Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાળા વાવટા ફરકાવાયા, ‘ગો બેક’ના નારા લાગ્યા, લોકોએ ગણાવ્યા હિંદુવિરોધી: વડોદરામાં લોકોનો...

    કાળા વાવટા ફરકાવાયા, ‘ગો બેક’ના નારા લાગ્યા, લોકોએ ગણાવ્યા હિંદુવિરોધી: વડોદરામાં લોકોનો આક્રોશ જોઈ કેજરીવાલ રોડ શૉ અધૂરો છોડીને ભાગ્યા

    વડોદરામાં રોડ શૉ કરવા ગયેલા અરવિંદ કેજરીવાલનો ઉગ્ર વિરોધ, સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા.

    - Advertisement -

    વડોદરામાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભારે વિરોધ થયો હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ કેજરીવાલના રોડ શૉમાં લોકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા તો ‘મોદી..મોદી’ના નારા પણ સાંભળવા મળ્યા હતા. અહેવાલો એમ પણ જણાવી રહ્યા છે કે વિરોધ બાદ કેજરીવાલે રોડ શૉ અધૂરો મૂકીને જતું રહેવું પડ્યું હતું. 

    વડોદરામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના રોડ શૉ દરમિયાન ખંડેરાવ માર્કેટ પાસે સ્થાનિકોએ એકઠા થઈને કાળા વાવટા ફરકાવ્યા હતા અને ‘કેજરીવાલ ગો બેક’ના નારા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ચાલુ રોડ શૉએ લોકોએ ‘મોદી…મોદી’ના પણ નારા લગાવ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, કેજરીવાલનો રોડ શૉ દોઢ કિલોમીટર સુધી કરવાનું આયોજન હતું પરંતુ શરૂ થયાના અડધા કિલોમીટરમાં જ વિરોધ થતાં રોડ શૉ અધૂરો મૂકવો પડ્યો હતો અને એક મહિના પહેલાં અમદાવાદમાં ભર બજારમાં પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરીને પોતાને સુરક્ષા નથી જોઈતી તેમ કહેનાર કેજરીવાલ પોલીસ સુરક્ષા વચ્ચે રોડ શૉમાંથી નીકળી ગયા હતા. 

    - Advertisement -

    કેજરીવાલના વિરોધ માટે સ્થાનિક મહિલાઓ સહિતના નાગરિકો એકઠા થયા હતા અને નારા લગાવી, કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. એક મહિલાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, તેમને વડોદરાના લોકોનો મિજાજ તેમને ખબર પડી ગયો એટલે અંધારામાં આવ્યા અને અંધારામાં જ ગાડીમાં બેસીને ભાગી ગયા. અમે કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો છે. તેઓ દેશદ્રોહી છે, માફી માંગવી જોઈએ. વડોદરાની જનતા આને સખ્ત વખોડે છે. 

    અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “ગઈકાલે તેમના મંત્રીએ 10 હજારની જનમેદનીને હિંદુ દેવી-દેવતાઓને પૂજવા નહીં તેવી શપથ લેવડાવી હતી. તેઓ કહે છે કે હું ચુસ્ત હિંદુવાદી છું તો તેમણે કેમ પોતાના મંત્રી સામે પગલાં ન લીધાં?” 

    અન્ય એક સ્થાનિકે કહ્યું કે, “કેજરીવાલ હિંદુવિરોધી માનસિકતા ધરાવે છે. એટલે આજે અહીંના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા અને તેમનો પુરજોર વિરોધ કર્યો છે અને આગામી સમયમાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.” કેજરીવાલે ભાષણમાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા તે અંગે તેમણે કહ્યું કે, “ગઈકાલની ઘટના પર પડદો નાંખવા માટે કેજરીવાલે આ કર્યું છે, પરંતુ જનતા ભરમાશે નહીં અને ક્યારેય સાંખી નહીં લે.”

    ભારે વિરોધ બાદ બેકફૂટ પર આવી ગયેલા અરવિંદ કેજરીવાલે રોડ શૉમાં પોતાને ‘કટ્ટર ધાર્મિક’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ભગવાન અમારી સાથે છે.” સાથે તેમણે ભાષણમાં ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા. જોકે, કેજરીવાલનું આ ડેમેજ કંટ્રોલ બહુ કામ આવ્યું ન હતું અને લોકોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. 

    ‘આપ’ કાર્યકરને પાર્ટીના જ માણસોએ માર્યો 

    રોડ શૉમાં આમ આદમી પાર્ટીના જ એક કાર્યકરને તેની જ પાર્ટીના કાર્યકરોએ માર માર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. જાણવા મળ્યું છે કે, તે આણંદથી રોડ શૉમાં ભાગ લેવા માટે આવ્યો હતો અને ચેન બનાવીને ઉભો હતો. દરમ્યાન ધક્કામુક્કી થઇ એમાં ગેરસમજના કારણે આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ તેને માર માર્યો હતો. જોકે, બાજુમાં લઇ જઈને પૂછવામાં આવ્યું ત્યારે ભાંડો ફૂટ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં