આગામી લોકસભા ચૂંટણીઓને હવે વધુ દૂર નથી, તેવામાં ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ઈલેકશન મોડમાં આવી ગઈ હોય તેમ લાગે છે. ગુજરાત ભાજપ પણ તેમાંથી બાકાત નથી લાગી રહ્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે છે. જોકે બન્નેના કાર્યક્રમોની રૂપરેખા અલગ-અલગ છે. જેપી નડ્ડા દ્વારા ગુજરાતની 26 લોકસભા સીટોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ અને JP નડ્ડા બે અલગ અલગ કાર્યક્રમમાં હાજર હતા.
મળતી માહિતી અનુસાર આગમી માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ ભાજપ પણ ઈલેકશન મોડમાં આવી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ગુજરાતની 26 લોકસભા સીટોના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ થલતેજ ખાતે યોજાયો હતો. વર્ચ્યુઅલ રીતે કરવામાં આવેલા આ ઉદ્ઘાટનમાં ભાજપના અનેક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીના વરદ્હસ્તે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના અમદાવાદ ખાતેના લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિતિ. https://t.co/6h9FtLwu2X
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 23, 2024
કાર્યક્રમ દરમિયાન નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધ્યા પણ હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી વિશ્વના લાડીલા નેતા તો છે જ, તેઓ દેશના નેતા તો છે જ, પણ સહુથી મોટી વાત તે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેમના નેતૃત્વમાં જયારે આપણે 2024ની ચૂંટણીઓ તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું કહેવા માંગીશ કે ગુજરાતના કાર્યકર્તાઓને ગર્વ થવો જોઈએ કે, કારણકે ગુજરાતમાં ભાજપના સંગઠનના મંત્ર-તંત્રને વિકસિત કરવામાં ગુજરાતની અગત્યની ભૂમિકા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “સંગઠનની તમામ બાબતો આપણે વડાપ્રધાન મોદી પાસેથી શીખી છે. તેમણે રાજનીતિની સંસ્કૃતિ બદલી નાખી છે. અત્યાર સુધી કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ જાતીના આધારે રાજનીતિ કરી છે. ભાગલાનીતિ સાથે રાજનીતિ કરી છે. પરંતુ જ્યારથી નરેન્દ્ર ભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશની રાજનીતિ બદલાઈ ગઈ છે અને હવે હવેથી એ જ વ્યક્તિ રાજકારણમાં આવી શકશે, જે કામના આધારે રિપોર્ટ કાર્ડ લઈને જનતા સામે ઉભો રહેવા સક્ષમ હશે.”
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી પણ આજે (23 જાન્યુઆરી 2023) ગુજરાતના પ્રવાસે છે. તેમણે સવારે 11 વાગ્યે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત સંમેલનમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ગાંધીનગર ખાતે આજથી શરૂ થતા NFSUના આ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમિત શાહ સાથે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા.
Forensic science plays a crucial role in providing justice. Addressing the 5th International Forensic Science Conference at Gandhinagar, Gujarat.
— Amit Shah (@AmitShah) January 23, 2024
https://t.co/Wo5XBl2vxK
ગાંધીનગરના આ કાર્યક્રમમાં અમિત શાહે પણ હાજર મહાનુભાવોને સંબોધન આપ્યું હતું. ફોરેન્સિક સાયન્સમાં થવાવાળી પ્રગતીને લઈને તેમણે કહ્યું હતું કે, “કોઈ પણ ગુનામાં ફોરેન્સિક ઓફિસરની વિઝીટ અનિવાર્ય કરવી હોય તો તેના માટે હ્યુમન રિસોર્સ જોઈએ. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે પાંચ વર્ષ બાદ આ દેશને દર વર્ષે 9 હજારથી વધુ સાયન્ટીફીક ઓફિસર અને ફોરેન્સિક સાયન્સના એક્સપર્ટ મળી શકે તેની વ્યવસ્થા અમે પહેલેથી કરી રાખી છે. ” અમિત શાહ અને JP નડ્ડા ગુજરાત આવ્યા તેને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.