Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસી ધારાસભ્યે હુમલો થયો હોવાનો દાવો કર્યા બાદ સમર્થકોએ મચાવ્યું હતું તોફાન,...

    કોંગ્રેસી ધારાસભ્યે હુમલો થયો હોવાનો દાવો કર્યા બાદ સમર્થકોએ મચાવ્યું હતું તોફાન, હવે દાખલ થયો ગુનો: એકસાથે ત્રણ ફરિયાદ નોંધાઈ

    ખેરગામ પોલીસ મથકે ધારાસભ્ય અનંત પટેલ અને તેમના સમર્થકોના ટોળા સામે એકસાથે ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે તેમની ઉપર હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્યના સમર્થકોએ મોટી સંખ્યામાં ચીખલીના ખેરગામમાં એકઠા થઈને તોફાન મચાવ્યું હતું અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાન પણ સળગાવી મૂકી હતી. હવે ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    ખેરગામ પોલીસ મથકે ધારાસભ્ય અનંત પટેલ અને તેમના સમર્થકોના ટોળા સામે એકસાથે ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરનાં પત્ની સુમિત્રાબેન આહિરે ધારાસભ્ય અનંત પટેલ અને તેમના ટોળાએ દુકાનમાં આગ લગાવીને નુકસાન કર્યા બદલની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

    આગ લાગ્યા બાદ ચીખલીથી ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યાં હતાં, જેને પણ ઉશ્કેરાયેલા ટોળાએ નુકસાન કર્યું હતું અને ફાયર બ્રિગેડના માણસો સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું. જે મામલે પણ એક ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ટોળાએ સરકારી ગાડી અને પોલીસ ઉપર પણ હુમલો કરી, ગાડીને નુકસાન પહોંચાડી પોલીસને પણ પથ્થર માર્યા હોઈ ત્રીજી ફરિયાદ ખેરગામના પીએસઆઈએ કરી છે. આ તમામ ફરિયાદોની તપાસ ડીવાયએસપી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત 8 ઓક્ટોબર 2022 (શનિવાર)ના રોજ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ ચીખલીના ખેરગામમાં ગયા હતા ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આરોપ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર અને તેમના સમર્થકો પર લગાવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યે સોશિયલ મીડિયા થકી પોતાના સમર્થકોને ખેરગામ ખાતે બોલાવી લીધા હતા અને મોડી રાત્રિ સુધી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. 

    આ દરમિયાન, ઉશ્કેરાયેલા ધારાસભ્યોના સમર્થકોના ટોળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇની દુકાનમાં આગ લગાડી દીધી હતી તેમજ વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત, પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીને પણ નુકસાન પહોંચાડાયું હતું. જોકે, પોલીસે કોઈ લાઠીચાર્જ કે બળપ્રયોગ કર્યો ન હતો. 

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યના આ દાવાને ખોટો ગણાવીને કહ્યું હતું કે, તેઓ સહાનુભૂતિ મેળવવા માટે નાટક કરી રહ્યા છે અને કોઈ હુમલો થયો નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એમ પણ કહ્યું હતું કે, અનંત પટેલ આદિવાસીઓને ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને કોઈ મુદ્દો નથી એટલે આવાં નાટક કરી રહ્યા છે.

    બીજી તરફ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ માટે પોતાના રાજ્યની સંપત્તિ આ પ્રકારે સળગાવવી કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. તેમણે જે અરજી કરી છે એ અરજી પર સંપૂર્ણ તપાસ થશે. જે પ્રકારે સામાન્ય નાગરિકોને બાનમાં લેવાના પ્રયત્નો કર્યા, ફાયર બ્રિગેડના બમ્બાને નુકસાન પહોંચાડ્યું, રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ વિષયમાં પણ તપાસ જરૂરથી થશે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં