાં આવી હતી, જેના કારણે અહીં એએમસીને રોડ બનાવવાની ફરજ પડી હતી.

    હવે જો અહીં રોડ બનાવવામાં આવે તો 1984માં બનાવવામાં આવેલી આ સોસાયટીના કેટલાંક મકાન અને વચ્ચે બનવવામાં આવેલું હિંદુ મંદિર તોડવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પોતાના મકાન અને મંદિર કપાતમાં જશે તેની નોટિસ મળતાંની સાથે જ રહેવાસીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને રજૂઆત કરી હતી. AMC તરફથી રહેવાસીઓની ફરિયાદ ધ્યાને ન લેવાતાં તેઓ નોટિસ સામે સ્ટે મેળવવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં સિંગલ જજની બેન્ચ સમક્ષ સોસાયટીના રહેવાસીઓએ અરજી કરી હતી કે આ મંદિર સાથે અનેક લોકોની ભાવનાત્મક લાગણીઓ અને આસ્થા જોડાયેલી છે, જેથી તેને તોડવામાં ન આવે. અહીંથી અરજી ફગાવાતાં મામલો ડિવિઝન બેન્ચ સમક્ષ પહોંચ્યો હતો. જોકે, અહીં AMCએ આશ્વાસન આપ્યું હતું કે મકાનોને તોડાશે નહીં પરંતુ એવી પણ દલીલ કરી હતી કે વાત માત્ર જાહેર રસ્તા માટે ગેરકાયદેસર બાંધકામ તોડવાની છે.

    હાલ હાઈકોર્ટે કોઇ આદેશ પસાર કર્યો નથી અને ડિમોલિશન પર જે વચગાળાનો સ્ટે મૂકવામાં આવ્યો હતો તેને યથાવત રાખવામાં આવ્યો છે. મામલાની વધુ સુનાવણી આગામી 14 માર્ચે થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં