Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદનો ઓટોચાલક દિલ્હીનો જમાઈ નીકળ્યો, પરિવાર ભાજપનો આકંઠ સમર્થક: કેજરીવાલના ડિનરનું રહસ્ય...

  અમદાવાદનો ઓટોચાલક દિલ્હીનો જમાઈ નીકળ્યો, પરિવાર ભાજપનો આકંઠ સમર્થક: કેજરીવાલના ડિનરનું રહસ્ય વધુ ઘેરું બન્યું

  કેજરીવાલે જે રિક્ષાચાલકના ઘરે ભોજન કર્યું તેનાં લગ્ન દિલ્હી થયાં હોવાનું ખુલ્યું, પરિવાર પણ ભાજપનો જ સમર્થક.

  - Advertisement -

  સામી ચૂંટણીએ દર દસ-બાર દિવસે આંટાફેરા કરતા રહેતા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હમણાં ગુજરાતમાં બહુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમને એક રિક્ષાચાલકે ઘરે જમવા આવવાનું ‘આમંત્રણ’ આપ્યા બાદ કેજરીવાલ અન્ય સ્થાનિક નેતાઓ સાથે તેના ઘરે પહોંચ્યા હતા. આ ક્રમમાં હવે રિક્ષાચાલક વિક્રમ દંતાણીનું દિલ્હી કનેક્શન સામે આવ્યું છે. 

  કેજરીવાલ જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે રાત્રિભોજન માટે ગયા હતા, તે ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. અહીં નોંધવું જોઈએ કે ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે. જ્યારે લોકસભા બેઠકના સાંસદ ગૃહમંત્રી અમિત શાહ છે. દંતાણીનો પરિવાર છેલ્લાં લગભગ 35 વર્ષથી અહીં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. 

  ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, વિક્રમ દંતાણીનાં લગ્ન 25 વર્ષીય નિશા સાથે થયાં હતાં, અને તેમને સંતાનોમાં એક પુત્રી છે. વિક્રમની પત્ની નિશા દિલ્હીની નિવાસી છે. રિપોર્ટ અનુસાર, નિશા પશ્ચિમ દિલ્હીના ટાગોર ગાર્ડન વિસ્તારમાં રઘુબીર નગરની રહેવાસી છે. ભોજન પૂરું કર્યા બાદ કેજરીવાલે મીડિયાને એમ પણ કહ્યું હતું કે, તેમણે દંતાણી પરિવારને તેમના દિલ્હી સ્થિત ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.

  - Advertisement -

  રિપોર્ટ અનુસાર, દંતાણી પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જ મત આપતો આવ્યો છે. જોકે, દંતાણીએ દાવો કર્યો હતો કે કોરોનાના સમયમાં સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવી ન હતી. તેની માતાએ દાવો કરતાં કહ્યું હતું કે, તેમના એક બેડરૂમના ઘરનું લાઈટ બિલ 1000 થી 2000 રૂપિયા વચ્ચે આવે છે. 

  જોકે, વિક્રમ દંતાણીને જ્યારે આવનારી ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું કે તે કોને મતદાન કરશે ત્યારે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેણે કહ્યું કે, હજુ તેણે નક્કી કર્યું નથી અને સરકાર જો તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવશે તેવી તેમને આશા છે. 

  દંતાણીએ કહ્યું કે, “સમસ્યાઓ છે, પણ જોઈએ કે સરકાર શું વાયદા કરે છે. જો તેઓ અમારા જેવા ઓટો ડ્રાઈવરો માટે સારી યોજનાઓ અને લાભો લઈને આવે તો આશા જાગશે. અમારો આખો વિસ્તાર ભાજપને મત આપતો આવ્યો છે. જોકે, આ વર્ષે કોને મત આપવો તે નક્કી કર્યું નથી. યુનિયનના ઓટોચાલકો પણ હજુ આ બાબતે સ્પષ્ટ નથી. અમે યુનિયનની મિટિંગ કરીશું, જ્યાં નક્કી કરવામાં આવશે.”

  જોકે, કેજરીવાલના રાત્રિભોજન બાદ આ અંગે સવાલો ઉઠવાના શરૂ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીના જ એક નેતાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, કેજરીવાલનું ઓટો ચાલકના ઘરે ડિનર પહેલેથી નક્કી હતું અને ઘાટલોડિયા વિસ્તાર એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તે મુખ્યમંત્રીનો મતવિસ્તાર છે. 

  અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં વાતચીત પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દંતાણી પરિવારને પહેલેથી જ ઓળખતા હોય શકે. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં