Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે અક્ષય કુમાર-માનુષી છિલ્લર સોમનાથ મહાદેવના દર્શને, સોમેશ્વર...

    ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે અક્ષય કુમાર-માનુષી છિલ્લર સોમનાથ મહાદેવના દર્શને, સોમેશ્વર મહાપૂજન કર્યું; ગઈકાલે વારાણસી ગયા હતા

    હમણાં હમણાં બૉલીવુડ હિન્દુ મંદિરો તરફ વળ્યું છે.

    - Advertisement -

    એક તરફ પોતાની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સિનેમાઘરોમાં આવી રહી છે ત્યાં બીજી તરફ અભિનેતા અક્ષય કુમારે મંદિરોમાં ફરવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે વારાણસી ગયા બાદ આજે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર ગુજરાત આવ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. માનુષી ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. 

    અભિનેતાઓએ સોમનાથ મહાદેવ મંદિરે સોમેશ્વર મહાપૂજન કર્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અક્ષય કુમાર અને માનુષી છિલ્લરે મંદિરની સામે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પણ પુષ્પ અર્પણ કર્યા હતા. 

    ગઈકાલે અક્ષય કુમાર ઉપરાંત, આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરી રહેલી અભિનેત્રી માનુષી છિલ્લર તેમજ ફિલ્મના ડાયરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી વારાણસી પહોંચ્યા હતા અને જ્યાં તેમણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા. 

    - Advertisement -

    ગઈકાલે વારાણસીમાં અક્ષય કુમારે ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને મા ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. સોશિયલ મીડિયા ઉપર અક્ષય કુમારે એક તસ્વીર પણ શૅર કરી હતી, જેમાં તેઓ હાથમાં પૂજાની થાળી લઈને આરતી કરતા જોવા મળે છે. કેપ્શનમાં ‘હર હર મહાદેવ’ લખીને તેમણે આ તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 

    સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવી રહ્યા છે. પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણના જીવનના બે પાસાંને વણી લેવામાં આવ્યા છે. જેમાં એક તરફ મોહમ્મ્દ ઘોરી સાથેના યુદ્ધમાં તેમની વીરતા અને બીજી તરફ સંયોગિતા સાથેની પ્રેમ કહાની પણ બતાવવામાં આવશે.

    મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લરે આ ફિલ્મમાં સંયોગિતાનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, સાક્ષી તંવર, આશુતોષ રાણા અને સોનુ સૂદ જેવા અભિનેતાઓ પણ જોવા મળશે. ફિલ્મ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી તેમજ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ આગામી 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. 

    આ પહેલાં ફિલ્મનું ટાઇટલ ‘પૃથ્વીરાજ’ રાખવામાં આવ્યું હતું પરંતુ આ નામ અપમાનજનક હોવાનું કહીને શ્રી રાજપૂત કરણી સેનાએ વાંધો ઉઠાવ્યા બાદ શુક્રવારે (27 મે 2022) ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના નવા નામની ઘોષણા કરી હતી અને ફિલ્મનું નામ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવાની જાહેરાત કરી હતી. કરણી સેનાએએ ફિલ્મના ટાઇટલને લઈને એક PIL પણ દાખલ કરી હતી. જે બાદ નિર્માતાઓએ આ નિર્ણય લીધો હતો. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયાં’ના અભિનેતા કાર્તિક આર્યને પણ વારણસી જઈને બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. ઉપરાંત તેણે ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. કાર્તિકે કહ્યું હતું કે, તેણે ફિલ્મ હિટ જાય તે માટે મન્નત માંગી હતી અને તે પૂર્ણ થવા પર અહીં દર્શન માટે આવ્યો છે.

    જોકે, ફિલ્મ રિલીઝ થવા ટાણે મંદિરોમાં જતા અભિનેતાઓ પ્રત્યે ઇન્ટરનેટ યુઝરો  નારાજ જણાઈ રહ્યા છે. અક્ષય કુમારની પોસ્ટ નીચે ઘણી કૉમેન્ટ જોવા મળી હતી જેમાં તેમની ઉપર હિંદુઓને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં