લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને ગુજરાતના રાજકારણમાં થતી હલચલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ટ્રાબ્લશુટર ગણાતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. બુધવારે (17 એપ્રિલ) તેઓ ગુજરાત આવ્યા હતા. 18 એપ્રિલના રોજ તેઓ એક રોડ શો કરશે અને 19મીએ ગાંધીનગરમાં ફોર્મ ભરશે.
અમિત શાહ સીધા અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત BJP અધ્યક્ષ સી. આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠકને લઈને કોઇ સત્તાવાર જાણકારી બહાર આવી નથી, પરંતુ સંભવતઃ ગુજરાતના વર્તમાન રાજકારણને લઈને અને લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓને લઈને ચર્ચા થઈ હોય શકે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને મહત્વની બેઠક; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર #Gujarat #BJP #LokSabhaElections2024 #BreakingNews pic.twitter.com/aL4M2J0o1Y
— Zee 24 Kalak (@Zee24Kalak) April 17, 2024
નોંધવું જોઈએ કે હાલ રાજ્યમાં ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે. જોકે, 19 તારીખ સુધી આપેલા અલ્ટીમેટમના કારણે અને આંતરિક વિખવાદોના કારણે આંદોલન ટાઢું પડી ગયું છે, પરંતુ શક્યતા છે કે 19મી પછી ફરી જીવંત થાય. આ વચ્ચે CM, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓ સાથે એક બેઠક કરી ચૂક્યા છે, પરંતુ તે અનિર્ણિત રહી હતી. આ સ્થિતિમાં ગૃહમંત્રી સાથેની બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ હોય એવું બની શકે.
બીજી તરફ, અમિત શાહના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો તેઓ સવારે સાણંદમાં એક રોડ શો કરશે. ત્યારબાદ કલોલમાં અને બપોર પછી સાબરમતી ખાતે રોડ શો યોજશે. 4:30 વાગ્યે ઘાટલોડિયા અને ત્યારબાદ 5:30 વાગ્યે નારણપુરામાં તેમજ 6:30 વાગ્યે વેજલપુરમાં રોડ શો કરશે. તમામ રોડ શો પૂર્ણ થયા બાદ મોડી સાંજે તેઓ વેજલપુરની વોર્ડ ઑફિસ ખાતે એક જનસભા સંબોધશે. તેમની લોકસભામાં આવતી તમામ વિધાનસભાઓમાં રોડ શો યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
19 એપ્રિલના રોજ ગૃહમંત્રી ગાંધીનગર ખાતે જઈને વિજયમુહૂર્તમાં ઉમેદવારીપત્ર દાખલ કરશે. તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને 2019માં પણ શાહ અહીંથી જંગી બહુમતીથી જીત્યા હતા. આ વખતે પણ પાર્ટીએ તેમને જ ટીકીટ આપી છે. તેમની સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે.