Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતજેના અઢળક નેતાઓ દારૂનિતિ કૌભાંડમાં આરોપી, એ જ AAP હવે ગિફ્ટ સિટીમાં...

    જેના અઢળક નેતાઓ દારૂનિતિ કૌભાંડમાં આરોપી, એ જ AAP હવે ગિફ્ટ સિટીમાં મળેલી લીકર પરમિશન વિરુદ્ધ આંદોલન કરશે: રેશ્મા પટેલની ચીમકી

    વિડીયોમાં રેશમા પટેલ તેવો પણ દાવો કરી રહ્યા છે કે ગુજરાતના રોડ-રસ્તાઓ કે પછી ઘરમાં પણ બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે, "ગુજરાતમાં લઠ્ઠાકાંડ થઇ રહ્યા છે, રોડ-રસ્તાઓ અને ઘરમાં બહેનો દીકરીઓ સુરક્ષિત નથી અને આવી છૂટ આપીને ભાજપે જે વાત કરી છે તે અત્યંત શરમજનક છે."

    - Advertisement -

    ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં સરકાર દ્વારા લિકર પરમીશન આપવામાં આવ્યા બાદ ઉપડેલી ચર્ચાઓ થોભવાનું નામ નથી લઇ રહી. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, સરકારના આ નિર્ણય બાદ તમામમાં જાણે વિરોધ કરવાની હોડ જામી છે. એવી પણ અટકળો ચલાવવામાં આવી કે ગુજરાતમાં હવે દારૂબંધી હટાવી લેવામાં આવશે. અંતે રાજ્ય સરકારના પ્રવક્તાએ આ મામલે ચોખવટ પાડવી પડી હતી. આ બધા વચ્ચે ગુજરાત AAP દ્વારા ગિફ્ટ સિટીમાં અપાયેલી લિકર પરમિશન વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

    આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે, ગુજરાત એવા મહેમાનો નથી ઇચ્છતું જેઓ પોતાનું સ્વાગત દારૂની બોટલોથી કરાવવા માંગતા હોય. આ વિડીયોમાં રેશ્મા પટેલ માથા પર કાળી પટ્ટી બાંધીને ‘ક્રાંતિકારી’ રીતે કહી રહ્યા છે કે, “ગિફ્ટ સિટીમાં દારૂબંધીને હટાવવાનો નિર્ણય ગુજરાતની બહેનો અને દીકરીઓની સુરક્ષાનો વિચાર કર્યા વગર કર્યો છે. બિલ્ડરોની ભાજપ હવે બુટલેગરોની થઇ ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ રેલમછેલ વેચાય છે. વિદેશી દારૂની હોમ ડિલેવરી થઈ રહી છે.”

    આ વિડીયોમાં રેશ્મા પટેલ તેવો પણ દાવો કરી રહ્યા છે કે ગુજરાતના રોડ-રસ્તાઓ કે પછી ઘરમાં પણ બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે, “ગુજરાતમાં લઠ્ઠાકાંડ થઇ રહ્યા છે, રોડ-રસ્તાઓ અને ઘરમાં બહેનો દીકરીઓ સુરક્ષિત નથી અને આવી છૂટ આપીને ભાજપે જે વાત કરી છે તે અત્યંત શરમજનક છે કે વિદેશી મહેમાનો માટે છૂટ આપી છે. અમારે ગુજરાતમાં આવા મહેમાનોની જરૂર નથી. આમ આદમી પાર્ટી આ નિર્ણયનો વિરોધ કરે છે અને આગામી સમયમાં રોડ-રસ્તા પર ઉતરીને અમે વિરોધ કરીશું અને આવેદન પત્ર આપીશું. આ નિર્ણય પાછો ખેંચવાની અમે માંગ કરીએ છીએ.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આબકારી નીતિમાં કરોડોના કૌભાંડ આચરવા બદલ પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંઘ જેલમાં છે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ ED પૂછપરછ માટે બોલાવી ચુકી છે. તેવામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ પ્રકારના આંદોલનની વાત કરી રહી છે, ગુજરાતની જનતા પણ આ બાબતે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતી જોવા મળી રહી છે. રેશ્મા પટેલના આ વિડીયોની નીચે યુઝર્સે તેમને રોકડું પકડાવ્યું છે. કોઈએ દિલ્હી આબકારી નીતિની વાત યાદ કરીને ચાબખા માર્યા હતા, તો કોઈએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને યાદ કરીને AAPની મજા લીધી હતી. AAP ગિફ્ટ સિટીમાં લિકર પરમીટ પર આંદોલન કરે તેના પર જનતાની શું પ્રતિક્રિયા આવે તે પણ જોવું રહ્યું.

    રેશ્મા પટેલ વિશે વાત કરીએ તો તેઓ પાટીદાર અનામત અંદોલન વખતે લાઈમ લાઈટમાં આવ્યા હતા. પાસ સમિતિમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસનો હાથ જલ્યો હતો. જોકે કોંગ્રેસ સાથે વધુ મનમેળ ન થતાં તેઓ અચાનક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. તેવામાં અચાનક જ તેમણે ભાજપનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. હાલ તેઓ ગુજરાત AAPના મહિલા મોરચાના પ્રમુખના પદ પર છે.

    શું છે દિલ્હી દારૂ કૌભાંડનો કેસ?

    આ કેસ દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એક્સાઈઝ પોલિસીને લગતો છે. આરોપ છે કે આ પોલિસી હેઠળ અમુક ડીલરોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમણે તે માટે લાંચ આપી હતી. ઇડીએ આ મામલે ગત વર્ષે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારથી અત્યાર સુધી એજન્સી 200 સર્ચ ઓપરેશન ચલાવી ચૂકી છે. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંઘ જેલમાં છે.

    આ કેસ અંતર્ગત આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ EDએ ત્રણ-ત્રણ વાર પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે પોતાને ‘બે-દાગ’ ગણાવતા CM કેજરીવાલ અલગ-અલગ બહાના બતાવીને પૂછપરછમાં હાજર નથી રહ્યા તે અલગ વાત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં