Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક જ પેટર્ન, એક જેવા જ સંવાદો: પંજાબનું પ્રચાર મોડેલ કેજરીવાલ ગુજરાતમાં...

    એક જ પેટર્ન, એક જેવા જ સંવાદો: પંજાબનું પ્રચાર મોડેલ કેજરીવાલ ગુજરાતમાં અપનાવશે? છેવટે આ પણ કાર્યકર જ નીકળશે?

    અગાઉ પંજાબમાં કેજરીવાલ આ જ રીતે એક ઓટોરીક્ષા ડ્રાઈવરના ઘરે જમવા માટે ગયા હતા. જોકે, પછીથી તે પાર્ટી કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું.

    - Advertisement -

    જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટી ચર્ચામાં રહેવા માટે અને લોકો વચ્ચે જવા માટે નવા નવા પેંતરા અપનાવી રહી છે. જોકે, આ માટે પાર્ટીએ જૂની જ પેટર્ન અમલમાં મૂકી છે, જે તેઓ પંજાબ વિધાનસભા ચૂંટણી વખતે ઉપયોગમાં લઇ ચૂક્યા હતા. જ્યાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને એક ઓટૉ રિક્ષાચાલક તરફથી ઘરે જમવા આવવાનું આમંત્રણ મળ્યું હતું.  

    આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હમણાં ફરી ગુજરાત આવ્યા છે. ગઈકાલે અમદાવાદ આવ્યા બાદ આજે તેમણે એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં એક રિક્ષાચાલકે તેમને પોતાના ઘરે જમવા આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. 

    આમ આદમી પાર્ટીએ આ વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યો છે. જેમાં એક યુવક હાથમાં માઈક પકડીને કહે છે કે, તે કેજરીવાલનો મોટો ફેન છે. તેણે કહ્યું કે, તેણે એક વિડીયો જોયો હતો જેમાં કેજરીવાલ પંજાબમાં એક ઓટોરિક્ષા ડ્રાઈવરના ઘરે જમવા માટે ગયા હતા. ત્યારબાદ તેણે કેજરીવાલને પૂછ્યું હતું કે શું તેઓ તેના ઘરે પણ જમવા માટે જશે? 

    - Advertisement -

    ત્યારબાદ કેજરીવાલે આમંત્રણ સ્વીકારતાં કહ્યું કે, “જરૂર આવીશું. પંજાબના ઓટોવાળા પણ પ્રેમ કરે છે, ગુજરાતના ઓટોવાળા પણ પ્રેમ કરે છે. જે બાદ કેજરીવાલ કહે છે કે તેઓ આજે સાંજે આવશે. તેમજ રિક્ષાચાલક યુવકને કહે છે કે તે આઠ વાગ્યે તેમને હોટેલ પર તેની રીક્ષામાં લેવા આવે. એમ પણ કહે છે કે તેઓ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીને પણ સાથે લઈને જશે.

    આમ આદમી પાર્ટી ભલે આ સમગ્ર વાર્તાલાપને અનન્ય અને વિશિષ્ટ બતાવીને રજૂ કરી રહી હોય પરંતુ જેમણે પંજાબ વિધાનસભા ચૂંટણી અગાઉનું રાજકારણ નજીકથી જોયું હશે તેમના માટે આ દેજા વુ મોમેન્ટ જેવું છે. કારણ કે, આવી જ પેટર્ન કેજરીવાલ પંજાબમાં અમલમાં મૂકી ચૂક્યા છે. અહીં સુધી કે સંવાદ પણ સરખા હતા અને પદ્ધતિ પણ સરખી જ હતી.

    પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રચાર દરમિયાન કેજરીવાલ પંજાબ ગયા હતા ત્યારે તેમણે આ જ રીતે એક ઓટોરિક્ષા ડ્રાઈવરના ઘરે ભોજન કર્યું હતું. ત્યારે પણ આ જ રીતે એક કાર્યક્રમમાં સંવાદ થયો હતો અને ત્યારે પણ કેજરીવાલ ઓટો રિક્ષામાં બેસીને ગયા હતા અને સાથે બે નેતાઓને પણ લઇ ગયા હતા. 

    22 નવેમ્બર 2021ના રોજ પંજાબના લુધિયાણામાં એક કાર્યક્રમ દરમિયાન એક ઓટોરિક્ષા ચાલકે કેજરીવાલના વખાણ કરીને તેમને ઘરે જમવા આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે પણ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાત્રે આવશે. ત્યારબાદ રીક્ષાચાલાક કહે છે કે, તે તેમને તેની ઓટોમાં જ લઇ જવા માગે છે. ત્યારબાદ કેજરીવાલ કહે છે કે, તેઓ ભગવંત માન અને હરપાલ સિંઘ ચીમાને પણ લઇ આવશે. જે બાદ તેઓ ત્રણેય સાંજે તે વ્યક્તિના ઘરે જમવા માટે ગયા હતા. 

    જોકે, પછીથી બહાર આવ્યું હતું કે કેજરીવાલને ઘરે જમવા આવવા માટેનું આમંત્રણ આપનાર રિક્ષાચાલક આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો. તેના ભાઈએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અને પાર્ટીના કાર્યક્રમોમાં પણ જતો હતો. આ જ પેટર્ન અપનાવી ગુજરાતમાં પણ કેજરીવાલને રિક્ષાચાલક તરફથી આમંત્રણ મળતાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ પણ કાર્યકર જ નીકળે તો નવાઈ નહીં.

    પંજાબમાં આવાં તરકટ કર્યા બાદ જીત મળી જતાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં પણ પીઆર સ્ટન્ટ કરવાના ચાલુ કરી દીધા છે. જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં કશું જ છૂપું રહેતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં