Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતગુજરાતના રામભક્તો માટે આનંદો, અમદાવાદ-અયોધ્યા ફ્લાઇટ શરૂ: 'જય શ્રીરામ'ના જયઘોષ સાથે રવાના...

  ગુજરાતના રામભક્તો માટે આનંદો, અમદાવાદ-અયોધ્યા ફ્લાઇટ શરૂ: ‘જય શ્રીરામ’ના જયઘોષ સાથે રવાના થઈ પહેલી ફ્લાઇટ

  અયોધ્યા માટે રવાના થયેલી પ્રથમ ફ્લાઈટ માટે અમદાવાદ એરપોર્ટ ઑથોરિટી દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અહીં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશમાં પણ કેટલાક લોકો હાજર હતા. એવિએશન કંપની ઈન્ડિગોએ પ્રથમ ઉડાન પહેલાં કેક કાપીને યાત્રીઓનું મોં મીઠું કરાવ્યું હતું.

  - Advertisement -

  આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતના રામભક્તો પણ આરાધ્યની નગરી પહોંચવા થનગની રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા ફ્લાઈટ ગુરૂવારથી (11 જાન્યુઆરી 2024) શરૂ કરી દેવામાં આવતાં ગુજરાતીઓમાં આનંદ છવાયો છે. ઈન્ડિગો દ્વારા અમદાવાદ-અયોધ્યા ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે ‘જય શ્રીરામ’ના જયઘોષ વચ્ચે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી હતી.

  એરલાઇન્સ કંપની ઈન્ડિગો દ્વારા અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જે સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ફ્લાઇટ મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસ ચાલશે. અમદાવાદ એરપોર્ટથી સવારે 9:10 વાગ્યે ઉડાન ભરશે, જે અયોધ્યા 11 વાગ્યે પહોંચશે. જ્યાંથી 11:30 વાગ્યે ઉપડીને બપોરે 1:40 વાગ્યે પરત અમદાવાદ ફરશે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે તેઓ અન્ય શહેરો સાથે અયોધ્યાને જોડતી ફ્લાઇટ પણ આવનાર દિવસોમાં શરૂ કરવા જઈ રહ્યા છે.

  મળતી માહિતી અનુસાર અયોધ્યા માટે રવાના થયેલી પ્રથમ ફ્લાઈટ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આઈ હતી. અહીં ભગવાન રામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશમાં પણ કેટલાક લોકો હાજર હતા. એવિએશન કંપની ઈન્ડિગોએ પ્રથમ ઉડાન પહેલાં કેક કાપીને યાત્રીઓનું મોં મીઠું કરાવ્યું હતું. બીજી તરફ અયોધ્યા જનાર પ્રથમ ફ્લાઈટમાં બેસનાર યાત્રીઓ પણ ઉત્સાહમાં હતા અને ‘જય શ્રીરામ’ના જયઘોષ કર્યા હતા.

  - Advertisement -

  UPના મુખ્યમંત્રી યોગી તેમજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કર્યું ફ્લેગઓફ

  શરૂ થયેલી આ ફ્લાઈટને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ બંને નેતાઓએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ફ્લાઈટને ફ્લેગઓફ કર્યું હતું. આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અને અયોધ્યાના મહારધિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં રામ ભક્તોને અયોધ્યા પહોંચાડી દે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદથી અયોધ્યા તરફ પ્રથમ ફ્લાઈટ રવાના થઈ તેમાં ગુજરાતના 150 રામભક્તો સવાર હતા. આ યાત્રીઓમાં સામાન્ય ભક્તો ઉપરાંત કેટલાક સંતોએ પણ અયોધ્યા તરફ હર્ષભેર ઉડાન ભરી હતી. આ તમામે જય શ્રીરામના નારા સાથે પ્રથમ ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ સીધી અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર ઉતરાણ કરશે.

  નોંધવું જોઈએ કે ગત 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા સ્થિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સિવાય વડાપ્રધાને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ બંને મથકો અયોધ્યાના રામમંદિરના બાંધકામ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યાં છે. આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. 21મી સદીના સૌથી ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં