Friday, May 17, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે સમગ્ર ગુજરાત ભાવવિભોર: સુરતથી 31000 કિલો ઘી તો...

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે સમગ્ર ગુજરાત ભાવવિભોર: સુરતથી 31000 કિલો ઘી તો વડોદરાથી 1100 કિલોનો દીવો મોકલી રહ્યા છે રામભક્તો

    આ પહેલાં વડોદરામાંથી જ ગોપાલક સમાજના આગેવાનો દ્વારા રામ મદિર માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી હતી

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક પ્રસંગ સંપૂર્ણ દેશ માટે ઉત્સવ સમાન બની રહ્યો છે. દેશ-વિદેશમાં વસતા કરોડો ભાવિક ભક્તો પોતાના આરાધ્યદેવને મંદિરમાં વિરાજમાન થતા જોવા માટે ઉત્સુક છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આહ્વાન કરતા કહ્યું છે, કે પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ સુધી દેશમાં દિવાળી જેવો માહોલ હોવો જોઈએ. ત્યારે દેશના ખૂણે ખૂણેથી રામભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે ભાવ પ્રગટ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી રામભક્તો અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે.

    ગુજરાતના સુરત શહેરના રામભક્તો દ્વારા રામ મંદિર ખાતે થવા જઈ રહેલા મહાયજ્ઞ માટે 31 હજાર 500 કિલો ‘ઘી’ અયોધ્યા મોકલવામાં આવશે. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં થવા જઈ રહેલા 1008 કુંડી હનુમાન મહાયજ્ઞમાં આ ઘીનો ઉપયોગ થશે. સુરતના 200 જેટલા વેપારીઓએ ભેગા મળીને આ કાર્યમાં ભાગ લીધો છે. જેમાં રાજસ્થાનથી સુરતમાં વસેલા કાપડના વેપારીઓનો પણ વિશેષ ફાળો છે.

    આ ઉપરાંત વડોદરા શહેરમાંથી પણ એક રામભક્તે અનોખી રામભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા અરવિંદભાઈ પટેલે રામ મંદિર માટે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવ્યો છે. અંદાજે 9.15 ફૂટ ઉંચાઈ ધરાવતા દીવાને તેઓ અયોધ્યા મોકલાવશે. મકરપુરા જીઆઈડીસી સ્થિત એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં આ દીવો તૈયાર કર્યો છે. હાલ આ દીવો વડોદરામાં જુના ચકલી સર્કલ પર લોકોના દર્શન માટે મુકવામાં આવેલા છે.

    - Advertisement -

    આ પહેલાં વડોદરામાંથી જ ગોપાલક સમાજના આગેવાનો દ્વારા રામ મદિર માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી હતી. 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તી બનાવવામાં રામભક્તોએ શુદ્ધ ઘી, હવન સામગ્રી, 280 કિલો તલ, ગુગળ, ગાયનું છાણ વગેરેનો ઉપયોગ કર્યો હતો. અગરબત્તીનું વજન અંદાજે 3500 કિલો જેટલું છે. જેને હવે એક ટ્રેલરમાં સુરક્ષિત રીતે અયોધ્યા લઈ જવામાં આવી રહી છે.  

    ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં તૈયાર થઇ રહેલા મંદિરના મુખ્ય ધ્વજદંડનું કાર્ય ગુજરાતમાં જ થઇ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ નામની કંપનીમાં મુખ્ય દંડ સાથે બીજા 7 ધ્વજદંડો પણ તૈયાર થઇ રહ્યા છે. જેમાંથી મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને અને ઉંચાઈ 44 ફૂટ જેટલી છે. જયારે બીજા દંડો 700 કિલો અને 20 ફૂટ સુધીની ઉંચાઈ વાળા છે. મંદિરના મુખ્ય ધ્વજદંડને શુદ્ધ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. જેમાં અંદાજે 15 હજાર કિલો પિત્તળનો ઉપયોગ થવાનો છે.

    આમ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે સમગ્ર ગુજરાતના રામભક્તો ભાવવિભોર થઈ ગયા છે. દરેક ભક્ત પોતાનાથી બનતો ફાળો અવનવી રીતે અયોધ્યા મોકલવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં