Monday, June 17, 2024
More
    હોમપેજક્રાઈમ‘હુસૈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી બનાવીને તરછોડી’: કચ્છની યુવતીની...

    ‘હુસૈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી બનાવીને તરછોડી’: કચ્છની યુવતીની ફરિયાદ- ઈસ્લામ અપનાવવા દબાણ કરતો, પુત્રને નમાજ પઢતાં શીખવ્યું

    પીડિતાનો આરોપ છે કે હુસૈન તેના પુત્રને નમાજ પઢતાં પણ શીખવતો હતો અને જ્યારે બાળક ના પાડતો ત્યારે તેની સાથે મારપીટ કરતો હતો. ત્યારબાદ તેની સાથે પણ ઝઘડા ચાલુ કર્યા અને મારપીટ કરતો હતો.

    - Advertisement -

    કચ્છના અંજારની શિખ યુવતીએ જામનગરના એક મુસ્લિમ યુવક પર લગ્નની લાલચ આપીને ફસાવ્યા બાદ શારીરિક સંબંધો બાંધીને ગર્ભવતી બનાવીને તરછોડી દેવાનો અને શારીરિક-માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. સાથે પીડિત યુવતીને ઈસ્લામ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ મામલે અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીની ઓળખ હુસૈન બલોચ તરીકે થઈ છે.

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે તેના એક પરિચિત મુસ્લિમ દંપતીએ તેનો આરોપી યુવક સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ તેણે લગ્નની લાલચ આપતાં તે તેના 10 વર્ષીય પુત્રને લઈને રહેવા પણ ચાલી ગઇ હતી, પણ ત્યાં તેને ત્રાસ આપવામાં આવ્યો અને ગર્ભવતી થતાં એક નહીં પણ બબ્બે વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે આપવીતી કહે છે. 

    મામલાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પંજાબના હોશિયારપુરની પીડિત યુવતી હાલ અંજાર રહે છે. અગાઉ તેનાં લગ્ન થયાં હતાં, પણ પતિ સાથે કોઇ વાતે અણબનાવ થતાં છૂટાછેડા થઈ ગયા હતા. સંતાનોમાં તેને એક 10 વર્ષીય પુત્ર છે. જેની સાથે તે એકલી રહેતી હતી. તેનો ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને મકાનો બનાવીને લે-વેચ કરે છે. આ મકાનોને ભાડે આપવાનું કામ તે કરતી હતી. 

    - Advertisement -

    જૂન 2021માં તેના ભાઈના એક મકાનમાં સમીર નામનો મુસ્લિમ યુવક અને તેની પત્ની રહેવા માટે આવ્યાં હતાં. જેમની પાસે તે અવારનવાર ભાડું લેવા માટે જતી હતી. ફરિયાદ છે કે અહીં સમીર અને તેની પત્ની તેને મુસ્લિમ સમુદાયમાં નિકાહ કરવા માટે દબાણ કરતા રહેતા હતા, પણ તેણે તૈયારી દર્શાવી ન હતી. પરંતુ સપ્ટેમ્બર, 2021માં સમીરે તેને ફોન કરીને ઘરે બોલાવી હતી અને કહ્યું કે મૂળ જામનગરનો તેનો (સમીર) માસીનો દીકરો હુસૈન તેને મળવા માંગે છે. યુવતીનું કહેવું છે કે તેણે પહેલાં ના પાડી હતી, પણ પછીથી સમીરના દબાણને વશ થઈને મળવા માટે પહોંચી ગઈ હતી. 

    પીડિતાએ કહ્યું કે, સમીરના ઘરે તેને હુસૈન સાથે લગ્ન કરી લેવા માટે જણાવવામાં આવ્યું, પણ યુવક મુસ્લિમ હોઈ બંનેના ધર્મ અલગ હોવાના કારણે તેણે ના પાડી દીધી હતી અને ત્યાંથી પરત આવી ગઈ હતી. પરંતુ થોડા દિવસ બાદ હુસૈને તેને ફોન કર્યો અને વાતચીત કરવાની શરૂઆત કરી હતી. હુસૈને તેને પ્રેમસંબંધ માટે પૂછ્યું હતું, પણ તેણે ના પાડી દીધી. યુવતીનો આરોપ છે કે હુસૈને તેને ફોટા પણ મોકલ્યા હતા અને ત્યારબાદ પણ અવારનવાર ફોન કરીને પોતે લગ્ન કરવા માંગે છે તેમ કહેતો રહેતો હતો. 

    ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, હુસૈનના દબાણને તાબે થઇને પીડિત નવેમ્બર, 2021માં જામનગર પહોંચી હતી અને આરોપીના ઘરે જઈને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અહીં તે રાત પણ રોકાઇ હતી અને આરોપ લગાવ્યો છે કે તેણે મનાઈ કરી હોવા છતાં હુસૈને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 

    ઈસ્લામ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું, પુત્રને પણ નમાજ શીખવતો હુસૈન 

    બે દિવસ રોકાયા બાદ પીડિતા ઘરે પરત આવી અને હુસૈન સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ પરિજનોએ ના પાડી દીધી હતી અને જો તેમ કરે તો સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની પણ વાત કહી હતી. પરિવારે ના પાડતાં તે પુત્રને લઈને હુસૈનના ઘરે પહોંચી ગઈ હતી. પણ ત્યાં જઈને લગ્નની વાત કરતાં હુસૈને તેને કહ્યું કે તે શિખ છે અને પોતે મુસ્લિમ છે, જેથી જ્યાં સુધી યુવતી ધર્મ ન બદલે અને મુસ્લિમ ન બને ત્યાં સુધી નિકાહ ન થઈ શકે. પણ યુવતીએ ધર્મ બદલવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. દરમ્યાન તેઓ ત્રણેય (પુત્ર સાથે) જામનગરમાં જ અન્ય એક ભાડાના મકાનમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં. પણ ત્યાં પણ હુસૈને તેને ઈસ્લામ અપનાવવા માટે દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    પીડિતાનો આરોપ છે કે હુસૈન તેના પુત્રને નમાજ પઢતાં પણ શીખવતો હતો અને જ્યારે બાળક ના પાડતો ત્યારે તેની સાથે મારપીટ કરતો હતો. ત્યારબાદ તેની સાથે પણ ઝઘડા ચાલુ કર્યા અને મારપીટ કરતો હતો. દરમ્યાન, હુસૈનનો બાપ અકબર પણ તેમની સાથે રહેવા માટે આવવાનો હોઈ તેમણે નવું મકાન શોધ્યું અને ત્યાં રહેવા ચાલ્યા ગયાં હતાં. 

    ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવી દીધો 

    ફરિયાદમાં પીડિત યુવતીએ જણાવ્યું છે કે, દરમ્યાન જ્યારે તે ગર્ભવતી થઈ તો હુસૈનને તેણે જાણ કરી હતી. પણ તેણે તેને ગર્ભપાતની દવા પીવડાવી દીધી હતી. ત્યારબાદ તે વધુ એક વખત ગર્ભવતી બની ત્યારે ફરીથી આનાકાની કરવા છતાં હુસૈને ગર્ભપાતની દવા પીવડાવી દીધી હતી. પરંતુ ઑક્ટોબર, 2022માં તે ફરી ગર્ભવતી થઈ. ત્યારે હુસૈન, તેનો ભાઈ ફિરોઝ અને તેની પત્ની તેને હૉસ્પિટલ લઇ ગયાં અને ત્યાં ગર્ભપાતની વાત કરી હતી, પણ યુવતીએ ના પાડતાં ફરી ઘરે લઇ આવ્યાં હતાં. 

    ફરિયાદમાં યુવતીએ હુસૈનના બાપ અકબર પણ છેડતીનો આરોપ લગાવ્યો છે અને હુસૈન પર પણ મારપીટ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે તે લગ્નની વાત કરતી ત્યારે હુસૈન તેને પહેલાં ગર્ભપાત કરાવવા માટે કહેતો અને મારપીટ કરતો. જેથી ત્રાસીને માર્ચ, 2023માં તે ઘરે આવી ગઈ હતી અને હુસૈનને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી તે ફરી તેની સાથે રહેવા પહોંચી ગયો હતો. 

    દરમ્યાન, જુલાઈ 2023માં પીડિતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેણે ફરીથી લગ્નની વાત કરતાં હુસૈને ફરીથી ‘તું મારી વાત માની ન હતી અને ગર્ભપાત નહતો કરાવ્યો’ કહીને છોડીને ચાલ્યો ગયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે હુસૈનના પરિજનોને પણ વાત કરી પણ તેમણે પણ આડાઅવળા જવાબો આપ્યા હતા. આખરે ગત 9 મેના રોજ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. 

    વિડીયો બાઇટમાં તેણે જણાવ્યું છે કે હુસૈનના પરિજનો તેની સાથે મારપીટ કરતા હતા અને ત્રાસ આપતા હતા અને પોલીસ ફરિયાદ કરવા પર મારી નાખવાની પણ ધમકી આપી હતી. તેમણે તેના પૈસા પણ પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેના 9થી 10 લાખ રૂપિયા આંચકી લીધા હતા. ઉપરાંત, હુસૈને અન્ય પણ હિંદુ યુવતીઓને ફસાવી હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો છે. 

    અંજાર પોલીસે નોંધ્યો કેસ, LCB કરી રહી છે તપાસ 

    પીડિતાની ફરિયાદના આધારે અંજાર પોલીસે IPCની કલમ 376(2)(n), 328, 354, 323 અને 114 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 83 હેઠળ કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં હુસૈન, સમીર, સમીરની પત્ની, હુસૈનનો ભાઈ ફિરોઝ, તેની પત્ની અને હુસૈનનો બાપ અકબર સામેલ છે. 

    જાણવા મળ્યા અનુસાર, મામલો સામે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંજ્ઞાન લીધું છે અને કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને ટ્રાન્સફર કરી દીધો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં